વિશ્વ કિડની દિવસ-૨૦૨૦
ક્રિટિકલ ડાયાલીસીસ માટે સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ સિવિલમાં સી.આર.આર.ટી. અને એચ.ડી.એફ.મશીનની સુવિધા
હેલ્થ ઇઝ વેલ્થ એ ઉક્તિ સ્વાસ્થ્ય માટે આલેખવામાં આવે છે. તંદુરસ્ત સમાજ એ તંદુરસ્ત રાષ્ટ્રની પુર્વ શરત છે. સ્વસ્થ આરોગ્ય એ વ્યક્તિના પોતાના માટે જ નહીં પરંતુ તે તેના કુટુંબ સમાજ અને દેશ માટે પણ ખૂબ જ અગત્યની બાબત છે. માટે જરૂરી છે. પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર મોટા ભાગે ગંભીર રોગ માનવ શરીરમાં પ્રવેશી ચુકે ત્યાં સુધી આપણે તેના પ્રત્યે સજાગ હોતા નથી. જો યોગ્ય સમયે કોઈપણ રોગ અંગે સજાગતા કેળવવામાં આવે તો રોગને નિવારી અથવા યોગ્ય સારવાર દ્વારા સ્વસ્થ થઈ શકાઈ છે.
રોગ પ્રત્યે જન જાગૃતિ અર્થે સમગ્ર વિશ્વમાં ડાયાબિટીસ, કેન્સર, હાર્ટ અને કિડની સહિતના દિવસ ઉજવવામાં આવે છે. કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં ૧૨ માર્ચ, ૨૦૨૦ વિશ્વ કિડની દિવસ તરીકે ઉજવવામાં આવેછે. આ વર્ષે વિશ્વ કિડની દિવસનું સ્લોગન સાવચેતી, વહેલા નિદાન અને કાળજીથી, સર્વત્ર સર્વજનોમાં તંદુરસ્ત કિડની છે.
કિડનીના દર્દીઓને લોહીના શુદ્ધિરણ માટે જરૂરીયાત મુજબ સપ્તાહમાં એક થી બે વાર ડાયાલીસીસ કરાવવું જરૂરી હોય છે. આ પ્રક્રિયામાં કૃત્રિમ રીતે લોહીનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. રાજકોટ ખાતે સરકારી હોસ્પિટલ, ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ કરાવી આપવામાં આવે છે. રાજય સરકાર દ્વારા જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવેલ માં અમૃતમ કાર્ડ ધારકો નિ:શુલ્ક ડાયાલીસીસ કરાવી શકે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.મનિષ મહેતાએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ) ખાતે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ (પી.એમ.એસ.એસ.વાય)માં ૨૪ કલાક રાઉન્ડ ધી કલોક ખાસ ડાયાલીસીસ વિભાગ શરૂ કરાયો છે. હાલ ૧૫ બેડના ડાયાલીસીસ વિભાગમાં રોજના ૩૫ જેટલા ડાયાલીસીસ નિ:શુલ્ક કરાવી આપવામાં આવે છે. જેની કિંમત ૨૫૦૦ રૂા. જેટલી થતી હોય છે એજ રીતે પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે ૧૨ બેડના સેન્ટરમાં એવરેજ ૩૦ જેટલા ડાયાલીસીસ કરી આપવામાં આવે છે. મહિને બંને સેન્ટરના કુલ ૧૬૦૦ જેટલા ડાયાલીસીસ કરી સામાન્ય પરિવારના જરૂરિયાતમંદ લોકોને રાજય સરકાર મદદરૂપ બની રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું રૂા.૧૬ લાખની કિંમત સી.આર.આર.ટી (ક્ધટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ (હિમોડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ કરી આપતું મશીન કે જેની કિંમત રૂા.૧૨ લાખ જેટલી હોય છે જે આ વિભાગમાં સુવિધા પુરી પાડી રહ્યું છે જે એક ગૌરવની વાત હોવાનું ડો.મહેતા જણાવે છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમાં ડાયાલીસીસની સુવિધા પણ ઉપલબ્ધ છે જેમાં એકવાર ડાયાલીસીસની કિંમત રૂા.૧૬૦૦૦ જેટલી થતી હોય છે.
કિડની નિષ્ણાત ડો. સંજય પંડયા જણાવે છે કે. ભારત અને વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ભયજનક રીતે વધતું જાય છે. કિડનીનાં જુદા-જુદા રોગો અને ક્રોનિક કિડની ડીસીઝનાં દર્દીઓની સંખ્યામાં ભયજનક વધારો થઈ રહ્યો છે. દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે. ૨૪ લાખ લોકો દર વર્ષે સી.કે.ડી.ને કારણે મૃત્યુ પામે છે અને જીવલેણ રોગોના લીસ્ટમાં સી.કે.ડી. છઠા ક્રમે આવતો ગંભીર રોગ છે. ડાયાબીટીસ અને લોહીનું ઉંચું દબાણ તે કિડની બગડવાનાં સૌથી મહત્વનાં કારણો છે. ક્રોનિક કિડની ડીસીઝ ન મટી શકે તેવો ગંભીર રોગ છે. આ રોગનાં અંતીમ તબકકાની સારવારનાં બે વિકલ્પો જીવનભર ડાયાલીસીસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે. આ સારવાર ભારે ખર્ચાળ અને ઓછા સ્થળોએ ઉપલબ્ધ હોવાને બધા દર્દીઓને ઉપલબ્ધ થતી નથી. યોગ્ય કાળજી દ્વારા કિડની રોગ થતાં અટકાવી શકાય છે. વહેલા નિદાન દ્વારા રોગ મટી શકે છે અથવા યોગ્ય સારવાર અને પરેજી દ્વારા લાંબા સમય સુધી તબિયત સારી રાખી શકાય છે. કિડનીના રોગોને અટકાવવા અને તેની કાળજી માટે વિશ્વભરના દરેક ભાગમાં રહેતા બધા જ લોકોને કિડની અંગે પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે.
લોહીના દબાણનો યોગ્ય કાબુ રાખવો.લોહીનું દબાણ ૧૩૦/૮૦ થી ઓછું રાખવું તે કિડનીની સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે. લોહીનું ઉંચું દબાણ હાઈબ્લડ પ્રેશર ક્રોનિક કિડની ફેલ્યરનું મહત્વનું કારણ છે.પાણી વધારે પીવું. તંદુરસ્ત વ્યકિતએ રોજ ર લીટર (૧૦-૧ર ગ્લાસ) થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બીન જરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લીટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.ધુમ્રપાન, તમાકુ, ગુટકા, માવા, દારૂનો ત્યાગ કરવો. ડોકટરની સલાહ વગર દવાઓ (ખાસ કરીને દુખાવા માટેની દવાઓ) ન લેવી.રૂટીન હેલ્થ ચેક અપ જરુરી. બંને કિડની ૯૦% જેટલી બગડે ત્યાં સુધી ઘણા દર્દીઓમાં રોગના કોઈ ચિહ્નો જોવા મળતા નથી.
રાજકોટના સિનીયર નેફ્રોલોજીસ્ટ (કિડની નિષ્ણાત) ડો. સંજય પંડયા દ્વારા ગુજરાતી ભાષામાં તમારી કિડની બચાવો પુસ્તકના વર્ષ ૨૦૦૬માં પ્રકાશન સાથે જનજાગૃતિના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકર દ્વારા સ્વાસ્થ્ય અર્થે જનજાગૃતિના અનેક અભિયાન હાથ ધરવામાં આવે છે. જરૂરિયાતમંદ દર્દીઓ માટે આયુષ્માન ભારત, માં અમૃતમ તેમજ વાત્સ્લય કાર્ડ યોજના દ્વારા નિદાન ખર્ચ સરકાર દ્વારા પર્યાપ્ત કરવામાં આવે છે.
દરેક વ્યકિતએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ
કિડનીની તકલીફ થવાની શકયતા વધારે હોય ત્યારે અને ૪૦ વર્ષની ઉંમર બાદ દરેક વ્યક્તિઓએ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવવું જોઈએ.કિડનીનાં રોગનાં ચિહ્નો જોવા મળે ત્યારે વહેલાસર ડોકટર પાસે તપાસ કરાવવી અને વહેલા નિદાન બાદ નિયમીત દવા લેવી અને પરેજી રાખવી. પથરી-પેશાબનો ચેપ, મોટી ઉંમરે પુરૂષોમાં બી.પી.એચ.ની તકલીફ વગેરે માટે યોગ્ય તપાસ કરાવી જરૂરી સારવાર લેવી.