રેલવે સ્ટેશનોની પાયાની સુવિધા સમૃધ્ધ બનાવી મુસાફરોની સવલતોમાં વધારો કરવા પીપીપી મોડલ હેઠળ વિકાસ હાથ ધરાશે
ભારતીય રેલ્વે દેશના 16 જેટલા રેલવે સ્ટેશનોને નવો રંગ રૂપ આપવા જઈ રહ્યું છે. આ કાર્ય પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે પીપીપી મોડલ હેઠળ પર પાડવામાં આવશે. જેના માટે રેલવે મંત્રાલય ઓનલાઈન બીડિંગ મંગાવનારું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ બીડિંગ પ્રક્રિયા પૂર્ણ કરી લેવાશે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે. 16 રેલવે સ્ટેશનોની યાદીમાં આનંદ વિહાર, થાણે, તંબ્રમ, દાદર, કલ્યાણ અને અંધેરી સ્ટેશન છે. ઉપરાંત પુણે, કોઈમ્બતુર, બેંગ્લોર સિટી, બરોડા, ભોપાલ, ચેન્નાઈ સેન્ટ્રલ, જૂની દિલ્હી, નિઝામુદ્દીન, અવાડી અને વિજયવાડાના રેલ્વે સ્ટેશનોનો પુન:વિકાસ કરાય તેવી પ્રબળ શકયતા છે.
આ રેલ્વે સ્ટેશનોની પાયાની સુવિધાઓને સમૃદ્ધ બનાવવા તેમજ મુસાફરો માટે સુલભતા સુનિશ્ચિત કરવા અપગ્રેડ કરવામાં આવશે. ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ મુદ્રીકરણ મોડલની તપાસ કરવામાં આવી રહી છે, તેવું એક અધિકારીએ જણાવ્યું હતું. રેલ્વે મંત્રાલયે અગાઉ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન લગભગ 30-40 સ્ટેશનો પર ઓન-ગ્રાઉન્ડ કામ શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. લોકસભામાં પ્રશ્નોના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે રાણી કમલાપતિ અને ગાંધીનગર રેલ્વે સ્ટેશનને નવા સ્ટેશન રીડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસિત અને કાર્યરત કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનલ કાર્યરત થવા માટે તૈયાર છે.
આ 1253 રેલ્વે સ્ટેશનો ઉપરાંત છે જેને આદર્શ સ્ટેશન યોજના હેઠળ વિકાસ માટે ઓળખવામાં આવ્યા છે. આમાંથી 1213 રેલ્વે સ્ટેશનો વિકસાવવામાં આવ્યા છે અને બાકીના 40 સ્ટેશનોને નાણાકીય વર્ષ 2022-23માં વિકાસ માટે લક્ષ્યાંકિત કરવામાં આવ્યા છે, તેવું વૈષ્ણવે જણાવ્યું હતું.