મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ચૂંટણી લડશે: કહીં ખુશી, કહી ગમ જેવો માહોલ: બીજી યાદીમાં બાકી રહેતી 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરાશે
ગુજરાત વિધાનસભાની ચૂૂંટણી માટે આજે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા રાજ્યની 182 બેઠકો પૈકી 160 બેઠકો માટે ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં 38 વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી નાંખવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમદાવાદની ઘાટલોડીયા વિધાનસભાની બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ઘોષણા કરવામાં આવી છે. બાકી રહેતી 22 બેઠકો માટે આગામી એકાદ બે દિવસમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. રાજકોટ શહેરની ચારેય બેઠકો પર ઉમેદવારો બદલવામાં આવ્યા છે. જ્યારે જિલ્લાની જે ત્રણ બેઠકો પર ભાજપના સિટીંગ ધારાસભ્યો છે તેઓને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે ધોરાજી-ઉપલેટા બેઠક માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી. કેટલાંક વર્તમાન મંત્રીઓની પણ ટિકિટ કાપી નાંખવામાં આવી છે. ભાજપના ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ ક્યાંય ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ સર્જાઇ ગયો છે. છેલ્લી ચાર ટર્મથી ચૂંટણી જીતતા વડોદરાના કદાવર નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ પણ કાપી નાંખવામાં આવી છે. ભાજપ દ્વારા આ વખતે મહિલાઓ અને યુવા ચહેરાઓને વધુ ટિકિટ આપવામાં આવી છે.
ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને એક સપ્તાહ જેટલો સમય થી ગયો છે. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગઈ કાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલાં તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.
જો કે મોડી રાત્રે જ જે ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા. તેઓને ફોન કરીને જાણ કરી દેવામાં આવી હતી. યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, કોંગ્રેસમાં ઘાટલોડિયા સીટથી અમીબેન યાજ્ઞીક ચૂંટણી લડવાના છે.
ભારતીય જનતા પાર્ટીની પેટર્ન રહી છે કે ઉમેદવારોના ફોર્મ ભરવાના હોય તેના ચાર કે પાંચ દિવસ પહેલાં જ ઉમેદવારો જાહેર કરે છે. તેનું કારણ એ છે કે ભાજપના જે ઉમેદવારો જાહેર થાય તેના કારણે ભાજપમાં જ અસંતોષની આગ વધુ ન ફેલાય અને પક્ષને નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાય છે. ખાસ તો કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને જો ટિકિટ અપાય છે તો પક્ષના જ આગેવાનો અને કાર્યકરોમાં કચવાટ ફેલાય છે. આ ભાજપને નુકસાન કરી શકે છે.