- સ્માર્ટ સોસાયટીઓને હાલ દર મહિને પ્રતિ ચોરસ મીટર રૂ.1.50 લેખે ચુકવાતી ગ્રાન્ટ હવે રૂ.3 મુજબ અપાશે
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે શહેરના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલા અટલ સરોવર ખાતે મળી હતી. જેમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવેલી 57 પૈકી એક દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવાની દરખાસ્ત વધુ અભ્યાસ માટે વધુ એકવાર પેન્ડિંગ રાખવામાં આવી હતી. સ્માર્ટ સોસાયટીઓને કોર્પોરેશન દ્વારા હાલ ચુકવાતી સફાઇ ગ્રાન્ટ બમણી કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે શહેરમાં આવેલી 151 સ્માર્ટ સોસાયટીઓને કોર્પોરેશન દ્વારા હાલ ચુકવાતી સફાઇ ગ્રાન્ટની રકમ બમણી કરવામાં આવશે. થોડા દિવસ પહેલા બજેટમાં કરાયેલી જાહેરાત અંગે રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી. અલગ-અલગ વોર્ડમાં આવેલી સ્માર્ટ સોસાયટીઓની ગ્રાન્ટમાં બમણો વધારો કરવા માટે આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિ.કમિશનર દ્વારા દરખાસ્ત મોકલવામાં આવી હતી. જેને બહાલી આપવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી 151 સ્માર્ટ સોસાયટીઓને દર મહિને સફાઇ ગ્રાન્ટ માટે પ્રતિ ચોરસ મીટર રૂ.1.50 મુજબ ગ્રાન્ટ ચુકવવામાં આવે છે. જેનો માસિક ખર્ચ રૂ.12,60,417 અને વાર્ષિક ખર્ચ રૂ.1,51,25004 જેવો થવા પામે છે. બજેટમાં કરવામાં આવેલી જોગવાઇને બહાલી આપવામાં આવી છે. હવે દર મહિને 151 સ્માર્ટ સોસાયટીઓને સફાઇ ગ્રાન્ટ પેટે પ્રતિ ચોરસ મીટર રૂ.3ની ચુકવણી કરવામાં આવશે. જેનો દર મહિને રૂ.25,20,834નો ખર્ચ થશે. જ્યારે વાર્ષિક ખર્ચ રૂ.302,50,008નું થશે. આ ગ્રાન્ટ બમણી કરવામાં આવતા હવે સફાઇ કામગીરીને વધુ વેગ પ્રાપ્ત થશે. તેઓ વિશ્ર્વાસ પણ ચેરમેને વ્યક્ત કર્યો હતો.
આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સાતમા પગાર પંચ મુજબ લેવલ-9માં (વર્ગ-2)માં ફરજ બજાવતા અધિકારીઓને સળંગ નોકરીના 12 વર્ષ બાદ લેવલ-11 મુજબ પગાર ધોરણ સુધારણાનો લાભ આપવાની દરખાસ્ત વધુ એક વખત પેન્ડિંગ રાખવામાં આવી હતી. અન્ય 56 પૈકી ગુલાબનગર કોમ્યુનિટી હોલનું સંચાલન દત્તક યોજના હેઠળ રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનને બે વર્ષ માટે સોંપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. જ્યારે પોપટપરા સાર્વજનિક સ્મશાન ગૃહના સંચાલન માટે સામાજીક સંસ્થાને હાલ ચુકવાતી ગ્રાન્ટમાં વધારો કરવાની, બાંધકામ માટે મંજૂરી માટે વસૂલાતી બેઝ એફએસઆઇ ઉપર વધારાની એફએસઆઇની રકમ અને ટીપી સ્કિમ અંતર્ગત ઇન્ક્રીમેન્ટલ ચાર્જીસની રકમ વસૂલવાની નીતી નક્કી કરવાની દરખાસ્ત પણ બહાલ કરવામાં આવી હતી.
વોર્ડ નં.18ની નવી સોસાયટીઓમાં ડ્રેનેજ લાઇન નાંખવા રૂ.2.53 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. જ્યારે વોર્ડ નં.7માં શિક્ષણ સમિતિની ઓફિસમાં આવેલા હોલને તોડી પાડવાની પણ મંજૂરી આપવામાં આવી છે. મોટા મવા સ્મશાન પાસેના જૂના બ્રિજના રિપેરીંગ માટે રૂ.82.71 લાખનો ખર્ચો મંજૂર કરાયો છે.
ડેપ્યૂટી મેયર ટીકુભાએ સુવિધાઓ ખેંચી: વોર્ડ નં.3માં વિકાસ કામો માટે રૂ.21.39 કરોડ મંજૂર
કોર્પોરેશનના ડેપ્યૂટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ પોતાના મતવિસ્તાર એવા વોર્ડ નં.3માં વિકાસ કામો માટે રૂ.21.39 કરોડનો ખર્ચ મંજૂર કરાવ્યો છે. શહેરના વોર્ડ નં.03માં રૂ.8.69 કરોડના ખર્ચે રેલનગર વિસ્તારમાં ટી.પી. સ્કીમ નં.19, એફ.પી. નં.8-એ પ્લોટ ઉપર કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ, રૂ.47.10 લાખના ખર્ચે ટી.પી. સ્કીમ નં.19, 23 તથા 24 માં બાકી રહેતા ભાગમાં ડ્રેનેજ લાઇન નાખવાનુ, મેનહોલ તથા હાઉસ કનેકશન ચેમ્બર બનાવવાનુ કામ અને રૂ.9.08 કરોડના ખર્ચે અમૃત મિશન 2.0 અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં ઘંટેશ્વર સમ્પથી ડી.આઇ. પાઇપલાઇન(લેબર કામ) તથા રીસ્ટોરેશન કરવાનુ કામ અને રૂ.3.14 કરોડના ખર્ચે રેલનગરમાં આરોગ્ય કેન્દ્ર તથા સિટી ટી.બી. સેન્ટર બનાવવાનુ કામ આમ કુલ મળીને રૂ.21.39 કરોડના જુદા-જુદા કામો આજરોજ
સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામો મંજુર કરવા બદલ ડેપ્યુટી મેયર તથા વોર્ડ નં.03ના કોર્પોરેટર નરેન્દ્રસિંહ જાડેજા, કોર્પોરેટર બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્પાબેન દવે દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે.
મેયરના વોર્ડમાં ટીપીના રસ્તા ડેવલપ કરવા 9.48 કરોડ મંજૂર
શહેરના પ્રથમ નાગરિક મેયર નયનાબેન પેઢડિયાના મતવિસ્તાર એવા વોર્ડ નં.4માં ટીપી સ્કિમ નં.14, 17, 18 અને 31માં જુદા-જુદા ટીપી રોડને ડેવલપ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.9,48,35,833નો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગમાં ડ્રેનેજ કામ માટે રૂ.3.32 કરોડ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.73.14 કરોડ, ડીઆઇ પાઇપલાઇનના કામ માટે રૂ.10.96 કરોડ, વાહન ખરીદી માટે રૂ.1.92 કરોડ સહિત સ્ટેન્ડિંગમાં રૂ.45.55 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો.
કોર્પોરેટરો અને અધિકારીઓ ઇલેક્ટ્રીક બસમાં અટલ સરોવર ગયા!!
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દર વખતે સામાન્ય રીતે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં આવેલ સ્ટેન્ડિંગ કમિટી કોન્ફરન્સ હોલ ખાતે રાખવામાં આવે છે.પરંતુ રામવન બાદ આજે સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગ સ્માર્ટ સિટી વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલ નવું નજરાણું અટલ સરોવર ખાતે રાખવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની મિટીંગમાં જવા તથા પરત આવવા માટે ઇલેક્ટ્રિક બસની વ્યવસ્થા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતેથી રાખવામાં આવી હતી. કોર્પોરેટરો તથા અધિકારી-કર્મચારીઓ ઇલેક્ટ્રિક બસ મારફત “અટલ સરોવર” ખાતે ગયા હતા. સ્ટેન્ડિંગ કમિટી મિટીંગ અંતર્ગત “અટલ સરોવર” ખાતે એક સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ હતી. જેમાં, ટેબલ, ખુરશી, મંડપની બેરી કેટીંગ, ચા-નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. આમ, સ્ટેન્ડિંગ
કમિટી મિટીંગ રાજકોટ મહાનગરપાલિકાના કોન્ફરન્સ હોલને બદલે સ્માર્ટ સિટી વિસ્તાર, નવા 150 ફૂટ રિંગ રોડ ખાતે આવેલ નવું નજરાણું “અટલ સરોવર” ખાતે રાખવામાં આવી હતી.