શહેરના વિવિધ વિકાસ કામો પર સ્ટેન્ડીંગ કમીટીની મંજુરીની મહોર: બેઠક મળી
જૂનાગઢ શહેરથી ૧૫ કિલોમીટરની ત્રિજ્યામાં સીટી બસ ચલાવવાની ટેન્ડરની શરતોને મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ગઈકાલે મંજૂરી આપવાની સાથે શહેરના વિવિધ વિકાસના કામો માટે પણ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરની મહોર મારી હતી.
ગઈકાલે શુક્રવારે જૂનાગઢ મનપા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના મુખ્ય માર્ગો પરના ડિવાઇડર પર ઇલેક્ટ્રીક પોલ રૂ. ૮૩ લાખના ખર્ચે ઉભા કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી, આ સિવાય જૂનાગઢના સકરબાગ થી માર્કેટિંગ યાર્ડ અને દોલતપરા સુધીના માર્ગ પર એલઇડી લાઇટના પોલ નાખવા માટે રૂપિયા ૪૬ લાખના ટેન્ડરની શરતે મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે સ્ટ્રીટ લાઈટની સમસ્યા નિવારવા માટે શહેરના દરેક પોલ ઉપર નંબરીંગ કરી, તે નંબરના આધારે લોકો ફરિયાદ નોંધાવી શકે તેવી વ્યવસ્થા માટે રૂ. ૧૧.૭૫ ના ખર્ચ મંજુર કરવામાં આવ્યો હતો.
સ્ટેંડિંગ કમિટીની આ બેઠકમાં સ્વચ્છતા સર્વેક્ષણ અને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા સેનેટરી ઈન્સ્પેકટરને મોબાઇલ કાર્ડ મર્યાદિત ભાડા સાથે ફાળવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ નિર્ણયથી જૂનાગઢના લોકો હવે વ્હોટ્સ એપ મારફતે સ્વચ્છતા અંગે જે તે વિસ્તારના એસ.આઈ. ને ફરિયાદ મોકલી શકશે અને તેનો ત્વરીત નિકાલ થશે. આ સિવાય શહેરના સાર્વજનિક અને ખાનગી પ્લોટમાં ગાડી ઉભી રાખવા અને આ જગ્યાઓના નીભાવ, દેખરેખ અને ઉપયોગ તથા કોર્પોરેશનની માલિકીની જગ્યાઓની ફી લઈ, પાર્કિંગ પોલિસી તૈયાર કરી, સરકારી મંજૂરી અર્થે મોકલવા સ્થાયી સમિતિએ મંજૂરી આપી હતી.
તો શહેરમાં પુત્ર-પુત્રીના જન્મ પ્રસંગે મનપા દ્વારા વધામણા કરી, દિકરો મારો દોસ્ત, દીકરી મારી દુલારી એવી પુસ્તિકા તથા સર્ટીફિકેટ આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સ્ટેન્ડીંગ કમિટીનો આ બેઠકનો મહત્વનો નિર્ણય જૂનાગઢ શહેરથી ૧૫ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા માખીયાળા, વંથલી, ખડિયા, ધંધુસર, મેંદપરા અને મજેવડી સુધી સીટી બસ ચલાવવાની ટેન્ડરની શરતોને મંજૂરી આપવાનો લેવામાં આવ્યો હતો.