ટીપી સ્કિમ નં.15 (રાજકોટ)ના 18 મીટરના ટીપી રોડને ખૂલ્લો કરાવવા કોર્પોરેશનના બુલડોઝર ધણધણ્યાં
કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ટીપીના અનામત પ્લોટ ખૂલ્લા કરાવવા માટે રોજ ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવે છે. આજે શહેરના સામા કાંઠા વિસ્તારમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ટીપી સ્કિમ નં.15 (રાજકોટ)ના 18 મીટરના ટીપી રોડ પર ખડકાયેલા 15 રહેણાંક મકાન અને કમ્પાઉન્ડ વોલનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. 3461 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં.4માં ટીપી સ્કિમ નં.15 (રાજકોટ)ના 18 મીટરના ટીપી રોડને ખૂલ્લો કરાવવા માટે આજે રાજલક્ષ્મી ફાટક પાસે બજરંગ પાર્ક વિસ્તારમાં 15 મકાનો અને એક કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી હતી. 3461 ચો.મી. જમીન પર ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.15ને તા.9/9/2004ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. જે અંતર્ગત વોર્ડ નં.4માં બજરંગ પાર્ક વિસ્તારમાં 18 મીટરના ટીપી રોડને ખૂલ્લો કરાવવા માટે ધી ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલોપમેન્ટ એક્ટની કલમ-48(ક) હેઠળ ગત 24 જાન્યુઆરીના રોજ નોટિસ ફટકારવામાં આવી હતી. આસામીઓ દ્વારા બાંધકામ દૂર ન કરાતા ગત 9 ફેબ્રુઆરીના રોજ ફરી તાકીદ કરવામાં આવી હતી. છતાં ટીપીના રોડ પર ખડકાયેલા દબાણો દુર કરવાની તસ્દી ન લેવામાં આવતા આજે 15 મકાનો અને એક કમ્પાઉન્ડ વોલ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.