ગુજરાત રાજ્યના નાણાકીય વ્યવસ્થાપન અને ભાવિ શક્યતાઓના ચિતાર માટે શ્રી એન.કે.સીંગના અધ્યક્ષસ્થાને દેશનું ૧૫મું નાણા પંચ ગુજરાતની મુલાકાતે છે. ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ ઉપરાંત મુખ્ય સચિવ શ્રી જે.એન.સિંગ સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતના નાણાકીય શિસ્ત, વ્યવસ્થાપન અને પડકારો વિશે વિશેષ વિચાર વિમર્શ કરાયો.
મુખ્ય સચિવશ્રીએ ૧૫મા નાણા પંચના સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. જ્યારે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલે ગુજરાતની નાણાકીય સિદ્ધિ અને ભાવિ જરૂરિયાતોને ધ્યાને લઇ વિશદ દ્રશ્ય-શ્રાવ્ય પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું. ૧૫મા નાણા પંચના અધ્યક્ષ શ્રી એન.કે.સિંગ ઉપરાંત શ્રી શશીકાન્ત દાસ, શ્રી અનુપસિંગ, ડૉ. અશોક લાહીદી, ડૉ. રમેશ ચંદ અને શ્રી અરવિંદ મહેતા સભ્ય સચિવ ઉપસ્થિત રહ્યા હતા.