ખોરાકજન્ય રોગો વિશ્વભરમાં દર વર્ષે 10માંથી એક વ્યક્તિને અસર કરે છે: તેને કારણે ઝાડાથી લઇને કેન્સર સુધીના 200થી વધુ રોગો થાય છે: પાંચ વર્ષથી નાની વયના બાળકો રોજ 340થી વધુ ખોરાકજન્ય રોગોને કારણે મૃત્યુ પામે છે
ગ્રાહકોએ સલામત અને તંદુરસ્ત ખોરાક વિશે જાગૃત થવાની જરૂર: ખાદ્ય સુરક્ષા વિના ખાદ્ય સુરક્ષા નથી: વિજ્ઞાનએ ખોરાક સલામતી વ્યવસ્થાપનની ચાવી છે: માનવીની પાયાની જરૂરિયાત હવા-પાણી અને ખોરાક આ ત્રણેયમાં ભેળસેળ જોવા મળી રહી છે
આજના ગ્લોબલ વોર્મિંગ યુગમાં હવા પ્રદુષિત છે, તો પાણી પીવા લાયક નથી, ત્યારે ખોરાકમાં ભયંકર ભેળસેળ ચોમેર દિશાએ જોવા મળતા હવે ‘જાયે તો જાયે કર્હાં’ જેવી સ્થિતિ માનવીની જોવા મળે છે. આજે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે ત્યારે તમે જ વિચારો કે આજના યુગમાં કયો ખોરાક ભેળસેળ વગરનો મળે છે. ખાદ્ય સુરક્ષા વિના ખાદ્ય સુરક્ષા નથી એ વાત નક્કી છે ત્યારે તેના માઠા પરિણામોમાં આપણે ઝાડાથી લઇને કેન્સર જેવા બસોથી વધુ રોગોનો ભોગ બનીએ છીએ. વિશ્વમાં અસુરક્ષિત ખોરાકને કારણે દરરોજ 16 લાખથી વધુ લોકો વિવિધ રોગોની ઝપટમાં આવે છે.
પાણીજન્ય રોગો સાથે આજના યુગમાં ખોરાકજન્ય રોગોને કારણે પૃથ્વી પર વસતી દર 10 પૈકી એક એની અસર તળે જોવા મળે છે. રોજના 340થી વધુ બાળકો ખોરાકજન્ય રોગોને કારણે મૃત્યુ પામે છે. ગ્રાહકોએ સલામત અને તંદુરસ્ત ખોરાક વિશે જાગૃત થવાની જરૂર છે. વિજ્ઞાનએ ખોરાક સલામતીની ચાવી છે. આપણા વડવાઓ સાચો ખોરાક લેતા એટલે તે લાંબુ અને તંદુરસ્ત જીવન જીવતા હતા, જ્યારે આજે બધુ જ ભેળસેળવાળું હોવાથી નાની વયના અકાળે ગુજરી જતાં જોવા મળે છે. વિદેશોની અંદર આ બાબતે કડક નિયમો હોવાથી ઉત્પાદનકર્તાને ડર લાગતો હોવાથી ત્યાંની સ્થિતી આપણાં દેશ કરતાં સારી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દરોડા પાડીને વાસી ખોરાક પકડીને સેમ્પલ લે પછી શું?
આજે જીવન જરૂરિયાતની દુધ, ઘી, શાકભાજી જેવી તમામ વસ્તુંઓનું ચેકીંગ કરશો તો ખબર પડે કે શું આવું આપણે પેટમાં ખાઇએ છીએ. ઓર્ગેનિકનું નામ આગળ ધરીને પણ છે તરપીંડી થતી હોય ત્યારે હવે તો ભગવાન બચાવે એવો તાલ થયો છે.
આ વર્ષની ઉજવણ થીમ ‘ફૂડ સ્ટાન્ડર્ડ્સ સેવ લાઇફ’ છે, જેનો હેતું વૈશ્ર્વિકસ્તરે ખાદ્ય ધોરણના મહત્વને ઓળખીને ગ્રાહકોને સુરક્ષિત રાખવાનો છે. ખાદ્ય સુરક્ષાએ દરેકનો હક છે, કારણ કે ખાદ્ય સુરક્ષાની સીધી અસર આપણાં આરોગ્ય પર પડે છે. ખાદ્ય ધોરણો ગ્રાહકોનું રક્ષણ કરે છે અને તેના ઉત્પાદકોને મદદરૂપ થાય છે. ખોરાક સલામતીની વિવિધ પધ્ધતિમાં તૈયાર ખોરાક, સંગ્રહિત, ડિલિવરી અને વપરાશ ગણાય છે. પર્યાપ્ત પોષણ સારા સ્વાસ્થ્યની ખાતરી આપતી હોવાથી ખોરાકની ગુણવત્તાનું વિશેષ મહત્વ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ અખાદ્ય ખોરાકને કારણે દર વર્ષે સાડા ચાર લાખ લોકો મૃત્યું પામે છે. ખાદ્ય ધોરણોનો કડક અમલ જીવન બચાવે છે. આજે ખેડુતો જંતુનાશક દવાના ઉપયોગથી ઉત્પાદન કરેલ શાકભાજી અને અનાજ ઘણા રોગોને આમંત્રણ આપે છે.
આધુનિક ખેતી પધ્ધતિઓને કારણે ખોરાકમાં જંતુનાશકો, રસાયણો ઉમેરાતા તેના સંચયમાં વધારો જોવા મળે છે, જેનું નિયમન ન થાય તો ગ્રાહકોને નુકશાન થાય છે. ખોરાક-પાણી બન્ને શબ્દ ભેગા બોલાય છે ત્યારે પાણીના દૂષણની સાથે અખાદ્ય પદાર્થો અને ભેળસેળવાળો ખોરાક આજની સદીનો સૌથી વધુ સળગતો પ્રશ્ર્ન છે.
આજના દિવસે સૌનું ધ્યાન દોરવું, ખોરાકજન્ય જોખમોને રોકવા, શોધી કાઢવા અને તેનું સંચાલન કરવાવાળાને મદદ કરવી. ખાદ્ય સુરક્ષા, માનવ સ્વાસ્થ્ય, આર્થિક સમૃધ્ધિ, કૃષિ ઉત્પાદન, બજાર વપરાશ, પ્રવાસન વિગેરેમાં ફાળો આપવા માટે પગલા લેવા સૌને પ્રેરિત કરવાની તાતી જરૂરિયાત છે. ટકાઉ વિકાસના એજન્ડામાં પણ આ સામેલ છે. વાયરસ, રસાયણો અથવા બેક્ટેરિયાથી દુષિત અસુરક્ષિત ખોરાક ગંભીર આરોગ્ય સમસ્યા સાથે રોગચાળો ફાટી નીકળવા તરફ દોરી જાય છે. વિશ્વભરમાં 2018થી આ દિવસ ઉજવાય છે. ઉપભોક્તા, ઉત્પાદકો, છુટક વિક્રેતાઓ અને નિયમનકારી એજન્સીઓ સહિત ખોરાકની સલામતી નક્કી કરવામાં દરેક વ્યક્તિની જવાબદારી છે.
આજની બદલાતી લાઇફ સ્ટાઇલે લોકોની ખાન-પાન શૈલી બદલતા કેટલીય ચીજો બનાવવા ઉગાડવા જેવામાં ફેરફાર કરાયો છે. ખેતીમાં પણ આજે ઘણા નવા-નવા અખતરા કરીને ઉત્પાદન વધારાય છે. આજના દિવસની ઉજવણીનો હેતું દરેક વ્યક્તિને પોષ્ટિક અને સંતુલિત ભોજન આપવાનો છે. ટાઇફોઇડની બિમારી ખરાબ પાણી અને ખોરાકથી થાય છે. દરેક ખોરાકના પેકિંગની ગુણવત્તાના નિયમો હોય છે પણ આજે ક્યાં કોઇ પાળે છે. દરેક નાગરિકે પોતે જ સમજવું જોઇએ કે શરીરને સ્વસ્થ રાખવામાં યોગ્ય આહારની ભૂમિકા મહત્વની છે. આપણે માંદા પડીએ ત્યારે ડોક્ટર ખોરાકમાં સાવચેતી રાખવાનું કહે છે.
વર્તમાન સમયમાં ખાદ્ય સુરક્ષા એક મોટો પડકાર છે. બીન આરોગ્યપ્રદ ખોરાકથી સૌથી વધુ અસર બાળકો, મહિલા અને વૃધ્ધોને થાય છે. કોલ ટુ એક્શનમાં ખાતરી કરો કે તમારો ખોરાક સુરક્ષિત છે. આજે શરીર પરત્વે જાળવણીમાં ખોરાકજન્ય બિમારીથી બચવા હું શું પગલા ભરી શકું તે બાબતે સૌએ વિચારવાની જરૂર છે. ઘણીવાર ફૂડ પોઇઝનીંગ થતાં કેવા ભયંકર પરિણામો આવે છે તે તમે જોયું હશે. આવી નોબત આપણા પર ન આવે તે માટે પણ તકેદારી રાખવી જરૂરી છે. નબળી રોગપ્રતિકારક શક્તિવાળાને ફૂડ પોઇઝનિંગથી વધુ ખતરો હોય છે.
ખોરાકમાં થતી ભેળસેળથી બચો
ખોરાકમાં ભેળસેળ એટલે તેમાં ઇરાદાપૂર્વકનું ઉમેરણ કે તેમાં અવેજી પદાર્થ હોય તો ગણી શકાય, પણ ઘણીવાર આકસ્મિક રીતે દૂષિત થતો ખોરાક ભેળસેળ જ ગણી શકાય છે. ખોરાકમાં રહી જતાં જતુંનાશકો, ફૂગજન્ય ઝેર, ઝેરી ધાતુઓ જેવા દુષિત તત્વો પણ ખોરાકને અખાદ્ય બનાવે છે. ખોરાકમાં સ્વાસ્થ્યને નુકશાનકર્તા રસાયણો જોવા મળે છે. બેકરીની બનાવટ, દૂધ કે દૂધની બનાવટ, રંગની ભેળસેળ જેવું ઘણું બધું આજે બજારમાં જોવા મળી રહ્યું છે.
આજે તો ગમે તેટલા પૈસા આપવા છતાં સારી-સાચી વસ્તું મળવી મુશ્કેલ છે, કારણે બધુ જ ભેળસેળમાં ભેળસેળ થઇ ગયું છે. આદીકાળથી માનવી માત્ર રૂપિયો રળવા ભેળસેળ કરવાના રવાડે ચડી જતો જોવા મળ્યો છે. ખોરાકમાં ભેળસેળનો ઇતિહાસ 1820 સુધીનો પહેલો, 19મી સદીનો બીજો તબક્કો અને 20મી સદીના આરંભે ત્રીજો તબક્કો ગણી શકાય છે. ખોરાકની ગુણવત્તા ઘટાડીને તેમાં ખરાબ વસ્તું ઉમેરી કે જરૂરી તત્વો કાઢી લેવાય તે ભેળસેળ કહેવાય છે. અજાણતા થઇ જતી ભેળસેળ અને જાણી જોઇને કરાતી ભેળસેળ વચ્ચે ફરક છે.