૧૫૯૨ પૈકી ૫૪૭ ઉમેદવારો અપક્ષ, આમ આદમી પાર્ટીના ૨૯ ઉમેદવારો અને જન વિકલ્પના ૭૩ ઉમેદવારો, એનસીપીના ૪૭ ઉમેદવારો
પ્રથમ તબક્કા માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં ૧૫૯૨ ‘મુરતીયા’ એટલે કે, ઉમેદવારો નોંધાયા છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબકકાની ચૂંટણી આગામી તા.૯ ડિસેમ્બરે છે. આ ૧૫૯૨ ઉમેદવારો માટે તેમનું રાજકીય ભાવી ૯મીએ મતદાન પેટીમાં કેદ થશે. ત્યારબાદ તા.૧૪મી ડિસેમ્બરે બીજા તબકકાનું મતદાન થશે. ૮૯ બેઠકો માટે પ્રથમ તબકકામાં મતદાન થશે. હજુ સોમવારની સાંજ સુધી પ્રથમ તબકકાની ચૂંટણી માટે માત્ર ૩૭૭ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવવા માટે ઉમેદવારી પત્રક ફાઈલ કર્યું હતું. પરંતુ જેમ જેમ પ્રથમ તબકકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ નજીક આવતી ગઈ તેમ તેમ આ આંકડો ૧૫૯૨એ પહોંચી ગયો છે.
આ ૧૫૯૨ ઉમેદવારો પૈકી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, કેનીબેટ મીનીસ્ટર બાબુ બોખીરીયા, કૃષિ મંત્રી ચિમનભાઈ સાપરીયા, કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલ અને વિક્રમ માડમ વિગેરેએ મંગળવાર સાંજ સુધીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ તમામ ઉમેદવારો માટે પ્રથમ તબકકાની ચૂંટણીમાં મતદાન થશે.
આ ૧૫૯૨ ઉમેદવારોમાં ૫૪૭ અપક્ષ ઉમેદવારો છે, ૪૭ ઉમેદવારો એનસીપીના છે, ૭૨ ઉમેદવારો શંકરસિંહ વાઘેલાની નવરચિત પાર્ટી ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ (જન વિકલ્પ), ૨૯ આમ આદમી પાર્ટી તરફથી છે. પ્રથમ તબકકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક પાછુ ખેંચવા માટે તા.૨૪ નવેમ્બર છે. ત્યારે કેટલા ઉમેદવારોએ ઉમેદવારીક પત્ર પાછું ખેંચ્યું તેના પરથી પ્રથમ તબકકામાં કેટલા મુરતીયા ચૂંટણી જંગમાં છે તેનો ફાઈનલ આંકડો ખબર પડશે.