વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોય એકપણ દરખાસ્ત અંગે નિર્ણય નહિ લઇ શકાય: બોર્ડ માત્ર વંદે માતરમ્ના ગાન પૂરતું રહેશે સિમિત
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી 15મી ઓક્ટોબરના રોજ મેયર ડો.પ્રદિપભાઇ ડવના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જો કે હાલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચાર સંહિતા અમલમાં હોવાના કારણે બોર્ડ બેઠક માત્ર ‘વંદે માતરમ્’ના ગાન પૂરતી સિમિત રહેશે. કોંગ્રેસના પ્રતિક પરથી ચૂંટાયા બાદ રાજીનામું આપ્યા વિના જ આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયેલા પૂર્વ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઇને શહેરી વિકાસ વિભાગ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હોય તેવો બોર્ડ બેઠકમાં હાજર રહી શકશે નહિ.
કોર્પોરેશનમાં નિયમ મુજબ દર બે મહિને જનરલ બોર્ડની બેઠક બોલાવવી પડે છે. આગામી 15મી નવેમ્બરના રોજ બોર્ડ બેઠક મળશે. જેમાં મંજૂરી અર્થે અલગ-અલગ 12 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. કોઠારીયા રોડ પર વીર ભગતસિંહ શોપિંગ સેન્ટરની દુકાનમાં ખરીદનારના નામમાં એક નામનો ઉમેરો કરવો, સેનેટરી સબ ઇસ્પેક્ટરની જગ્યાની ભરતીમાં ફેરફાર કરવા, ટેકનીકલ આસિસ્ટન્ટની લાયકાત અને ભરતીના નિયમમાં સુધારો કરી તેને વર્ક આસિસ્ટન્ટ નામ આપવા, સફાઇ કામદારોના વારસદારોને નોકરી આપવાના નિયમમાં સુધારો કરવા, મવડી નગર પંચાયતના બે કર્મચારીઓની નોકરીને સળંગ ગણવા, વોર્ડ નં.11માં આવાસ યોજનાના શોપિંગ સેન્ટરની દુકાનોનું વેંચાણ કર્યા બાદ હવે દસ્તાવેજ કરી આપવા, વોર્ડ નં.4માં અલગ-અલગ આવાસ યોજનાનું નામકરણ કરવા, વોર્ડ નં.1માં ટીપી સ્કીમ નં.32(રૈયા)માં બનાવવામાં આવેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગતના 1144 આવાસોનું જીજાબાઇ ટાઉનશિપ નામકરણ કરવા સહિતની દરખાસ્તો મૂકવામાં આવી છે.
જો કે હાલ વિધાનસભાની ચૂંટણી માટેની આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાના કારણે એકપણ દરખાસ્ત અંગે નિર્ણય લઇ શકાશે નહિ. બોર્ડ બેઠક માત્ર વંદે માતરમના ગાન પૂરતી સિમિત રહેશે. કોર્પોરેટર પદેથી વશરામ સાગઠીયા અને કોમલબેન ભારાઇને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ બંને અદાલતના દ્વાર ખખડાવ્યા છે. જો કે અદાલત દ્વારા હજુ કોઇ ચુકાદો આપવામાં આવ્યો ન હોય તેઓ બંને બોર્ડ બેઠકમાં ઉપસ્થિત રહી શકશે નહિ.