અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કોરોના સામેની લડત અસરકારક બનાવવા બેઠક યોજી
ઓક્સિજનની જરૂરિયાત માટે ૨૦ હજાર લીટરની ટેન્ક મૂકાશે
શહેરમાં કોવિડની સારવાર માટે ૧૨૦૦ બેડની વ્યવસ્થા કરવાનું સરકારે આયોજન કર્યું છે તેમ અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.
જામનગરમાં કોવિડની લડાઈમાં વધુ અસરકારક લડત લડવા માટે ગુજરાત રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર બે દિવસથી જામનગરની મુલાકાતે છે, જ્યાં તેમણે કોવિડ હોસ્પિટલો, કોવિડ કેર સેન્ટરો, યુ.એચ.સી વગેરેની મુલાકાત લઈને જામનગર જિલ્લો આ મહામારી સામેની લડાઈમાં વધુ અસરકારક રીતે લડત આપી શકે એ માટે બેઠકો યોજી માઈક્રો પ્લાનિંગ કરેલ છે.
ત્યારે ગઈકાલે ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં યોજાયેલી બેઠકમાં કોવિડ હોસ્પિટલ અંગે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં હાલ જી.જી. હોસ્પિટલમાં ૬૯૮ બેડ ઉપલબ્ધ છે આ ઉપરાંત ટી.બી.સી.ડી બિલ્ડીંગમાં ૧૨૭ બેડ, જુના સીઝનલ ફ્લૂ વોર્ડ સર્જરી બિલ્ડીંગમાં ૨૨૦ બેડ તેમજ જૂની બિલ્ડીંગમાં ૧૫૦-૧૯૦ જેટલા બેડ કોવિડ માટે તાત્કાલિક તૈયાર કરવામાં આવશે, જેમાં ૧૫ આઇ.સી.યુ. બેડ પણ રહેશે આમ જામનગરમાં કોવિડની સારવાર માટે ૧૨૦૦ બેડની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવશે.
આ ઉપરાંત કોવિડ હોસ્પિટલમાં વધારાના ૬૦ વેન્ટિલેટરની આવશ્યકતા હોય તેની પણ તાત્કાલિક પૂર્તિ કરવામાં આવશે, હાલ હોસ્પિટલમાં ૧૬૦ વેન્ટિલેટર ઉપલબ્ધ છે. હોસ્પિટલના દરેક માળને સેપરેટ ઓક્સિજન લાઈન બેકઅપ નાખવાની પ્રક્રિયા પણ તાત્કાલિક ચાલુ કરવામાં આવેલ છે. આ સાથે જ હાલમાં કોવિડ દર્દીઓ ખૂબ ગંભીર પરિસ્થિતિમાં આવતા હોય તેમને તાત્કાલિક ઓક્સિજનની જરૂર હોઇ ઓક્સિજનની મોટી ૨૦,૦૦૦ લીટરની ટેંક મૂકવા માટેની કાર્યવાહી પણ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવશે. હોસ્પિટલના સ્ટાફને સમયાંતરે ડિઝાસ્ટર મોકડ્રીલ પણ કરાવવામાં આવશે. કોવિડની સારવાર માટે આવશ્યક ઇંજેકશન રેમ્ડેસીવીયરનો પૂરતો જથ્થો પણ પૂરો પાડવામાં આવશે.
દરેક વોર્ડમાં ઓનલાઈન એન્ટ્રી અને ડેટાની ચોકસાઈ રહે તે માટે ટેબલેટ આપવામાં આવશે, આ ઉપરાંત સિવીયર અક્યુટ રેસ્પીરેટરી ઇલનેસ ધરાવતા દર્દીઓ ડેટાનું પ્રોજેક્શન અને એનાલીસીસ પણ કરવામાં આવશે. હાલમાં ૨૫ખાનગી એનેસ્થેસિયા અને પલ્મોનોલોજી ડોકટરો હોસ્પિટલમાં ફરજ બજાવે છે તેમાં વધારો કરી અન્ય પ્રાઇવેટ ડોક્ટરોને પણ કોવિડમાં સેવા આપવા માટે જોડવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં કોરોના માટેના આર.ટી.પી.સી.આર સેમ્પલ કલેક્શન માટે હોસ્પિટલમાં ઉપરના માળે દર્દીઓને જવું પડતું જ્યારે હવેથી તેમના સેમ્પલ કલેક્શનની પ્રક્રિયા ઓ.પી.ડી સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર જ કરવામાં આવશે.
કોવિડના દર્દીના સગાઓને હોસ્પિટલથી તેમના સ્વાસ્થ્યની જાણ થતી રહે તે માટે હેલ્પ ડેસ્ક શરુ કરવામાં આવેલ છે જેમાંથી હવે દર્દીના સગાને દિવસમાં એકવાર ફોન કરી કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. તદુપરાંત જે દર્દી સાજા થઇ ડિસ્ચાર્જ મેળવતા હશે તેવા દર્દીના પરિવારને ડિસ્ચાર્જના અગાઉના દિવસે તેમના વિશેની જાણ કરવામાં આવશે અને દર્દીને ડિસ્ચાર્જના દિવસે સવારે ૧૨:૦૦ થી ૧:૦૦ વાગ્યા દરમિયાનમાં બપોરના ભોજન બાદ ડિસ્ચાર્જ કરવામાં આવશે તેમજ પેશન્ટ અટેંડંટની નિમણૂક કરાશે.
સાથે જ જે દર્દીના સગા ડિસ્ચાર્જ સમયે દર્દીને લેવા ન આવી શકે અથવા વાહન ન હોય તેવા દર્દીને ઘરે મુકવા જવા માટે પણ કોર્પોરેશન અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાહનની વ્યવસ્થા કરવામાં આવશે. ડિસ્ચાર્જ થયેલ દર્દીઓને ડિસ્ચાર્જ સમયે ડિસ્ચાર્જ કીટ આપવામાં આવશે, જેમાં સેનેટાઈઝરની બોટલ, ત્રિપલ લેયર માસ્ક, પાણીની બોટલ તેમજ ડિસ્ચાર્જ થયા બાદ પણ ધ્યાનમાં રાખવાની બાબતોનું ડુ એન્ડ ડોન્ટ પેમ્ફલેટ આપવામાં આવશે. કોવિડના દર્દીના સગાઓ માટે બેરીકેટની આગળ ટેમ્પરરી વેઇટીંગ એરિયા બનાવવામાં આવશે. સંપૂર્ણ હોસ્પિટલમાં સતત સીસીટીવી દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. આમ, બેઠકમાં અનેક આવશ્યક નિર્ણય લઇ જામનગરના લોકોને આ સંક્રમણમાં વધુ ગુણવત્તાલક્ષી સારવાર આપવા માટે અને સંતોષકારક સેવા આપવાના ધ્યેય સાથે રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા છે.
ગઈકાલે ગુજરાત રાજ્યના આયુષ મંત્રાલયના નિયામક ભાવનાબેન પટેલ જામનગરમાં આવી પહોંચ્યા હતા. જ્યાં આગામી દિવસોમાં જામનગરવાસીઓને નિ:શુલ્ક ઉકાળા વિતરણ, આર્સેનિક આલ્બમ અને શમશમવટીનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ નિયામકએ જામનગરવાસીઓને ઘરગથ્થું રોગપ્રતિકારક શક્તિઓ વધારનાર ઉપાયો જેવા કે, ગરમ પાણી પીવું, નવશેકું હળદરવાળું દૂધ (ગોલ્ડન મિલ્ક) પીવું,નાકમાં કોપરેલ અથવા ગાયના ઘીનાં ટીપાં નાખવા અને તુલસી, મરી,સૂંઠ,અજમાની હર્બલ ટીનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરવા માટે અનુરોધ કર્યો હતો.
૨૦ ખાનગી તબીબો કોવિડ હોસ્પિટલમાં સેવાઓ આપશે
જામનગરની કોવિડ હોસ્પિટલ માટે નવા વેન્ટીલેટર મશીનનો જથ્થો આજે આવી પહોંચ્યો છે. તો બીજી તરફ ખાનગી તબીબોને પણ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે જવાબદારી સોંપવામાં આવી છે
જામનગરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જામનગરમાં ચિંતા જનક રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે. ત્યારે દર્દીઓની સંખ્યાને પહોંચી વળવા માટે શહેરના ખાનગી તબીબોની સેવા લેવામાં આવી રહી છે. શહેરના ડો. વાય.એન. ભાલોડીયા, ડો.હિના ગૌસ્વામી, ડો.ભાવિક પંડ્યા, ડો. અમિત ઓઝા, ડો. તારક શાહ, ડો.વસીમ અલવારે, ડો. દિનકર સાવરીયા, ડો.મિતેન મહેતા, ડો. ધવલ માલદે વગેરે ૨૦ જેટલા તબીબોને કોવિડ હોસ્પિટલ માટે ખાસ ફરજ સોંપવામાં આવી છે. તેઓ પોતાની સેવા આપી રહ્યા છે. તો બીજી તરફ આજે વધારાના વેન્ટીલેટરનો જથ્થો હોસ્પિટલમાં આવી પહોંચ્યો છે.
કોરોના વકરી રહ્યો છે: પોઝિટિવ કેસ અને મૃતકોની સંખ્યા વધી રહી છે
જિલ્લામાં કુલ ૨૬ દર્દીઓના મોત
જામનગર જિલ્લામાં કોરોનાનો ક્રૂર પંજો ફરી વળ્યો છે અને દરરોજ પોઝિટિવ કેસની સદી થઈ રહી છે, તો મૃતકોની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં એક ડઝનથી વધુ એટલે કે ૧૪ દર્દીઓના મૃત્યુ નિપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જામનગરમાં કોરોનાનો રોગચાળો તંત્રના કાબૂ બહાર જતો રહ્યો છે. પરિણામે દરરોજ પોઝિટિવ કેસો અને મૃતકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.
ગઈકાલે સાંજની સ્થિતિએ શહેરમાં વધુ ૮૮ લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો હતો, જ્યારે ૧૦ર લોકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હાલ શહેરના ૩૪૯ દર્દીઓ એક્ટિવ છે. કેસ તરીકે સારવાર હેઠળ છે.
તો જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલની સ્થિતિએ વધુ ૧૧ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યો હતો જ્યારે ૧૦ દર્દજીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
આમ ગઈકાલે જામનગર જિલ્લામાં ૯૯ પોઝિટિવ કેસ નોંધાયા હતાં તો કુલ ૧૧ર દર્દીઓને રજા આપવામાં આવી હતી. ગ્રામ્યના ૭ર કેસ એક્ટિવ છે. આમ હાલ કુલ ૪ર૧ દર્દીઓ સારવાર હેઠળ છે.
જો કે અત્યાર સુધીમાં શહેરમાં ૧૬ અને ગ્રામ્યના ૧૦ મળી જિલ્લામાં કુલ ર૬ દર્દીઓના મૃત્યુ થયાનું તંત્રએ જાહેર કર્યું છે. હકીકતે ત્રણ દિવસમાં જ ર૬ દર્દીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે. એટલે કે તંત્ર દ્વારા મૃત્યુના આંકડાઓ તોડીમરોડીને રજૂ કરવામાં આવી રહ્યા છે તે સ્પષ્ટ થાય છે. છેલ્લા ર૪ કલાકમાં જ ૧૪ દર્દીઓના મૃત્યુ થયા હોવાનું જાણવા મળે છે, જો કે તંત્રના ચોપડે કોઈ મૃત્યુ જ દર્શાવાયા નથી. આમ જામનગરની સ્થિતિ સારી દર્શાવવા તનતોડ મહેનત કરવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.