રાજકોટ મઘ્યસ્થ જેલમાં સજા કાપતા કાચા અને પાકા કામના કેદીઓ આ વર્ષની બોર્ડની દસમા તથા બારમાં ધોરણની પરીક્ષા જેલમાં જ આપશે. આ માટેના ફોર્મ જેલ પ્રશાસન તરફથી ભરાવવામાં આવ્યા છે. અને પરીક્ષા લક્ષી તૈયારીની શરુઆત કરાવી દેવામાં આવી છે.
આ અંગે વધુ માહીતી આપતા રાજકોટ મઘ્યસ્થ જેલનાં ઇન્ચાર્જ અધિક્ષક કે.એસ.સોનારે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ૧૦માં ધોરણમાં પાકા કામના ૪ અને કાચા કામના ૧૧ તથા બારમાં ધોરણમાં પાકા કામના ૩ અને કાચા કામના ર કેદીઓ બોર્ડની પરીક્ષા જેમાં બનાવેલ કલાસરુમમાં બેસીને આપશે. રાજકોટ મઘ્યસ્થ જેલમાં કુલ ૧૬ કેદીઓ ઉપરાંત સૌરાષ્ટ્રભરની દરેક જેલમાંથી બોર્ડની પરીક્ષા આપવા માટે ફોર્મ ભરનાર દરેક કેદી માટે રાજકોટ મઘ્યસ્થ જેલને સેન્ટ્રલ આપવામાં આવ્યું છે.
ફોર્મ ભરનાર સૌરાષ્ટ્રભરની જેલના કાચા-પાકા કામના કેદી અને પરીક્ષાની તારીખ પહેલા રાજકોટ મઘ્યસ્થ જેલ ખાતે લાવવામાં આવશે. એક ખાસ બેરેક આ માટે ફાળવવામાં આવી છે. જયાં બેન્ચ વગેરે ગાઠવીને કલાસ રૂમનું વાતાવરણ આપવાનો પ્રયાસ કરવામાં આવનાર છે. પરીક્ષાર્થીઓને તૈયારી માટે જીલ્લા શિક્ષણ વિભાગ તરફથી જે તે વિષયના નિષ્ણાંત શિક્ષકો ફાળવવામાં આવે છે. આ ઉપરાંત જેલમાં રહેલા ભણેલા કેદીઓ પણ અંગ્રેજી, વિજ્ઞાન, ગણીત જેવા વિષયો માટે સેવા આપે છે.
કેદી વેલ્ફેર ફંડ તેમજ શિક્ષણ વિભાગ તરફથી પરીક્ષાની તૈયારી લક્ષી પુસ્તકો અને નોટબુકો તેમજ અન્ય સાહિત્ય પુરુ પાડવામાં આવે છે. ફોર્મ ભરનાર કેદીઓને પરીક્ષા ફીમાંથી સંપૂર્ણ માફી આપવામાં આવે છે. દરરો ચાર કલાક જેટલો સમય પરીક્ષાની તૈયારી માટે ફાળવવામાં આવે છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ ભર્યા પછી જો કોઇ કેદી પરીક્ષા આપ્યા પહેલા જામીન મુકત થાય કે સજા પુરી થઇ જવાથી જેલ છોડી જતા હોય તો પણ એમનું ફોલોઅપ લેવામાં આવે છે અને પરીક્ષા આપવા જેલમાં આવવાની ખાસ મંજુરી આપવામાં આવે છે.
વધુમાં જે.આર. સોનારાએ જણાવ્યું હતું કે જેલ માત્ર કરેલા ગુન્હાની સજા કાપવા માટે જ નથી પણ કેદીનું પુનવસન થાય અને સજા કાપ્યા પછી બહારની દુનિયામાં સ્વીકાર્ય બને તેવી વ્યકિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. માનવીય અભિગમ દાખવીને કેદીને માત્ર ગુનેગારના રુપે ન જોવામાં આવતા તે એક સારો નાગરીક કઇ રીતે બને તેનું ઘ્યાન રખાય છે. બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી આપવામાં આવતા રીઝલ્ટમાં આ વ્યકિતએ આ પરીક્ષા જેલમાં પાસ કરી છે તેની નોંધ લખવામાં આવતી નથી. સામાન્ય વિઘાર્થીને આપવામાં આવતી માર્કશીટ પ્રમાણેની માર્કશીટ જ આપવામા આવે છે. જો કે જેલમાં પાસ કરેલી પરીક્ષાને સરકાર તરફથી આગળ જતા કોઇ પ્રોત્સાહન આપવાનું હજુ વિચારાધીન પ્રક્રિયા છે.