- સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનટીએનો નિર્ણય: 30 જૂન પહેલા રી-નીટનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે
અબતક, નવી દિલ્લી
મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટને લઇને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આખરે નીટમાં ધાંધલીના આરોપો વચ્ચે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટું પગલું ભર્યું છે. પરીક્ષાનું આયોજન કરનારી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ એ નીટ યુજી 2024 ગ્રેસ માર્ક્સ પાછા ખેંચ્યા છે. આ સાથે જ 1563 વિદ્યાર્થીઓનો નીટ સ્કોરકાર્ડ રદ કર્યો છે. આ એ વિદ્યાર્થીઓ છે જેમને નીટ ગ્રેસ માર્ક આપવામાં આવ્યા હતા. હવે આ વિદ્યાર્થીઓના નીટ રિઝલ્ટ રદ કરવામાં આવ્યા છે. સાથે જ એનટીએએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ 1563 વિદ્યાર્થીઓ માટે ફરીથી નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વધુમાં કહ્યું છે કે 30 જૂન પહેલા આ રી નીટ પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. એનટીએ એ કહ્યું કે આ 1563માંથી જે ફરીથી પરીક્ષા નહીં આપે તેમને ગ્રેસ માર્ક્સ મળશે નહીં. બધા ફરીથી એક્ઝામ નહીં આપી શકે. એનટીએ તરફથી કહેવાયું છે કે 1563 વિદ્યાર્થીઓ માટે પરીક્ષા 23 જૂને આયોજિત કરાશે અને 30 જૂન સુધીમાં પરિણામ જાહેર કરી દેવાશે. જો કે સુપ્રીમ કોર્ટે નીટ કાઉન્સિલિંગ 2024 પર રોક લગાવી નથી. નીટ યુજી કાઉન્સિલિંગમાં કોઈ અડચણ ન આવે આ માટે જેમ બને તેમ જલદી નીટ પરીક્ષા ફરીથી લેવાઈ રહી છે અને એક અઠવાડિયાની અંદર પરિણામની ડેટ પણ નક્કી કરી દેવાઈ છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આ સુનાવણી હાથ ધરી. સુપ્રીમ કોર્ટે એકવાર ફરીથી કાઉન્સિલિંગ પર રોક લગવવાનો ઈન્કાર કરી દીધો. કોર્ટે 4 જૂનના રોજ નીટના પરિણામ બાદ દાખલ અરજીઓ પર એનટીએ ને નોટિસ પાઠવી. કોર્ટે કહ્યું કે આ અરજીઓ પર પહેલેથી પેન્ડિંગ અરજીઓ સાથે 8 જુલાઈએ સુનાવણી થશે. કોર્ટે કહ્યું કે જો પરીક્ષા કેન્સલ થાય તો પછી બધી ચીજો કેન્સલ થઈ જશ. આથી ચિંતાની કોઈ વાત નથી. નીટ પ્રવેશ પરીક્ષામાં મોટી સંખ્યામાં એઈઈટી યુજી 2024 ઉમેદવારોના સારા પ્રદર્શન પર હંગામો મચ્યો છે. હંગામો એ વાતનો છે કે 67 ઉમેદવારોએ 720માંથી 720 નો સ્કોર કર્યો છે. આજે કોર્ટે નીટ કાઉન્સિલંગ પર રોક લગાવવાની ના પાડી દીધી. એમબીબીએસ, બીડીએસ અને અન્ય કોર્સિસમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ 6 જુલાઈથી શરૂ થશે.
મેરીટ યાદીમાં પણ ફેરફાર થશે
1563 વિદ્યાર્થીઓના નીટ પરિણામ રદ થવાની અને તેના માટે નીટ રી એક્ઝામ થયા બાદ ફાઈનલ સ્કોરની અસર સમગ્ર નીટ મેરિટ યાદી પર પડશે. આ વિદ્યાર્થીઓના માર્ક્સ બદલાતા તેમની નીટ ઓલ ઈન્ડિયા રેન્કિંગ પણ બદલાશે. આ સાથે જ આખી મેરીટ લિસ્ટ પણ બદલાઈ જશે. લાખો બાળકોના રેન્કિંગ પર અસર પડશે. આવામાં એનટીએએ મેરીટ યાદી ફરીથી બહાર પાડવાની જરૂર પડશે.