40 ટીમોએ ગ્રામ્ય વિસ્તારોને ધમરોળી 81 વીજ કનેકશનોમાં થતી ગેરરીતિ ઝડપી પાડી
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.
તા: 02-02-2023ના રોજ કરવામાં આવેલ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ જિલ્લાની જસદણ વિભાગીય કચેરી હેઠળની આટકોટ, વિંછીયા તેમજ સરધાર પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 40 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.
આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ 586 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 81 વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 16=90 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-22થી ડિસેમ્બર-22ના સમયગાળા દરમિયાન રાજકોટ ગ્રામ્ય વર્તુળ કચેરી હેઠળ કુલ 75261 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 6029 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. 16.67 કરોડની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્ત સમયગાળા દરમિયાન કુલ 490358 વીજજોડાણો ચકાસીને કુલ 57815 વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ. 148.29 કરોડના બિલ આપવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો પર પણ લગામ કસવામાં આવી છે.