જૈન એકેડેમી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જૈન ચાતુર્માસ અને
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદ્ હસ્તે ડિજિટલ ઉદ્દઘાટન વ્યાખ્યાનમાળાનું ડો. બળવંતભાઇ જાની રસપાન કરાવશે
જૈન ધર્મની સોળ સતીઓનો ઉંડો અભ્યાસ કરી તૈયાર કરેલ સ્વાધ્યાય આખ્યાનો સૌરાષ્ટ્ર યુનિ. જૈન એકેડેમીના માધ્યમથી આરંભ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપચંદભાઈ ગાર્ડીનાં અનુદાનથી સ્થપાયેલી રુક્ષ્મણીબહેન દીપચંદભાઈ ગાર્ડી જૈન એકેડમી એજયુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર ક્રિયાશીલ છે. જૈન સાહિત્યનાં જાણીતા વિદ્વાન ડો. બળવંતભાઈ જાની પ્રારંભથી જ તેમાં માનદ નિયામક તરીકે સેવાઓ આપે છે. તેમણે જૈન એકેડમીનાં ઉપક્રમે જૈન ધર્મની સોળ સતીઓ વિશે વિવિધ સ્થાનેથી સામગ્રી એકત્ર કરીને, ઊંડો અભ્યાસ કરીને તૈયાર કરેલ સ્વાધ્યાય-વ્યાખ્યાનો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જૈન એકેડમીનાં માધ્યમથી આરંભ કરી રહી છે.
બ્રાહ્મી, સુંદરી, દમયંતી, કૌશલ્યા, સીતા, કુંતી, દ્રૌપદી, રાજીમતી, પૂષ્પચૂલા, ચંદનબાળા, મૃગાવતી, પ્રભાવતી, પદ્માવતી, શિવાદેવી, સુલસા અને સુભદ્રા આવી સોળ સતીઓ વિશે ત્રિષષ્ટિશલાકાપુરુષ પઉમચરિત્ર, આગમગ્રંથો અને વિવિધ ગ્રંથોને આધારે અધિકૃત અને સર્વમાન્ય વિગતોને આવરી લેતા કુલ સોળ વ્યાખ્યાનોમાં દરરોજ એક એક સતીજી વિશે પોણી કલાક સુધી વાર્તાલાપ આપશે.
સવંત્સરી પૂર્વે સંધ્યાએ પૂર્ણાહુતિ પામનાર આ વ્યાખ્યાન શ્રેણી રાત્રીનાં ૮ કલાકથી આરંભાશે. ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી અને પરમ શ્રાવક વિજયભાઈ રૂપાણી ઉદ્દઘાટન વકતવ્ય આપશે. અને બીજે દિવસે કુલપતિ ડો.નીતિનભાઈ પેથાણી સ્વાગત વકતવ્ય આપશે. ત્યારપછીનાં દિવસોએ ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, કુલ સચિવ, સિન્ડિકેટ સભ્યો મેહુલ રૂપાણી, ડો.ભાવિન કોઠારી વગેરે સ્વાગત વકતવ્ય આપશે.
સમગ્ર ભારત અને ભારત બહાર કોઇપણ શ્રોતાજનો આ વ્યાખ્યાનોને બહોળી સંખ્યામાં સાંભળી શકે એ માટે સમગ્ર વ્યાખ્યાન શ્રેણી, જૈન એકેડમી અને જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશનનાં કોર્ડિનેટર તથા યુનિવર્સિટીનાં સિન્ડીકેટ સભ્ય માનનીય મેહુલભાઈ રૂપાણીએ https://www.facebook.com.saurashtrauniversity.edu/live તથા https://www.youtube.com/c/saurashtrauniversity.official/ એમ ફેસબુક અને યુટ્યુબ પરથી જોઈ શકો એવું આયોજન ગોઠવેલ છે.
ડો. બળવંતભાઈ જાની છેલ્લા અઢી દાયકાથી પર્યુષણ વ્યાખ્યાનો માટે રાજકોટ, મુંબઈ, કલકત્તા, હૈદરાબાદ, મદ્રાસ જેવા સ્થાને અને વિદેશામાં બ્રિટન, અમેરિકા જેવા વિવિધ દેશોમાં શતાધિક વ્યાખ્યાનો આપેલા છે. ગુજરાતી સાહિત્ય પ્રથમ રાસકૃતિ ઈ.સ. ૧૧૮૦માં રચાયેલી ’ભરતેશ્વર બાહુબલિરાસ’ એમણે પ્રાચીન હસ્તોપ્રતને આધારે સંશોધન કરેલ. એમણે વસ્તુપાલ, ધમ્મીલકુમાર, આનંદઘન, હિરાણંદસૂરી એમ ઘણા સંશોધનો જૈન સાહિત્ય વિશે કરેલ છે. ઘણા મહાસતીઓને પીએચડી ડીગ્રી માટે માર્ગદર્શન આપેલ છે.
સતીઓના નામ
૧. બ્રામ્હી : આદ્યસતી
૨. સુંદરી : બંધુપ્રબોધક સતી
૩. દમયંતી : શાંતિનાથપૂજક સતી
૪. કૌશલ્યા : નમસ્કાર મહામંત્ર અભિમંત્રિત સતી
૫. સીતા : શીલાચારી સતી
૬. કુંતિ : જીનવ્રત ધારિણી સતી
૭. દ્રૌપદી : છઠ્ઠ-અઠમ વ્રતધારિણી સતી
૮. રાજીમતી : મહાત્યાગી અને મહાસંયમી સતી
૯. પુષ્પચૂલા : નિષ્પાપ, નિષ્કામ અને નિત્યતાપસી સતી
૧૦. ચંદનબાળા : મહાવીર સ્વામીથી આદ્યદિક્ષિતા સતી
૧૧. પદ્માવતી : પતિ અને પુત્ર પ્રબોધિતા સતી
૧૨. મૃગાવતી : ક્ષમાદાત્રિ શ્રાવિકા સતી
૧૩. શિવા : શીલવતી -શ્રાવિકા સતી
૧૪. પ્રભાવતી : જૈન દર્શનજ્ઞાતા અને સ્વર્ગગામીની સતી
૧૫. સુલસા : ધર્માભિમુખ રૂપ પ્રગટાવતી સતી
૧૬. સુભદ્રા : શ્રાવિકધર્મ પાલિકા સતી