સારી કવોલિટીનું જીરૂ ગણાવી રાજકોટની કરુડ વૈશ્ય બેન્કમાંથી લોન મેળવ્યા બાદ વેર હાઉસમાં જીરૂના બદલે ભૂંસું નીકળ્યું
ગોંડલના ઘોઘાવદર રોડ પર આવેલા વેર હાઉસમાં જુદા જુદા ખેડુતોનું જીરૂ રાખવામાં આવ્યું હોવાનું સ્ટાર એગ્રી વેર હાઉસીંગ કંપની દ્વારા જીરૂ નો જથ્થો સારી કવોલિટીનો હોવાનું ર્સ્ટીફીકેટ મેળવ્યા બાદ રાજકોટની કરૂડ વૈશ્ય બેન્કમાંથી રૂ.૪.૪૫ કરોડની લોન મેળવ્યા બાદ જીરૂનો જથ્થો સગેવગે કરી ભુસુ ભરી કૌભાંડ આચર્યાની સ્ટાર એગ્રી વેર હાઉસીંગ કંપનીના જવાબદાર સહિત ૧૬ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલા પંચાયતનગરમાં રહેતા અને ત્રિકોણ બાગ પાસે આવેલી કરૂડ વૈશ્ય બેન્કના મેનેજર ચંદ્રેશભાઇ છોટાલાલ લોહાણાએ સ્ટારએગ્રી વેર હાઉસીંગ કંપનીના જવાબદાર અધિકારી, ભંગડાના દિનેશ પરબત બરવાળીયા, ખંભાતના ગલીયાણાના રાજેન્દ્રસિંહ રાહુભાઇ સીણોલ, બળવંતસિંહ રાહુભાઇ સીણોલ, અજીતસિંહ રાહુભાઇ સીણોલ, સુરત કામરેજના કનૈયાલાલ દલસુખ પંચાલ, ગલીયાણાના દશરથસિંહ ભુરા સીણોલ, જસદણના પરસોતમ જીવા સાવલીયા, શિવરાજપુરના કિશોર કરશન વેકરીયા, કામરેજના મહેશ અંબાલાલ પંચાલ, ભંગડાના વશરામ પોપટ બરવાડીયા, ગલીયાણાના ભરતસિંહ ઘનશ્યામસિંહ સીણોલ, જસદણના કલ્પેશ જયંતી વઘાસીયા, ગલીયાણાના પ્રવિણ દલસુખ પંચાલ, જગિર પ્રવિણ મીસ્ત્રી અને રાહુલ પરસોતમ સાવલીયા નામના શખ્સો સામે પુર્વયોજીત કાવતરૂ રચી રૂ.૪.૪૫ કરોડનું કૌભાંડ આચર્યાનો ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાતા એલસીબી સ્ટાફે તપાસ હાથધરી છે.
જુદા જુદા ખેડુતોનું જીરૂ ગોંડલના ઘોઘાવદર ખાતેના નરશી કાનજી કાપડીયાના ગોડાઉનમાં જીરૂનો પાક રાખવામાં આવ્યો હોવાનું અને તે અંગેનું જરૂરી ચેકીંગ અને જીરૂના જથ્થા તેમજ કવોલિટી અંગેનું સ્ટાર એગ્રી દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવતા કરૂડ વૈશ્ય બેન્ક દ્વારા રૂ.૪.૪૫ કરોડની લોન ગત તા. ૩૧-૩-૧૭ના રોજ મેળવી એક પણ હપ્તો ન જમા કરાવી કૌભાંડ આચર્યાનું ફરિયાદમાં જમાવ્યું છે. કલ્પેશ વઘાસીયા સામે આ પહેલાં પણ વેશ હાઉસમાં રખાયેલા જીરૂ અંગે એક્સિસ બેન્કમાંથી કરોડોની લોન મેળવી કૌભાંડ આચર્યાનો ગુનો નોંધાતા ભૂર્ગભમાં ઉતરી ગયો હતો અને તેની પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે ત્યાં કરૂડ વૈશ્ય બેન્ક સાથે છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો છે.
કલ્પેશ વઘાસીયા ઝડપાયા બાદ તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.