- કેમ્પમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નરેશભાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઇ પટેલનો આજે 59મો જન્મદિવસ છે. આજે તેમના જન્મદિને ઠેર-ઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. દર વર્ષે નરેશભાઇ પટેલના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આજે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સંયુક્તે આજે સવારે 8 થી બપોરના 12 વાગ્યા સુધીમાં ન્યૂ માયાણીનગર વિસ્તારમાં આવેલા શ્રી સરદાર પટેલ ભવન ખાતે મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. આ મહારક્તદાન કેમ્પમાં 1500 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પમાં પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, ભાજપ અગ્રણી વિજય કોરાટ, ડો.વલ્લભ કથીરીયા સહિતના સામાજીક-રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત સમયસર મળી રહે તેવા ઉમદા હેતુ સાથે છેલ્લા 24 વર્ષથી નરેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે તેઓના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તથા વર્ષોથી સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. જેમાં હજ્જારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરીયાતમંદ દર્દીઓને નરેશભાઇ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. આજે રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઇઓ-બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.
બ્લડ ડોનેશન કેમ્પ થકી જન્મદિવસની ઉજવણી કરવા મિત્રોએ મને પ્રેરણા આપી: નરેશભાઈ પટેલ
‘અબતક’ સાથેની વાતચિતમાં કાગવડ ખોડલધામના ચેરમેન નરેશ પટેલએ જણાવ્યું હતું કે મારા જન્મદિવસ નિમિતે 30મો બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવ્યો છે. આ વખતે 2000 બ્લડ બોટલ એકત્રિત કરવાનો ધ્યેય સેવ્યો છે. તમામ આયોજકો, રક્તદાતાઓ તથા બ્લડ બેંકોને મારી વિનંતી છે કે આ બ્લડ થેલેસેમીયા પીડીત બાળકો માટે વધુઉપયોગી બને. મારા મિત્રોએ મને સરપ્રાઇઝ આપીને જન્મદિવસની ઉજવણી આ રીતે પણ થઇ શકે અને જરૂરીયાતમંદો માટે કંઇક કરી શક્યાં માટે મારા મિત્રોનો હું આભાર માનું છું.
નરેશભાઈ પટેલ નાત-જાતના ભેદભાવ વિના સર્વેને મદદ કરતા આવ્યા છે: પ્રદીપ ગણાત્રા
‘અબતક’ સાથેની વાતચિતમાં પ્રદીપભાઇ ગણાત્રાએ જણાવ્યું હતું કે હું નરેશભાઇ સાથે 50 વર્ષથી જોડાયેલો છું. આજથી 25 વર્ષ પહેલા બ્લડની અછત સર્જાતા જરૂરીયાતમંદો માટે કંઇ કરી છૂટવા નરેશભાઇના દર જન્મદિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વખતે પણ 2000થી વધુ બ્લડ બોટલ એકત્રિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. નરેશભાઇ કોઇપણ નાત-જાતના ભેદભાવ વિના સર્વેને મદદ કરતા આવ્યા છે. તેમના જન્મદિવસે આ ભગીરથ કાર્ય થાય એ સૌભાગ્યની વાત છે.