પોલીસના દરોડામાં 6 શખ્સોની ધરપકડ: વિસ્તારમાં ચેકીંગ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ
મેઘાલયના પૂર્વીય વિસ્તાર જૈંટીઆ હિલ્સ જિલ્લામાં જંગી માત્રામાં વિસ્ફોટક અને ડિટોનેટર્સ સાથે છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ બનાવમાં બાતમીના આધારે પોલીસે તપાસ કરી કુલ 1525 કિલો વિસ્ફોટક અને 6000 ડિટોનેટર ઝડપી પાડ્યા હતા.
કારમાં વિસ્ફોટકોની હેરફેર થતી હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે બુધવારે રાત્રે વિસ્તારમાં ચેકીંગ ઓપરેશન શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન, આસામના નંબરવાળા વાહનને લાદારિમ્બાઈ પોલીસ ચોકીના કોંગોંગમાં અટકાવ્યું હતું. આ કારમાંથી 250 કિલોમીટર વિસ્ફોટક, 1000 ડિટોનેટર પકડાયા હતા. ધરપકડ કરાયેલા શખ્સોની પૂછપરછ કરાઈ હતી. જેમાં માહિતી મળ્યા બાદ ખાલીહારીમાં વધુ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાં દરોડા દરમિયાન લગભગ 1275 કિલો વિસ્ફોટકો (10,200 જિલેટીન સ્ટીક), 5000 ડિટોનેટર્સ મળી આવ્યા હતા.
ઓપરેશન દરમિયાન કુલ 1525 કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. જેથી એક્સપ્લોઝિવ એક્ટ અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.