કેન્દ્રીય નાણાપંચના અધ્યક્ષ ડૉ. અરવિંદ પનગઢિયા તથા અન્ય ચાર સભ્યશ્રીઓએ માનનીય મુખ્યમંત્રી સાથે મુલાકાત કરેલ. જે દરમિયાન માનનીય નાણામંત્રી, માનનીય મુખ્ય સચિવ, ડૉ. હસમુખ અઢીયા (માન.મુખ્યમંત્રીના અગ્ર સલાહકાર) તથા રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેલ. રાજ્ય સરકારે 16માં કેન્દ્રીય નાણાપંચ સમક્ષ મેમોરેન્ડમ રજૂ કરેલ.
16માં નાણાપંચ સમક્ષ ગુજરાત રાજ્યે નીચે મુજબના પ્રસ્તાવ રજુ કરેલ રાજ્યોને મળતા હિસ્સામાં વધારો કરવો (વિભાજ્ય પુલમાં વધારો):- રાજ્યો શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા અતિ મહત્વના ક્ષેત્રોમાં ખર્ચની પ્રાથમિક જવાબદારી ઉઠાવે છે આ સંજોગોમાં વિભાજ્ય પુલમાંથી રાજ્યોને વહેંચવાનો હિસ્સો પ્રવર્તમાન 41% છે જે વધારીને 50% કરવામાં આવે તેવો પ્રસ્તાવ ગુજરાત સરકારે રજૂ કરેલ છે.
સમાનતા અને કાર્યક્ષમતા વચ્ચે સંતુલન: રાજ્યની વિકાસની જરૂરિયાતો તેના લોકોની સુખાકારી સાથે જોડાયેલી છે. રાજ્યોને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે વધુ સંસાધનોની જરૂર પડે છે. આવકનું અંતર રાજ્યો વચ્ચે આવકની ફાળવણી માટે મહત્વનું પરિબળ ગણી શકાય, સાથોસાથ ગુજરાત જેવા રાજ્યો કે જેમણે નોંધપાત્ર આર્થિક પ્રગતિ કરી હોય તેઓને પણ દેખાવના માપદંડોમાં વધારો કરવા જરૂરી પ્રોત્સાહન મળવું આવશ્યક છે. જે તેમને વૃદ્ધિ-કેન્દ્રિત નીતિઓ ચાલુ રાખવા માટે પ્રેરિત કરશે.
વધતું શહેરીકરણ:- શહેરો આપણા અર્થતંત્રના માળખાકીય પરિવર્તન માટે વાણિજ્યિક પ્રવૃત્તિના કેન્દ્ર તરીકે મહત્વના છે. જે માટે, રાજ્યોને ટકાઉ શહેરી માળખાકીય સુવિધાઓ વિકસાવવા અને તેમના નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પહોંચાડવા માટે ગુજરાત જેવા વધુ શહેરીકરણ ધરાવતા રાજ્યો માટે નોંધપાત્ર સંસાધનોની જરૂર છે. આથી હોરીઝોન્ટલ ડિવોલ્યુશન(રાજ્યો વચ્ચે આવકની વહેંચણી)ના ઘટક તરીકે શહેરીકરણનો સમાવેશ કરવાની દરખાસ્ત છે.
Sector Specific (વિશેષ ક્ષેત્રોમાં) અનુદાન:- વિશેષ ક્ષેત્રો જેવાકે રીન્યુએબલ એનર્જી, ટુરીઝમ, ડીઝાસ્ટર (ફલડ, હીટવેવ, સાયકલોન વગેરે) પર વધુ ભારાંક આપવામાં આવે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, ન્યુટ્રીશન વગેરે માટે વિશેષ જોગવાઈ સુનિશ્ચિત થાય તેવો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો.
વ્યાપક સમાનતા આધારિત સૂચકાંકોમાં બહુપરિમાણીય ગરીબી સૂચકાંકનો સમાવેશ (Multi Dimensional Poverty Index-MPI :- રાજ્યો વચ્ચે આવકની વહેંચણીના માપદંડ તરીકે બહુપરિમાણીય ગરીબી સૂચકાંક (MPI) નો સમાવેશ કરવાથી સમાનતામાં સુધારો થશે ગરીબીના વિવિધ પાસાઓનો સામનો કરવા માટે એક સર્વગ્રાહી પદ્ધતિ પ્રદાન થશે. જેથી આરોગ્ય અને પોષણ પડકારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
રાષ્ટ્રીય GDPમાં યોગદાનનો સમાવેશ: ઉચ્ચ આર્થિક યોગદાન ધરાવતાં રાજ્યોને ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણને કારણે પર્યાવરણને થતા નુકસાન અને માળખાગત સુવિધા પર વધુ ભારણ જેવા પડકારોનો સામનો કરવો પડે છે. ટેક્સની આવકની વહેંચણીમાં GDP યોગદાનને ગણતરીમાં લેતા વધુ આર્થીક યોગદાન ધરાવતા રાજ્યો આ મુદ્દાઓનું સંચાલન કરવા અને આર્થિક રીતે પ્રગતિ કરવા માટે વધુ સંસાધનો મેળવી શકે છે.
સાતત્યપૂર્ણ વિકાસનું મહત્વ:- લાંબા ગાળાના વિકાસ અને પર્યાવરણીય સ્થિતિસ્થાપકતાને ઉત્તેજન આપવા માટે રાજ્યોને મળતા હિસ્સાના વિનિમયમાં મુખ્ય માપદંડ તરીકે ટકાઉપણાનો સમાવેશ કરવો જરૂરી છે.
રાજકોષીય સમજદારી પર ધ્યાન કેન્દ્રિત કરવું:- ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યો વચ્ચે વધુ નાણાકીય જવાબદારીને પ્રોત્સાહિત કરવા માટે મહેસૂલ ખાધ અનુદાનને તબક્કાવાર બંધ કરવાની ભલામણ કરવામાં આવી. જેથી સારા નાણાકીય વ્યવસ્થાપન અને ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન મળશે.
આ ઉપરાંત નાણાપંચ નીચે પ્રમાણે પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરનાર છે.
વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓની સાથે મુલાકાત – કેન્દ્રીય નાણાપંચ વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરનાર છે, તેમજ તેઓની રજૂઆતો/માંગણીઓ સંદર્ભે પરામર્શ કરનાર છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત – પંચાયતી રાજ્યની વ્યવસ્થા વધારે સુદૃઠ થાય તે માટે ગ્રામ્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેમ કે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, ગ્રામપંચાયતના હોદ્દેદારોની મુલાકાત લઇ, તેઓની સાથે પરામર્શ કરશે.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત – અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પોરેશન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, વડોદરા મ્યુનિસિપલ, કોર્પોરેશન, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરઓની મુલાકાત લેશે તથા, સુરેન્દ્રનગર નગરપાલિકા, આણંદ નગરપાલિકા, નડિયાદ નગરપાલિકા, નવસારી નગરપાલિકા, ગાંધીધામ નગરપાલિકા, મુન્દ્રા નગરપાલિકા અને પોરબંદર-છાયા નગરપાલિકાના પ્રમુખઓ/હોદ્દેદારોની મુલાકાત લેશે અને તેમની રજૂઆતો/માંગણીઓ સંદર્ભે પરામર્શ કરશે.
રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રતિનિધિઓની સાથે મુલાકાત-કેન્દ્રીય નાણાપંચ રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રતિનિધિઓની મુલાકાત પણ લેશે.