Abtak Media Google News
  • 925 રસીકરણ બુથ, 1722 રસીકરણ ટીમો, 185 મોબાઇલ ટીમ સાથે આરોગ્ય તંત્ર સજ્જ
  • એક વાર રસી લીધી હોવા છતાં પાંચ વર્ષથી નીચેના બાળકોને રસી અપાવવી જરૂરી

આગામી તા. 23 જૂનના રોજ રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત પોલિયો રવિવારના દિવસે 169982 બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. આ અભિયાનના ભાગ રૂપે ભારત સરકાર દ્રારા તા. 23 જુન-20ર4 ના રોજ રાજકોટ જિલ્લાના તાલુકાના ગ્રામ્ય/નગરપાલીકા વિસ્તારોમાં પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે.

આ અંગે રાજકોટ આરોગ્ય તંત્ર દ્વારા સંપુર્ણ આયોજન  કરી લેવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના 169982 બાળકોને રસી આપવા માટે 925 રસીકરણ બુથ તેમજ 1722 રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વંયસેવકો ફરજ નિભાવશે. તમામ આયોજનના અસરકારક અમલ માટે 186 સુપરવાઈઝરો નીમવામાં આવેલ છે.

અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે 185 મોબાઇલ ટીમો અને રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય છે તેવી જગ્યાઓ માટે 46 ટ્રાન્ઝીટ ટીમો બનાવવામાં આવી છે.

તા.23 જુન ર0ર4ના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવેલ ત્યાં પોલિયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય ટીમ દ્રારા આપવામાં આવશે ત્યારબાદ બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસી આપવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં કામગીરીના અસરકારક અમલીકરણ માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમિટી બનાવવામાં આવી છે, જેની મીટીંગ યોજી આયોજનને આખરી ઓપ આપવામાં આવેલ છે તેમજ જિલ્લાના વર્ગ-1ના અધિકારીઓને સંકલન અધિકારી તરીકે નિમવામાં આવેલ છે. જિલ્લા કક્ષાએ તાલુકા હેલ્થ ઓફિસર તમામ, મેડીકલ ઓફિસર, પ્રા.આ.કે./ અર્બન આરોગ્ય કેંદ્રો તમામ, આર.બી.એસ.કે. મેડીકલ ઓફિસર તમામને તાલીમ આપી તાલુકા કક્ષાની કમિટી બનાવવામાં આવી છે.

આ અભિયાનમાં જોડાઈ  રાજકોટ જિલ્લાના વાલીઓ તા.23 જુન-ર0ર4 ના રોજ પોલિયો રવિવારના દિવસે પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલિયો વિરોધી રસી અપાવવા બુથ પર આવે તેમ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આપનું બાળક જો સામાન્ય બિમાર હોય, અગાઉ ગમે એટલીવાર આ રસી લીધી હોય તો પણ આ દિવસે અવશ્ય રસી અપાવવા આવો. તેમ યાદીમાં જણાવાયું છે.

પોલિયો શું છે?

પોલિયો એ પોલિયો વાયરસથી થતો રોગ છે. મોટાભાગના લોકોમાં તેના કોઈ આગોતરા લક્ષણો જોવા મળતા નથી, પરંતુ કેટલાક લોકો લકવાગ્રસ્ત થઈ જાય છે. રસીઓ પહેલાં, હજારો લોકો આ રોગચાળો ફાટી નીકળતાં લકવાગ્રસ્ત થતાં હતા. આજે જંગલી પોલિઓ વાયરસ પ્રકાર 2 અને 3 નાબૂદ થઈ ગયા છે, પરંતુ પ્રકાર 1 હજુ પણ વિશ્વના કેટલાક ભાગોમાં અસ્તિત્વ ધરાવે છે.  પોલિયોને રોકવા માટે રસીકરણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે. પોલિયોનો કોઈ ઈલાજ નથી.

પોલિયો થવાનું કારણ શું?

સ્વચ્છતાનો અભાવ આ વાયરસને જન્મ આપે છે. જે સંક્રમિત પાણી, ખોરાક કે વ્યક્તિના ચેપ લાગવાથી ફેલાય છે.

પોલિયો શરીરને કેવી રીતે અસર કરે છે?

પોલિયો વાયરસ તમારા મોં કે નાક દ્વારા  શરીરમાં પ્રવેશ કરે છે. ગળા અને આંતરડામાં ફેલાય છે.  કેટલાક કિસ્સાઓમાં, તે  મગજ અને કરોડરજ્જુમાં પ્રવેશ કરે છે અને લકવાનું કારણ બને છે.  લકવો હાથ, પગ અથવા શ્વાસને નિયંત્રિત કરતા સ્નાયુઓને અસર કરી શકે છે.

શું પુખ્ત વયના લોકોને પોલિયો થઈ શકે છે?

હા, પુખ્ત વયના લોકોને પણ પોલિયો થઈ શકે છે.   જે પુખ્ત વયના લોકોને અગાઉ રસી આપવામાં આવી નથી તેઓ પોલિયો વાયરસના સંપર્કમાં આવે તો તેમને પોલિયો થઈ શકે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.