વોર્ડવાઈઝ ન્યુસન્સ પોઈન્ટના સરનામા સાથે મેયર ડો.પ્રદિપ ડવે તમામ કોર્પોરેટરને પત્ર લખ્યા
ન્યુસન્સ પોઈન્ટ પર સિક્યુરીટી તૈનાત કરવાની વિચારણા: જરૂર પડશે તો કચરો ફેંકનારને દંડ પણ ફટકારાશે
સ્માર્ટ સિટી તરીકે વિકસી રહેલા રાજકોટમાં 18 વોર્ડમાં 164 જેટલા ઉકરડા અર્થાત ન્યુસન્સ પોઈન્ટ છે. શહેરમાંથી ન્યુસન્સ પોઈન્ટનું દુષણ સંપૂર્ણપણે દૂર થાય અને રાજકોટ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશનું નં-1 શહેર બને તે માટે મેયર ડો.પ્રદિપ ડવે ગંદકીના ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટનો સંકલ્પ ર્ક્યો છે. જે અંતર્ગત 18 વોર્ડના 72 કોર્પોરેટરોને ન્યુસન્સ પોઈન્ટના સરનામા સાથે પત્ર લખવામાં આવ્યો છે. નજીકના દિવસોમાં આવા પોઈન્ટ પર સિક્યુરીટી તૈનાત કરવામાં આવશે. છતાં લોકો કચરો ફેંકવાનું શરૂ રાખશે તો દંડ પણ ફટકારવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે ત્યારે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજકોટ દેશનું નં-1 શહેર બને તેની જવાબદારી રાજકોટવાસીઓની છે. અગાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કચરા માટે મોટા કદની ડસ્ટબીન રાખવામાં આવતી હતી પરંતુ ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અમલી બન્યા બાદ શહેરને ડસ્ટબીન મુક્ત બનાવવામાં આવ્યું છે. જેનું ખુબ સારૂ પરિણામ મળ્યું છે. રાજકોટની ખુબસુરતીમાં વધારો કરવા માટે હવે ન્યુસન્સ પોઈન્ટ મુક્ત રાજકોટ અભિયાન હાથ ધરવામાં આવે છે. શહેરના 18 વોર્ડમાં 164 જેટલા ન્યુસન્સ પોઈન્ટ છે. મેયર દ્વારા ભાજપના 68 અને કોંગ્રેસના 4 કોર્પોરેટરોને તેઓના વોર્ડમાં આવેલા ન્યુસન્સ પોઈન્ટના સરનામા સાથેની યાદી પત્ર દ્વારા મોકલવામાં આવી છે. ક્રમશ: આવા ન્યુસન્સ પોઈન્ટનું દુષણ અટકાવવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે, ન્યુસન્સ પોઈન્ટ પર કોર્પોરેશન દ્વારા નિયમીત સફાઈ કરવામાં આવે છે પરંતુ લોકો ત્યાં કચરો ફેંકતા હોવાના કારણે ફરી ગંદકી થઈ જાય છે. આવા પોઈન્ટ પર સિક્યુરીટી તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત કચરો ફેંકવો નહીં તેવા સાઈન બોર્ડ મુકવામાં આવશે. ક્રમશ: ન્યુસન્સ પોઈન્ટની સંખ્યા ઘટે તે માટે કર્મચારી અને અધિકારીની જવાબદારી ફિક્સ કરવામાં આવશે અને આ માટે શહેરની સામાજીક સંસ્થાઓનો પણ સહયોગ લેવામાં આવશે. છતાં લોકો ન્યુસન્સ પોઈન્ટ પર કચરો ફેંકવાનું ચાલુ રાખશે તો તેને દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવશે.હરવા-ફરવાના સ્થળ, બાગ બગીચાની સફાઈ તે માટે સંસ્થાને સાથે જોડવામાં આવશે અને જરૂર પડશે તો જે તે સ્થળ દતક આપવામાં આવશે. રાજકોટ ન્યુસન્સ પોઈન્ટ મુક્ત બને તે માટે નગરજનોને સહકાર આપવા મેયર ડો.પ્રદિપ ડવ અને સેનીટેશન કમીટીના ચેરમેન અશ્ર્વિન પાંભરે અનુરોધ કર્યો છે.