હોકર્સ ઝોન હટાવવાની કામગીરી શ‚ કરાતા નાના ધંધાર્થીઓ કોર્પોરેશન કચેરીએ ઉમટયા: ક્રિસ્ટલ મોલ પાસેના હોકર્સ ઝોનનું રૂડા-૧માં સ્થળાંતર, સુચક સ્કુલ પાસેનો હોકર્સ ઝોન રદ, ભકિતનગર સર્કલ પાસેનો હોકર્સ ઝોન ખાલી પ્લોટમાં શીફટ કરાયો
ટ્રાફિક સહિતની સમસ્યાઓ હલ કરવા માટે મહાપાલિકા દ્વારા શહેરનાં અલગ-અલગ રાજમાર્ગો અને આવેલા ૧૫ જેટલા હોકર્સ ઝોન હટાવી દેવામાં આવશે. તેના સ્થાને વેપારીઓને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાશે. હોકર્સ ઝોન હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાની સાથે જ આજે અલગ-અલગ વિસ્તારોમાંથી લોકોનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને મેયર બીનાબેન આચાર્ય તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાને ઉગ્ર રજુઆત કરી હતી.
કોર્પોરેશન દ્વારા શહેરનાં અલગ-અલગ ૯૫ જેટલા હોકર્સ ઝોન બનાવવામાં આવ્યા છે જે પૈકી ૧૫ જેટલા હોકર્સ ઝોન રાજમાર્ગો પર આવેલા હોવાનાં કારણે ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાય છે જે દુર કરવા માટે હોકર્સ ઝોનનું રાજમાર્ગો પરથી આસપાસનાં પ્લોટમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. ક્રિસ્ટલ મોલ પાસે જયોતીનગર મેઈન રોડ પાસે ભરાતા હોકર્સ ઝોનનું રૂડા-૧માં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
જયારે શાસ્ત્રીમેદાન સામે સુચક સ્કુલ પાસેનો હોકર્સ ઝોન ટ્રાફિક સહિતની સમસ્યા ધ્યાનમાં રાખી રદ કરવામાં આવ્યો છે તો ભકિતનગર સર્કલ પાસે મેઘાણી રંગદર્શનની પાસેની ગલીમાં ભરાતા હોકર્સ ઝોનનું જયનાથ હોસ્પિટલ નજીક આવેલા કોર્પોરેશનનાં પ્લોટમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.
આજે આ ત્રણેય હોકર્સ ઝોનનાં ધંધાર્થીઓ અલગ-અલગ મતલબની રજુઆત કરવા કોર્પોરેશન કચેરીએ દોડી આવ્યા હતા અને મેયર બીનાબેન આચાર્ય તથા ડે.મેયર અશ્વિનભાઈ મોલીયાને રજુઆત કરી હતી. ક્રિસ્ટલ મોલ પાસેનાં હોકર્સ ઝોનનાં વેપારીઓ હાલ પુષ્કરધામ મેઈન રોડ પર બેસે છે તેને કાલથી રૂડા-૧માં જગ્યા ફાળવી દેવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.
જયારે ભકિતનગર સર્કલ પાસેનાં હોકર્સ ઝોનનાં ધંધાર્થીઓને ૪-૫ દિવસ હાલ જે જગ્યાએ ઉભા રહે છે ત્યાં ધંધો કરવાની છુટ આપવામાં આવી છે. જયનાથ હોસ્પિટલ પાછળનો પ્લોટ સમથલ થયા બાદ તેઓનું ત્યાં સ્થળાંતર કરી દેવામાં આવશે. જયારે સુચક સ્કુલ પાસેનો હોકર્સ ઝોન રદ કરવામાં આવ્યો છે ત્યાં સવાર-સાંજ બેસતા વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે. શહેરનાં ક્રમશ: રાજમાર્ગો પર આવેલા તમામ ૧૫ હોકર્સ ઝોનનું સ્થળાંતર કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવશે.
રાજકોટનાં વેપારીઓને નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ: મેયર-ડે.મેયર
રાજમાર્ગો પર આવેલા હોકર્સ ઝોનનાં કારણે ટ્રાફિક સહિતની સમસ્યા સર્જાય છે ત્યારે મહાપાલિકા દ્વારા શહેરનાં વેપારીઓને નવી દિશામાં લઈ જવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે તેમ મેયર બીનાબેન આચાર્ય અને ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયાએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, રાજમાર્ગો પરનાં હોકર્સ ઝોનથી ગ્રાહકો અને વેપારીઓનાં આરોગ્યને નુકસાન થાય છે. સાથો સાથ ટ્રાફિક અને ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાય છે ત્યારે રાજમાર્ગો પરનાં હોકર્સ ઝોનનું સ્થળાંતર કરવાની કામગીરી શ‚ કરાઈ છે.
કોઈ ગરીબ વ્યકિતની રોજગારી ન છીનવાઈ તેવા પ્રયાસો થઈ રહ્યા છે. હાલ રાજમાર્ગો પરથી જે હોકર્સ ઝોનનું સ્થળાંતર કરવામાં આવે છે ત્યાં બેસતા વેપારીઓને પણ વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવી છે. વોર્ડ નં.૧૦માં શહિદ ભગતસિંહ ગાર્ડન પાસેનાં હોકર્સ ઝોનનું જે.કે.ચોકમાં જયાં ગણેશ મહોત્સવ થાય છે તે પ્લોટમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. ટુંકમાં મધ્યમ અને નાના વેપારીઓનાં ધંધા-રોજગાર પણ ન છીનવાઈ અને ટ્રાફિકની સહિતની સમસ્યાઓ હલ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.