રાષ્ટ્રીય પક્ષીના ટપોટપ મોતથી લોકોમાં ભારે ફફડાટ
સુરેન્દ્રનગર જિલ્લાના વેરાન રણકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલેર્ટ વચ્ચે ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા પાટડી તાલુકાના સવલાસ ગામમાં કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. વધુમાં ગામના યુવાનો દ્વારા 15 જેટલા મોરને બજાણા અભયારણ્ય વિભાગમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે.
રણકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલેર્ટ વચ્ચે ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા પાટડી તાલુકાના સવલાસ ગામમાં કાળઝાળ ગરમીમાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરની ડોક ઢળી પડતા અકાળે મોતને ભેંટતા જીવદયા પ્રેમીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં એક પછી એક એમ 15 જેટલા રાષ્ટ્રીય પક્ષી મોરના ટપોટપ મોત નિપજતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. એમાંય ગામના યુવાનો દ્વારા 15 જેટલા મોરને બજાણા અભયારણ્ય વિભાગમાં જાણ કરતા બજાણા અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલાની સૂચનાથી અભયારણ્ય વિભાગની રેસ્ક્યુ ટીમે તાકીદે વાહન લઇને સવલાસ ગામે દોડી જઇ ઘાયલ મોરને તાકીદે સારવાર અર્થે બજાણા કેર સેન્ટર ખાતે લાવી વેટરનીટી ડોક્ટર પાસે સારવાર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે સવલાસ ગામના ફત્તેપરા ધર્મેશભાઇ જેંતિભાઇએ જણાવ્યું કે, છેલ્લા ચાર પાંચ દિવસમાં રાષ્ટ્રીય પક્ષી મોર અચાનક એમની ડોક પડતી મૂકીને ઢળી પડે છે.
અત્યાર સુધીમાં 8થી 10 જેટલા ઘાયલ મોરને સારવાર અર્થે બજાણા અભયારણ્ય વિભાગનો સ્ટાફ ગાડી સાથે આવીને લઇ ગયો છે. આજે વધુ પાંચ જેટલા મોર ઘાયલ થતાં અભયારણ્ય વિભાગને જાણ કરી દેવામાં આવી છે. ત્યારે એક સમયે મોરના ટહુંકા માટે પ્રચલિત એવા સવલાસ ગામમાં જો આ પરિસ્થિતિ યથાવથ રહી તો ગામમાંથી રાષ્ટ્રીય પક્ષી મોર જ નામશેષ થઇ જવાના એંધાણ સર્જાયા છે. જ્યારે આ અંગે બજાણા ઘૂડખર અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.સારલાનો મોરના ટપોટપ મોતનું સાચુ કારણ જાણવા અનેકો વખત સંપર્ક કરવા છતાં સંપર્ક થઇ શક્યો નહોતો.