લોધિકા પોલીસની વરવી ભૂમિકા
બંને પક્ષે સમાધાન કરાવી શ્રમિકોને ટ્રેનમાં તેના વતન રવાના કરી દીધા
કમલનાથે મુદ્દો ઉઠાવતા મધ્યપ્રદેશ પોલીસે ‘ઝીરો’ નંબરથી ગુનો નોંધી રાજકોટ જિલ્લા પોલીસ તરફ ફરિયાદ મોકલી
રાજકોટના મેટોડામાં આવેલી કોર કેબલ નામની ફેક્ટરીમાં કામ કરતાં મધ્યપ્રદેશના 15 શ્રમિક પર ચોરીનું આળ મૂકી ફેક્ટરીના મેનેજર અને ડ્રાઇવર સહિતનાઓએ 15 શ્રમિકને કારખાનામાં ગોંધી રાખી ઢોરમાર માર્યો હતો. લોધિકા પોલીસે આ મામલામાં વરવી ભૂમિકા ભજવી તમામ ઇજાગ્રસ્તોને તેના વતન રવાના કરી દીધા હતા. એમ.પી.માં કોંગ્રેસના આગેવાન કમલનાથે આ મામલો ઉઠાવ્યો હતો અને મધ્યપ્રદેશ પોલીસે ‘ઝીરો’ નંબરથી ગુનો નોંધી ફરિયાદ રાજકોટ પોલીસ તરફ મોકલતા મામલો ચકરાવે ચડ્યો હતો.
મેટોડામાં આવેલી કોર કેબલ નામની ફેક્ટરીમાંથી 891 કિલો સ્ક્રેપ કોપરની ચોરી થઇ હતી. આ ફેક્ટરીમાં કામ કરતાં ઉત્તરપ્રદેશના શંકર નામના કર્મચારીએ તેની સાથે કામ કરતાં મધ્યપ્રદેશના સંતલાલ, મુકેશ, શિવમ અને પ્રેમલાલ પર ચોરીનો આરોપ મુક્યો હતો. મધ્યપ્રદેશના ઉપરોક્ત ચારેય શ્રમિક પર ચોરીનું આળ મુકાતા કંપનીના મેનેજર અને ડ્રાઇવરે શુક્રવારે રાત્રે ઉપરોક્ત ચાર સહિત એમ.પી.ના 15 શ્રમિકને ફેક્ટરીમાં ગોંધી રાખ્યા હતા અને તમામને વાયરથી ફટકારવામાં આવ્યા હતા જેમાંથી ઉપરોક્ત ચારની બેરેમીથી ધોલાઇ કરવામાં આવી હતી અને તમામના આધારકાર્ડ પણ પડાવી લેવામાં અાવ્યા હતા. મામલો લોધિકા પોલીસ સુધી પહોંચતા પોલીસે પરપ્રાંતીય શ્રમિકોને ચોરીના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી બંને પક્ષે સમાધાન કરાવી દીધું હતું અને તમામ 15 શ્રમિકને ટ્રેન મારફત તેના વતન મોકલી દીધા હતા.
એમપી પહોંચ્યા બાદ આદિવાસી સમાજના ઉપરોક્ત 15 શ્રમિકોએ મધ્યપ્રદેશ કોંગ્રેસના આગેવાન કમલનાથનો સંપર્ક કરતાં કમલનાથે પત્રકાર પરિષદ યોજી તમામ શ્રમિકોને હાજર રાખ્યા હતા અને તેમાં તેના પર મેટોડાની ફેક્ટરીમાં થયેલા અત્યાચારને ઉજાગર કર્યો હતો. આ મામલાએ એમ.પી.માં રાજકીય રંગ પકડતાં મધ્યપ્રદેશ પોલીસે ‘ઝીરો’ નંબરથી ગુનો નોંધ્યો હતો. એડિશનલ એસ.પી. અભિષેક રાજને જણાવ્યું હતું કે, ફેક્ટરીના સંચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે આ મામલાની વિશેષ કાર્યવાહી રાજકોટ જિલ્લા પોલીસ કરશે.
મેટોડાના મામલે MPમાં રાજકારણ ગરમાયું મધ્યપ્રદેશના કોંગ્રેસના આગેવાન કમલનાથે રાજકોટના મેટોડામાં એમ.પી.ના શ્રમિકો પર થયેલા અત્યાચાર અંગે એમ.પી.ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને આડે હાથ લીધા હતા. કમલનાથે આક્ષેપ કર્યો હતો કે, અનુપપુર જિલ્લાના 15 આદિવાસી યુવક પર ગુજરાતમાં થયેલા અત્યાચારની નિષ્પક્ષ તપાસ થવી જોઇએ. મધ્યપ્રદેશની બહાર કામ કરતાં લોકોને સુરક્ષિત કરવામાં શિવરાજ સરકાર નિષ્ફળ ગઇ છે.