જિલ્લામાં ૨૦,૫૬,૮૫૬ મતદારો, ૨૧૪૨ મતદાન મથકો, રાજકીય ગતિવિધિઓ પર ચાંપતિ નજર રખાશે
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણીની તારીખોનું ગઈકાલે કેન્દ્રીય ચુંટણીપંચે એલાન કર્યું છે. રાજયની ૧૮૨ વિધાનસભાની બેઠકો માટે બે તબકકામાં મતદાન યોજાશે. જેમાં રાજકોટ જિલ્લાનો ૯મીએ યોજનારી પ્રથમ તબકકાની ચુંટણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે અંગેની તૈયારીઓ તેમજ વિગત જણાવવા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા મુખ્ય ચુંટણી અધિકારી વિક્રાંત પાંડેના અધ્યક્ષે પત્રકાર પરિષદ યોજાઈ હતી.
વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે, ગઈકાલે ચુંટણીની તારીખોની જાહેરાત થતા આચારસંહિતા અમલમાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શ‚ કરી દેવામાં આવી છે. વધુમાં રાજકોટ જિલ્લામાં ૧૬ પૂરક મતદાન મથકો ઉભા કરવામાં આવશે. ચુંટણીની તારીખો જાહેર થઈ ત્યારથી રાજકીય પક્ષોની જાહેરાત કરતા પોસ્ટર, હોર્ડીંગ્સ અને બેનરો હટાવવાની ઝુંબેશ શ‚ કરી દેવામાં આવી છે. રાજકોટ જિલ્લામાંથી અત્યાર સુધીમાં કુલ ૪૬૦૯ હોર્ડિંગ્સ, પોસ્ટરો તેમજ વોલ પેઈન્ટીંગ હટાવવામાં આવ્યા છે. આવતી ૨૪ કલાકમાં સમગ્ર જિલ્લામાંથી રાજકીય પક્ષની જાહેરાતો કરતા પોસ્ટરો નાબુદ કરવામાં આવશે.
આચારસંહિતા અમલમાં હોવાથી મંત્રી કે સતાધિશો કોઈપણ નાણાકીય ગ્રાન્ટની જાહેરાત નહી કરી શકે. કોઈપણ યોજના જાહેર નહી થઈ શકે. આ ઉપરાંત જાહેર સાહસોમાં કોઈપણ પદે નિમણુક આપી શકાશે નહીં. સર્કિટ હાઉસ અથવા અન્ય સરકારી મિલકતો તમામ રાજકીય પક્ષો પ્રત્યે સમાનતા રાખીને ઉપયોગ કરી દેવામાં આવશે. ચુંટણી માટે ૨૩૦ સેકટર ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે. આ સાથે ફલાઈન્ગ સ્કવોર્ડ, એસએસટી અને એફએસટી સહિત કુલ ૭૨ ટીમો બનાવવામાં આવી છે.
વધુમાં જિલ્લા કલેકટરે જણાવ્યું કે કોઈપણ ઉમેદવાર કે ટેકેદારો પાસે ચુંટણી સંદર્ભે ‚ા.૫૦ હજાર જેટલી રકમ મળી આવશે તો તેમની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં સામાન્ય નાગરીક પાસેથી જો રૂ.૫૦ હજાર મળી આવશે તો તેની જાણ ઈન્કમ ટેકસ વિભાગને કરાશે. રાજકોટ જિલ્લાના ૨૧૪૨ મતદાન મથકોની તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી છે. વધુમાં જે બુથ પર ઓછુ મતદાન નોંધાતું હોય છે ત્યાં ઓછુ મતદાન થવા પાછળનું કારણ જાણવામાં આવશે. તેમજ તેનો નિવેડો લાવવાના પ્રયત્નો હાથ ધરાશે. વધુમાં ચુંટણીપંચે શહેરી બુથમાં મતદારોની સંખ્યા ૧૪૫૦થી ઘટાડી ૧૪૦૦ નિયત કરી છે અને ગ્રામ્ય બુથમાં ૧૨૫૦ નિયત કરી છે.
ચુંટણી સંદર્ભે થતી ગેરરીતિઓ અટકાવવા તંત્ર દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયા છે. ૧૮૦૦ ૨૩૩૨ ૪૫૦૧ નંબર પર ફરિયાદ નોંધાવી શકાશે. ચુંટણી સંદર્ભે નાણાનો વહિવટ, મતદારોને લોભાવવા અને રિશ્વત વગેરે જેવી ફરિયાદો આ ટોલ ફ્રી નંબર પર નોંધાવી શકાશે. ચુંટણી માટેની સ્કવોર્ડ, કમીટીઓને અરેસ્ટ તેમજ સર્ચ કરવાની વિવિધ સતાઓ આપી દેવાઈ છે. વધુમાં ચુંટણીનો સમય હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જે આગામી દિવસોમાં જાહેર કરાશે. ગયા વખતે વિધાનસભામાં ૭૧ ટકા અને લોકસભામાં ૬૩ ટકા મતદાન થયું હતું. હાલ મતદાર યાદીનું શુદ્ધિકરણ થઈ ગયું છે. આ વિધાનસભાની ચુંટણીમાં ૮૦ ટકા જેટલું મતદાન થાય તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. આગામી તા.૧ થી ૧૫ સુધી કોલેજોમાં ચુંટણી અંગેના જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેનો મુખ્ય હેતુ યુવા મતદારોને મતદાન પ્રત્યે જાગૃત કરવાનો છે. જિલ્લામાં કુલ ૩૫૦૦ વીવીપેટ મશીનો છે. અંદાજે ૧૪ હજાર જેટલો સ્ટાફ ચુંટણીમાં ફરજ પર રહેશે.