પાણી અને ગુલાલ વિના ધૂળેટીની ઉજવણી: ફૂલોની પાંખડીઓથી મૂર્તિઢગ અભિષેક કરાયો: સંતો-મહંતોએ આશિર્વચન પાઠવ્યા
શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે નરનારાયણ દેવ જન્મોત્સવ અને ફુલદોલોત્સવ ઉજવાયો હતો. ઉત્સવમાં પાણી કે કોઇ કલરનો ઉપયોગ કરાવમાં આવ્યો ન હતો ફકત ફુલોની પાંખડીઓનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સમસ્ત સભા ખંડ ફુલોથી શણગારવામાં આવ્યો હતો. ઠાકોરજીને ફુલના હિંડોળામાં ઝુલાવ્યા બાદ ષોડશોપચારથી પૂજન સાથે ઠાકોરજીને ૧૫૦૦ કિલો ફુલોની પાંખડીઓથી ઘનશ્યામ મહારાજનો મૂર્તિઢગ અભિષેક કરવામાં આવ્યો હતો.મેેેેમનગર ગુરુકુલના વિદ્યાર્થીઓએ હોળી નૃત્ય કર્યું હતું.
વિદેશ સત્સંગ પ્રચારાર્થે પધારેલ શા.માધવપ્રિયદાસજી સ્વામીએ ફુલદોલનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે આજે નરનારાયણદેવનો પ્રાગટ્ય મહોત્સવ છે. નરનારાયણ દેવ તો ભરતખંડના રાજા છે. નરનારાયણ દેવ લોકોની સુખાકારી માટે બદ્રિકાશ્રમમાં અખંડ તપ કરે છે, તેમ આપણે પણ તપ કરવુ જોઇએ.
આજથી બસો વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે ગઢડા વગેરે અનેક સ્થળે ફુલદોલોત્સવ કર્યા છે. જ્યારે ભગવાન પોતે પીચકારી લઇ હરિભકતો અને સંતો ઉપર કેસુડાના રંગનો છંટકાવ કરતા હોય ત્યારે હજારો માણસોનો સમુદાય પ્રગટ ભગવાનના દિવ્ય સ્વરુપ અને લીલાનો આનંદ માણતા હોય એ અવસર અદભૂત હોય છે.શ્રીસ્વામિનારાયણ ભગવાન તો ઉત્સવિયા ભગવાન કહેવાય છે. તેમણે ઉત્સવોને કલ્યાણનું સાધન બનાવ્યું છે.
પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આપણને ભગવાને સમજણ, શક્તિ અને સંપત્તિ આપ્યા હોય તે જો ભગવાનને અર્થે વપરાયતો તે લેખે છે. અહીં આપણાં ગુરુકુલમાં ભારતીય પરંપરાના તમામ ઉત્સવો ઉજવાય છે. તેથી આપણે તો દરરોજ દિવાળી છે અને જે ભગવાનથી વિમુખ હોય તેને તો દરરોજ હોળી હોય છે.
પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે આજ આનંદનો ઉત્સવ છે. ભારતીય સંસ્કૃતિ ગજબની સંસ્કૃતિ છે. આટલા ઉત્સવો કદાય કોઇ સંસ્કૃતિમાં ઉજવાતા નહીં હોય. ખરેખર ઉત્સવો આનંદનું પરિણામ હોય છે. આ સંસ્કૃતિ આનંદથી છલોછલ છકલાઇ છે, તેનું કારણ તેના મૂળ પરમ આનંદરુપ પરમાત્મા સાથે જોડાયેલ છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર, સાળંગપુર વડતાલ વગેરે સ્થળોએ કરેલા પુષ્પદોલોત્સવ પ્રસંગોની વાતો કરી હતી.