- ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા માત્ર ઊર્જા સંરક્ષણ માટે રૂ. 9 કરોડથી વધુનો ખર્ચ કરાયો
- આવનારી પેઢીના ભવિષ્યની જરૂરિયાતોને અનુલક્ષીને ઊર્જાનું સંરક્ષણ ખૂબ જરૂરી
- • વીજળીના કાર્યક્ષમ ઉપયોગથી વીજળીની બચત સાથે નાણાનો પણ થશે બચાવ
- • ISI માર્કા અને સ્ટાર રેટિંગવાળા ઉપકરણોનો ઉપયોગ થકી બચાવી શકાય વીજળી
- • ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં રેલીઓ, પરિસંવાદો, શેરી નાટકો, રેડિયો, ટીવી જેવા વિવિધ માધ્યમો દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો યોજાશે
આજે જીવનના દરેક ક્ષેત્રે વીજળીનું અપાર મહત્વ રહેલું છે. સમગ્ર વિશ્વમાં કાર્યરત ફેક્ટરીઓ, મશીનો, ઓટોમોબાઈલ, દવા, સિમેન્ટ જેવા વિવિધ ઉદ્યોગો ચલાવવા માટે ઊર્જા એ સૌથી મહત્વપૂર્ણ માધ્યમ છે. વિશ્વમાં દર વર્ષે વધતી જનસંખ્યા સાથે વિવિધ ઉદ્યોગોનો પણ વિકાસ થઈ રહ્યો છે, જેને ચલાવવા માટે દિન પ્રતિદિન ઊર્જાની માંગ વધી રહી છે. કોલસો, ઇંધણ, ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ જેવા વિવિધ સ્ત્રોત દ્વારા ઊર્જા ઉપલબ્ધ થાય છે, પરંતુ દિન-પ્રતિદિન આ સ્ત્રોતની માંગ વધતા કુદરતી સંસાધનોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આપણી આવનારી પેઢીના ભવિષ્યની જરૂરિયાતોને અનુલક્ષીને ઊર્જાનું સંરક્ષણ કરવું ખૂબ જરૂરી બની રહે છે. જે અંતર્ગત દેશમાં ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા ભારત સરકારના પાવર મંત્રાલય હેઠળની બંધારણીય સંસ્થા બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (બીઇઇ) દ્વારા દર વર્ષે ૧૪મી ડિસેમ્બરના રોજ “રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
વર્ષ 2023-24માં ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેની સંલગ્ન વીજ કંપનીઓ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે લોક જાગૃતિ માટે અંદાજે રૂ. ૫ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં સંલગ્ન વીજ કંપનીઓની ઓફિસ બિલ્ડીંગોમાં ફાઇવ સ્ટાર રેટેડ એર કંડિશનર્સ, પાણીના મોટર પંપ સેટ, BLDC પંખા, LED બલ્બ જેવા વિવિધ ઊર્જા-કાર્યક્ષમ સાધનો લગાવવા તથા અન્ય કામગીરી માટે અંદાજે રૂ. 4 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો. વધુમાં રાજ્ય સરકાર દ્વારા ઊર્જાનું મહત્તમ સંરક્ષણ થાય તે માટે નાણાકીય વર્ષ 2024-25માં અંદાજે રૂ. 24કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.
ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સુચારૂ વહીવટ માટે ગુજરાત વિદ્યુત બોર્ડનું તા.૦૧ એપ્રિલ 2005થી જુદી જુદી સાત કંપનીઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વીજ ઉત્પાદનની કામગીરી માટે “ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ-GSECL”, વીજ પ્રવાહનની કામગીરી માટે “ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ-GETCO”, વીજ વિતરણની કામગીરી માટે “ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ-UGVCL”, “મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ-MGVCL”, “દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ-DGVCL”, “પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ-PGVCL” તથા ઉપરોક્ત છ કંપનીઓની સંકલનની કામગીરી માટે “ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ-GUVNL” ની સ્થાપના કરવામાં આવી હતી.
“રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં ઊર્જા વિભાગ દ્વારા ઊર્જા સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યભરમાં ડિસેમ્બર માસમાં ઊર્જા સંરક્ષણ અને ઊર્જા કાર્યક્ષમતા અંગેની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત નાગરિકોને ઊર્જા-કાર્યક્ષમ ઉપકરણો અને ઊર્જા-બચત પદ્ધતિઓના ઉપયોગ અંગે માહિતગાર કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લા અને તાલુકા સ્તરે રેલીઓ, પરિસંવાદો અને શેરી નાટકોનું આયોજન, ગ્રામસભાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો, એસટી બસો, ઓટો-રિક્ષાઓ, સ્થાનિક ટીવી, કેબલ, રેડિયો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઊર્જા સંરક્ષણની જાહેરાત, શાળાઓ અને કોલેજોમાં ક્વિઝ, ડ્રોઈંગ અને સ્લોગન સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ સાથે જાગૃતિ અભિયાન, રહેણાંક, વાણિજ્યિક અને ઔદ્યોગિક ઝોનમાં પ્રિન્ટેડ સામગ્રીનું વિતરણ, ઉદ્યાનો, બજારો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન અને GIDC જેવા જાહેર વિસ્તારોમાં બેનરો, હોર્ડિંગ્સ અને ફ્લાયર્સ દ્વારા ઊર્જા સંરક્ષણ વિશે નાગરિકોને જાગૃત કરવામાં આવે છે.
વીજળી બચાવવા માટે આપણી ભૂમિકા
રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા સરકારની સાથે નાગરિકોએ પણ પૃથ્વી પરની અમૂલ્ય સંપત્તિ એવી ઊર્જાને બચાવવાના પ્રયાસોમાં સહભાગી થવા કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે. જેમ કે, મકાનમાં આછા રંગની દિવાલો અને ફર્નિચરનો ઉપયોગ કરવો, શક્ય હોય ત્યારે કુદરતી પ્રકાશનો ઉપયોગ કરવો, ઇમારતોની ડિઝાઇન એવી બનાવવી કે દરવાજા અને બારીઓ દ્વારા કુદરતી પ્રકાશ તેમજ હવાનો મહત્તમ ઉપયોગ થાય, સામાન્ય લાઇટિંગને બદલે ચોકકસ જગ્યાએ ટાસ્ક લાઇટિંગનો ઉપયોગ કરવો, ISI માર્કા અને સ્ટાર રેટિંગવાળા ઉપકરણોનો ઉપયોગ, સૌર પેનલ્સ ઇન્સ્ટોલ કરી વીજ ગ્રાહક સાથે વીજ ઉત્પાદક બનવું, ઉપયોગ ન કરતા હોય ત્યારે લાઇટ અને ઉપકરણોને બંધ કરવાની સતત ટેવ રાખવી, પાણીને ગરમ કરવા માટે ઈલેક્ટ્રીક વોટર હીટરના બદલે સોલાર વોટર હીટરનો ઉપયોગ કરવો જોઈએ તથા નાગરિકોમાં પ્રોત્સાહન માટે તમારા દ્વારા કરવામાં આવેલી ઊર્જા બચતની માહિતી કુટુંબીજનો, મિત્રો અને પડોશીઓ સાથે શેર કરવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ડિસેમ્બર માસમાં તમામ વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકોને સક્રિય રીતે જોડવા તેમજ અસરકારક અને સ્માર્ટ વીજળીના વપરાશને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ઊર્જા સંરક્ષણ માટે આ માસ દરમિયાન રેડિયો, સ્થાનિક ટીવી ચેનલ, અખબારો અને સોશિયલ મીડિયામાં જાહેરાતો દ્વારા વિવિધ માહિતી પ્રકાશિત કરવામાં આવી હતી. તે ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ ઔદ્યોગિક સંગઠનો, જાહેર પરિવહનના માધ્યમો, શેરી નાટકો, જાહેર મેળાવડાના વિસ્તારો અને મુખ્ય બજારો જેવા મુખ્ય સ્થળોએ હોર્ડિંગ્સ અને બેનર્સ તેમજ વૃક્ષારોપણ જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી નાગરિકોને જાગૃત કરવામાં આવ્યા હતા, તેમ ઊર્જા વિભાગની યાદીમાં જણાવ્યું છે.