હરિદ્વારની પાર્ટીએ ચાર માસ પહેલા 1997 ડબ્બા સડેલો ગોળ મોકલ્યો‘તો: પરાબજારના વેપારીની સંડોવણીની શંકા

રાજકોટ રૂરલ એસ.ઓ.જી. અને ફુડ એન્ડ ડ્રગ્સનો સંયુકત  દરોડો:  હિમાલય કોલ્ડ સ્ટોરેજના માલિકની પૂછપરછ

રાજકોટ-ગોંડલ હાઈવે પર  ભરૂડી  ટોલનાકા પાસે આવેલા  હિમાલય કોલ્ડ સ્ટોરેજમાં  સડેલા ગોળનો શંકાસ્પદ   જથ્થો હોવાની બાતમીનાં આધારે રાજકોટ રૂરલ એસ.ઓ.જી. અને ફુડ  એન્ડ ડ્રગ્સ  વિભાગે સંયુકત દરોડો પાડી રૂ. 17.37 લાખની કિંમતના  1997 ડબ્બા ગોળ સીઝ કર્યો છે. ગોળ ચારેક માસ પહેલા હરિદ્વારથી આવ્યાની અને પરાબજારના  વેપારીનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી વિસ્તારમાં  આવેલ અંબિકા પાર્કમાં રહેતા વિવેકભાઈ કાંતીભાઈ પટેલના ભરૂડી ટોલનાકા પાસે આવેલ હિમાલય કોલ્ડ સ્ટોરેજમાં ગોળની રસી ભરેલો મોટો જથ્થો હોવાની બાતમીનાં આધારે રૂરલ એસ.ઓ.જી. પી.એસ.આઈ. ભાનુભાઈ  મિયાત્રાએ  ફુડ એન્ડ  ડ્રગ્સ વિભાગના સ્ટાફને સાથે રાખી હિમાલય કોલ્ડ સ્ટોરેજમાં દરોડો પાડયો હતો.

હિમાલય કોલ્ડ  સ્ટોરેજમાંથી રૂ. 17.37 લાખની કિંમતના  1997 ડબ્બા ગોળ  મળી આવતા સીઝ કરવામાં આવ્યો છે.  કોલ્ડ સ્ટોરેજ માલીક વિવેક પટેલની પૂછપરછમાં ગોળનો જથ્થો હરિદ્વારથી આવ્યાની અને રાજકોટ પરાબજારના વેપારીને  આપવાના હોવાનું જણાવ્યું છે. ગોળનો મોટોજથ્થો શા માટે   મંગાવ્યો તે અંગે  પરાબજારના વેપારીની  પૂછપરછ બાદ વિગતો બહાર આવશે તેમ પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.