સામાકાંઠે ૧૦ મિલકતોમાં સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોએ ધડાધડ વેરાના ચેક આપ્યા: ૬ લાખની વસુલાત
રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીની ટેકસ બ્રાંચ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં બાકી વેરો વસુલવા માટે હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોંડલ રોડ અને પેલેસ રોડ પર ૧૦ મિલકતો સીલ કરવામાં આવી હતી. જયારે શહેરના સામાકાંઠા વિસ્તારમાં ૧૦ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા બાકીદારોએ વેરા પેટે ધડાધડ ચેક આપી દેતા ૬ લાખની વસુલાત થવા પામી છે. લક્ષ્મીવાડી મેઈન રોડ પર એક બાકીદારનું નળજોડાણ કપાત કરવા માટે પણ નોટિસ ફટકારવામાં આવી છે.
સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૭માં પેલેસ રોડ પર રાજસુંદરી કોમ્પલેક્ષમાં ા.૧,૫૦ લાખનો બાકી વેરો વસુલવા ૬ મિલકત સીલ કરાઈ હતી. જયારે ગોંડલ રોડ પર લોડર્સ આર્કેડમાં ૨ મિલકતને સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.૧૪માં લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલા રહેણાંક મકાનના બાકીના માંગણા સામે નળ જોડાણ કપાત કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.૮માં ૧૫૦ ફુટ રીંગ રોડ પર નક્ષત્ર-૧માં રૂ.૬૦,૯૪૦નો બાકી વેરો વસુલવા સંજયભાઈ નામના આસામીની ઓફિસ નં.૩૦૨ તથા વોર્ડ નં.૯માં સાધુ વાસવાણી નજીક દર્શન પાર્કમાં એક મિલકત સીલ કરવામાં આવી હતી.
ઈસ્ટ ઝોનમાં અલગ-અલગ વિસ્તારોમાં ૧૦ મિલકતો સામે સીલીંગની કાર્યવાહી હાથ ધરાતા રૂ.૬ લાખની વસુલાત થવા પામી છે.