પોલીસે 156 માંથી મોટા ભાગની અરજીઓને કરી રજિસ્ટર
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે ગાંધીનગરમાં ગુજરાત પોલીસના ‘સિટિઝન ફર્સ્ટ’ ઍપ અને પોર્ટલ ઉપર E-FIR સેવા લોન્ચ કરી હતી. જેમાં લોન્ચિંગ બાદ ગઈ કાલે રાજ્યભરમાં 156 અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી.જેમાંથી મોટાં ભાગની અરજીઓ રજીસ્ટર કરી તેમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિશેની માહિતી રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી હતી.
વાહનચોરી અને મોબાઇલચોરી જેવા બનાવોમાં નાગરિકોની ફરિયાદ દાખલ કરવામાં વિલંબ ન થાય અને આવી ફરિયાદ કરવા માટે નાગરિકોને પોલીસ-સ્ટેશનોના ધક્કા ન ખાવા પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા E-FIRની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જેનો પ્રારંભ ગઈ કાલે કરવામાં આવ્યો હતો.રાજ્યના નાગરિકો દ્વારા આ સેવાનો ઉપયોગ પ્રથમ દિવસે જ કરવામાં આવ્યો હતો જેમાં 156 જેટલા અરજદારો દ્વારા ઇ પોર્ટલમાં અરજી નોંધાવવામાં આવી હતી.જેમાં અમદાવાદમાં 24 ,મહેસાણામાં 26,સુરતમાં 25 અને ગાંધીનગર માં સૌથી વધુ 56 અરજીઓ કરવામાં આવી હતી.જેમાં મોટા ભાગની અરજીઓને રજીસ્ટર કરી તેમાં વધુ કાર્યવાહી કરવામાં આવી છે.જેની માહિતી હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરી આપવામાં હતી.
E-FIRમાં અરજી કરવા માટે ગુજરાત પોલીસની ‘સિટિઝન ફર્સ્ટ’ ઍપ અથવા પોર્ટલ ઉપર જવાનું રહેશે અને તેમાં E-FIR કરવાની રહેશે. E-FIR નોંધાયાના 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરશે અને વાહનચોરી/મોબાઇલ ફોનચોરીના બનાવની જગ્યાની મુલાકાત લેશે તથા 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે.આ ઑનલાઇન ફરિયાદ નોંધાયા વિશેની તથા તપાસમાં થયેલ પ્રગતિની જાણ પણ ફરિયાદીને ઈ-મેઇલ કે એસએમએસથી કરવામાં આવશે. સાથે-સાથે પોલીસ દ્વારા વીમા કંપનીને પણ ઈ-મેઇલ કે એસએમએસ દ્વારા જાણ કરાશે, જેથી ફરિયાદીને તેના વાહન/મોબાઇલચોરી વિશેના વીમાનો ક્લેઇમ સરળતાથી મળી શકે. E-FIR ઑનલાઇન સેવા હોવાથી લોકોને પોલીસ-સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવાની જરૂર નહીં રહે.
E-FIR નોંધાય એટલે એની જાણ સીસીટીવી કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટરને થાય છે, જેથી બાદમાં જ્યારે પણ ચોરાયેલાં વાહનો કોઈ ગુનેગાર લઈને જાહેર રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે તે વાહન નંબર સીસીટીવી કમાન્ડ ઍન્ડ કંટ્રોલ ખાતે તરત જ ફલેશ થશે અને આરોપીને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવશે