- બે વર્ષમાં 10 હજાર કરોડની માતબર ફાળવણી છતાં રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો
દેશ માટે વિકાસ મોડેલ ગણાતા ગુજરાત રાજયમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે કે રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા જે જિલ્લામાંથી ચુંટાઇને આવે છે તે રાજકોટ જિલ્લામાં આજની તારીખે 15573 કુપોષિત બાળકો છે. છેલ્લા બે વર્ષમાં 10 હજાર કરોડ રૂપિયાની માતબર ફાળવણી કરવામાં આવી હોવા છતાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે.
ગુજરાત સરકારે 2 વર્ષમાં બજેટમાં 10,000 કરોડ ફાળવ્યા છતાં કુપોષિત બાળકો 4 ગણા વધ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યો છે.
બજેટના પૈસા બાળકોના કુપોષણ દુર કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર, તાયફાઓમાં કરોડો ખર્ચ્યા પછી બાળકોનું નહિ મળતિયાઓનું કુપોષણ દુર થયું છે. બાળકો હજી કુપોષિત જ છે.
રાજ્યમાં 33 જિલ્લાઓમાં તા.31-12-2018ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા 1,18,041 હતી., રાજ્યમાં 30 જિલ્લાઓમાં તા.31-12-2022ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા 1,25,907 હતી., રાજ્યમાં 31 જિલ્લાઓમાં તા.31-12-2023ની સ્થિતિએ કુપોષિત બાળકોની સંખ્યા 5,70,305 હતી.,
રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 56,941 બાળકો, આદિવાસી વસ્તી ધરાવતાં દાહોદ જિલ્લામાં 51,321 બાળકો, બનાસકાંઠા જિલ્લામાં 48,866 બાળકોની સંખ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી જે જિલ્લામાંથી ચુંટાઈને આવે છે તે રાજકોટ જિલ્લામાં 2018માં કુપોષિત બાળકોની સંખ્યા 2,409 હતી તે 2023માં 15,573 થઈ છે.
રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં મોટો વધારો થયો છે, વર્ષ 2022માં 1,25,907 હતી તે સંખ્યામાં ચાર ગણા કરતા વધુનો વધારો નોંધાયો છે અને વર્ષ 2023માં કુપોષિત બાળકોની સંખ્યા 5,70,305 થઈ છે. રાજ્ય સરકાર કુપોષણ દૂર કરવાના દાવાઓ કરે છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા બતાવવામાં આવે છે તેમાં આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકો પૈકીની સંખ્યા બતાવવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રોમાં ન જતાં હોય તેવા કુપોષિત બાળકોની સંખ્યા લાખોમાં છે. તેમ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જણાવ્યું હતું.