- નમાજ પઢવાની ચાદર વડે સવારે સાડા ચાર વાગ્યાં આસપાસ મોત વ્હાલું કરી લીધું
શહેરના ગોંડલ રોડ પર આવેલ સૌરાષ્ટ્રની એકમાત્ર બાળ અદાલત – ઝોનલ ઓબઝર્વેશન હોમમાં 16 વર્ષીય સગીરે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. આજે વહેલી સવારે નમાજ પઢવાની ચાદર વડે ગળાફાંસો ખાઈ લેતા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી એફએસએલને સાથે રાખી પંચનામા સહીતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગોંડલ રોડ પર આવેલ સૌરાષ્ટ્રની એકમાત્ર બાળ અદાલત અને ઝોનલ ઓબઝર્વેશન હોમમાં ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનામાં જ્યુડીશિયલ કસ્ટડીમાં રહેલા 16 વર્ષ ત્રણ માસની ઉમર ધરાવતા સગીર પરવેઝ એશાન અલી નુરાનીએ વહેલી સવારે ચાર વાગ્યાં આસપાસ નમાજ પઢવાની ચાદર(મુસ્લ્લો) વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. સવારે અન્ય બાળ આરોપી જગ્યા બાદ તેમણે મૃતદેહ લટકતો જોઈ ઝોનલ ઓબઝર્વેશન હોમ તંત્રને જાણ કરી હતી. જે બાદ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાને પગલે એ ડિવિઝન પોલીસનો કાફલો તેમજ એસીપી બી જે ચૌધરી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં હતા અને એફએસએલ ટીમને સાથે રાખી ઇન્કવેસ્ટ પંચનામું શરૂ કરવામાં આવ્યું હતું જયારે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આપઘાત પાછળનું કારણ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
સગીર અને તેના મિત્રોએ મકાનને કાંડી ચાંપી પરિવારને જીવતા સળગાવી નાખવાની કોશિશ કરી’તી
ભાવનગરમાં નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગત તા.25-12-2024ના રોજ એક ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદમાં શહેનાઝબાનુ ઝલાલીએ જણાવ્યું હતું કે, મારા પતિ ઝાકીરભાઈ કબ્રસ્તાનમા ચોકીદાર તરીકે કામ કરે છે. આજથી છ મહિના પહેલા અયાન નામનો શખ્સ અસામાજીક પ્રવૃતિ કરવા માટે કોઇ સ્ત્રીને કબ્રસ્તાનમાં લઈને આવેલ હોય તેથી મારા પતિએ તેને કબ્રસ્તાનની બહાર કાઢતા તેની અદાવત રાખી અયાનએ મારા દીકરા તૈકીકહુસેન ઝાકીરભાઈને રસ્તામાં વારંવા2 હેરાન પરેશાન કરતો હતો અને ધાકધમકીઓ આપતો હતો. ત્યારબાદ તા.21/12/2024 ના રોજ મારો દિકરો તૈકીક અમારા ઘરેથી આંબા ચોક તરફ જતો હતો ત્યારે તેનો પીછો કરી તેને રસ્તામા રોકી ધાક ધમકી આપવા લાગતા આ મા રો દિકરો તેનાથી ડરી નજીકની દુકાનમાં જતો રહેલ અને અમારા પતિને ફોનથી જાણ કરતા મારા પતિ મારા દિકરાને લેવા ગયેલ ત્યારે આ અયાન નાસી ગયેલ હતો. બાદમાં રાત્રીના નવ વાગ્યાં આસપાસ તેના સાથેના મિત્રો સાથે ભાગી ગયેલ હતો. અને રાત્રીના આશરે નવેક વાગ્યે મારા પતિ તથા મારો દિકરો ઘરે આવતા હતા ત્યારે રસ્તામાં અયાન તથા તેનો મિત્ર પરવેઝ નુરાની, સાદ સહિતનાએ મારા પતિ તથા મારા દિકરા સાથે ઝગડો કર્યો હતો. બાદ યુસુફ, પરવેઝ, દાનિશ, સાદ સહિતના તલવાર તેમજ જ્વલનશીલ પદાર્થ લઈને ધસી આવ્યા હતા અને અમને બહાર આવવા કહેતા હતા પણ અમે ઘરની અંદર પુરાઈ જતાં દાનીશ હબીબાણીએ મકાન પર જવલનશીલ પ્રવાહી છાંટી સળગાવેલી સિગરેટ ફેંકી દીધી હતી. જો કે, પરિવાર પાછળના રસ્તે બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, મકાનમાં રહેલી ઘરવખરી, ઇલેક્ટ્રોનિક ઉપકરણો સળગી ગયાં હતા. જે મામલામાં મૃતક પરવેઝની ધરપકડ કરવામાં આવી હતી.