4 ડેપોના 600 ડ્રાયવર-કંડકટરોની હલચલ સામે તંત્ર સતર્ક
સુરેન્દ્રનગર જિલ્લામાં દોડતી એસ.ટી.બસોમાં હવે કર્મચારી અનિમિતતા દાખવશે તો તેની ખેર નથી. કારણ કે એસટીના જીપીએસ મોડ્યુલથી સંચાલનની નિયમિતતા સુધારવાનો તંત્રનો આદેશ થયો છે. એસટી નિગમ દ્વારા લાંબા અને ટૂંકા અંતરવાળી 155 બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરાઈ હતી. ઉપરાંત તેનું મોનિટરિંગ કરવાની દરેક ડેપોને સૂચના આપી છે. પરંતુ યોગ્ય રીતે મોનિટરિંગ નહીં થતું હોવાનું તપાસમાં બહાર આવતા આ સિસ્ટમથી બસોનું સંચાલન નિયમિત કરવાના આદેશ એસટી નિગમે આપ્યા છે. જેના કારણે જિલ્લાના 4 ડેપોનું એસટી તંત્ર પણ સતર્ક બની ગયું છે.
જિલ્લામાં દોડતી એસટી બસોમાં જીપીએસ સિસ્ટમ ફીટ કરીને દરેક રૂટની ગાડીઓ પોતાના નિયત સમયે ઉપડે અને આવે, બિનજરૂરી હોલ્ટ ન કરે, ઓવર સ્પીડમાં ન ચલાવે વગેરે બાબતોની અનિયમિતતા ડ્રાઇવર-કંડક્ટર દ્વારા આચરવામાં ન આવે તેવા પગલા એસટી નિગમ દ્વારા લેવામાં આવ્યા હતા. પરિણામે જિલ્લામાં 600 જેટલા એસટીના ડ્રાઇવર-કંડક્ટરમાં ફફડાટ ફેલાયો હતો. કારણ કે જીપીએસ સિસ્ટમ ઉપરથી આવી જો કોઇ બેદરકારી ધ્યાને આવી તો તેના વિરૂદ્ધ કાયદેસરની ખાતાકીય કાર્યવાહી હાથ ધરીને દંડ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત ઉચ્ચકક્ષાએથી મળેલા આદેશથી સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ ચોટીલા ડેપોના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ ડ્રાઇવર-કંડક્ટરને આપવામાં આવી હતી. અને જીપીએસ સિસ્ટમ નીચે જો કોઇ ડ્રાઇવર-કંડક્ટર ફોલ્ટમાં નજરે પડશે તો તેના વિરૂદ્ધ જી-12 પહોંચ દ્વારા દંડાત્મક કાર્યવાહીની ચીમકી અપાઇ હતી. એસટી નિગમની સૂચના યોગ્ય રીતે બસોનું મોનિટરિંગ કરવામાં આવતું નહીં હોવાનું નિગમની તપાસમાં બહાર આવ્યું હતું. એસટી ડેપોના સંચાલકો દ્વારા જીપીએસ સિસ્ટમથી કરીને ડેઇલી રિપોર્ટ નીલ મોકલવાની સૂચના એસટી નિગમે રાજ્યભરના તમામ ડેપોના મેનેજરોને આપવામાં આવી છે.