એલ.સી.બી.એ અમદાવાદથી સાત શખ્સોની ધરપકડ કરી: 10.12 લાખનો મુદામાલ કબ્જે
અબતક,દર્શન જોશી, જૂનાગઢ
જૂનાગઢ એલસીબીએ જૂનાગઢની મોબાઈલની દુકાનમાંથી થયેલ રૂ. 14.97 લાખના ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી, બિહારની ચાદર ગેંગના 7 શખસોને ઝબ્બે કરી 17.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ સાથે આ ચાદર ગેંગ દ્વારા કરવામાં આવેલ 4 અન્ય ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે.
ગત સોમવારે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શહેરના એમ.જી.રોડ પર આવેલ ફોન વાલા નામની મોબાઇલની દુકાન માંથી મોબાઈલ, ચાર્જર, હેન્ડ્સ ફ્રી, બ્લ્યુટૂથ તથા રોકડા મળી કુલ 14,97,843 ના મુદ્દામાલની ચોરી થઇ હોવાની ફરિયાદ દાખલ થવા પામી હતી. જે અંગે જિલ્લા પોલીસ વડાની સૂચના અને જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એલસીબીએ તપાસ શરૂ કરી હતી.
દરમિયાન જૂનાગઢ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ એચ.આઇ. ભાટી, પીએસઆઈ. ડી.જી. બળવા અને સ્ટાફને બાતમી મળી હતી કે, આ ચોરીમાં બિહારની ચાદર ગેંગના 7 સભ્યો સંડોવાયેલા છે અને તે પૈકીના પ શખ્સો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહે છે, જેથી જૂનાગઢ એલસીબી અમદાવાદના નારોલ વિસ્તારમાં ત્રાટકી હતી અને ત્યાંથી ગેંગના પ શખ્સોને દબોચી લીધા હતા. જ્યારે અન્ય 2 શખ્સો ભાવનગર હોવાની જાણ મળતાં આ બન્ને શખ્સોને પણ ભાવનગરથી પકડી લેવાયા હતા.
આ ચોરી અંગે જૂનાગઢના જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટીના જણાવ્યા અનુસાર પકડાયેલા ચાદર ગેંગના સભ્યો પાસેથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા રોકડ અને આરોપીના પાંચ મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 17,12,829 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અન્ય ત્રણ ચોરીની કબુલાત આપી છે. જેમાં ગોધરામાં ફોનની દુકાનમાંથી ચોરી, ઇન્દોર માંથી ઘડિયાળના શો-રૂમમાંથી ચોરી અને કલકત્તાના જંગલમાં કારખાના નજીક આવેલ મોબાઇલની દુકાન માંથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. તથા ચોરી કરાયેલા મુદ્દામાલ નેપાળમાં વેચી દેતા હોવાનું અને અગાઉ દુકાનની રેકી કરી, બાદમાં વહેલી સવારે ચાદર વડે દુકાનનું શટર ખોલી, અંદર પ્રવેશ કરી, ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢની એલસીબીએ મોબાઇલ ચોરીમાં પકડાયેલા બિહાર ચાદર ગેંગના સાત સભ્યો માં ગોવિંદ મદન શાહ, નિઝામુદ્દીન હલીમ મિયા, મોબિન ભુના દેવાન, બબલુ ઉર્ફે બોબી મદન શાહ, મુકેશકુમાર છેદી રામ, ગુલશનકુમાર બ્રહ્માનંદ પ્રસાદ, અને નરીશ હારીશ દેવાન નો સમાવેશ થાય છે.
ગોધરા કલકતા અને ઈન્દોરમાં ચોરી કર્યાની કબુલાત