મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની મહત્વપૂર્ણ જાહેરાત: પાલિકા વિસ્તારમાં જંતુનાશક દવાના છંટકાવ, રોગચાળો અટકાવવા ઘનકચરાના નિકાલ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટેના ગ્રાન્ટ ફાળવવા સૈધ્ધાંતિક મંજૂરી
સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં સતત વરસી રહેલા વરસાદના કારણે હવે રોગચાળો વકરે તેવી ભિતી ઉભી થવા પામી છે. રોગચાળાને ઉગતો ડામી દેવા માટે રાજ્યની પટેલ સરકાર આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. 156 નગરપાલિકાઓને વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં સાફ સફાઇની કામગીરી માટે રૂ.17.10 કરોડની ગ્રાન્ટ ફાળવવા નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગ્રાન્ટનો ઉપયોગ તાત્કાલીક ધોરણે લોકોને સુવિધાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં અતિભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ અને વરસાદી પાણી ભરાવવાના કારણે ઉભી થયેલી સ્થિતિમાં સાફ સફાઇની કામગીરી કરવા માટે રૂ.17.10 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં અ-વર્ગની 22 નગરપાલિકાઓને રૂ.20 લાખ મુજબ રૂ.4.40 કરોડની ફાળવણી કરવામાં આવશે. જ્યારે બ-વર્ગની 30 નગરપાલિકાઓને રૂ.15 લાખ મુજબ રૂ.4.50 કરોડ ફાળવાશે. ક-વર્ગની 60 નગરપાલિકાઓને રૂ.10 મુજબ રૂ.6 કરોડ અને ડ-વર્ગની 44 નગરપાલિકાઓને રૂ.5 પ્રમાણે રૂ.2.20 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ રકમથી પાલિકા વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ, રોગચાળો અટકાવવા માટે ઘનકચરાનો નિકાલ, પીવાના શુદ્વ પાણીની વ્યવસ્થા અને વરસાદી પાણીના નિકાલ માટે નાણા ખર્ચી શકશે. પ્રાથમિક તબક્કે તાત્કાલીક અસરથી આ ગ્રાન્ટનો ઉ5યોગ કરવાનો રહેશે. પાલિકા વિસ્તારમાં વરસાદી સ્થિતિ પછી સાફ સફાઇ અને ભરાયેલા વરસાદી પાણીની નિકાલની કામગીરીથી નગરની સુખાકારીમાં વધારો થશે. આગામી દિવસોમાં મહાપાલિકા વિસ્તારોને પણ ભારે વરસાદની સ્થિતિ બાદ સર્જાયેલી સ્થિતિમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા નાણાની ફાળવણી કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.
- કેબિનેટ બેઠકમાં મેઘપ્રકોપથી થયેલી નુકશાની અંગે ચર્ચા
- અસરગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ સંભાવના: ભારે વરસાદની આગાહી અને જળાશયોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરાઇ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આજે સવારે મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં છેલ્લા 10 દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે અલગ-અલગ વિસ્તારોમાં થયેલી ભારે નુકશાની અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં હોય તંત્રને સતત એલર્ટ રહેવા અંગે અને રાજ્યમાં શક્ય તેટલી ઓછી નુકશાની થાય તે પ્રકારનું આયોજન કરવા અંગે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. અનેક જળાશયો હાલ હાઇ એલર્ટ પર હોય આવામાં જળાશયોમાં હજુ પાણીની આવક થઇ રહી હોય કોઇ જાનમાલની હાની ન થાય તે માટે પણ વિશેષ તકેદારી રાખવા અંગે પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી હતી. જે જિલ્લાઓમાં અતિવૃષ્ટિના કારણે નુકશાની થવા પામી છે તેના માટે ખાસ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ સંભાવના વર્તાઇ રહી છે.
ગત મંગળવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદ હોવાના કારણે રાજ્ય સરકાર મંત્રી મંડળની બેઠક રદ્ કરવામાં આવી હતી. આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં હાલ મેઘપ્રકોપથી થયેલી વ્યાપક નુકશાનીનો મુદ્ો મુખ્ય રહ્યો હતો. હજુ ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આવામાં રાજ્યમાં શક્ય તેટલી ઓછી નુકશાની થાય તે પ્રકારનું આયોજન કરવા માટે પણ કેબિનેટમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.
જે જળાશયો હાઇ એલર્ટ પર છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવા અને નીચાણવાળા વિસ્તારોમાં સતત નિરિક્ષણ કરવાની પણ ચર્ચાઓ થઇ હતી. આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા વધુ વરસાદથી જે જિલ્લાઓમાં ભારે નુકશાની થવા પામી છે તેના માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાઇ રહી છે.