જિલ્લા ગાર્ડનમાં રૂ.૨.૫૬ કરોડના ખર્ચે બની રહ્યું છે બાબા સાહેબ આંબેડકર સ્મારક-લાઈબ્રેરી: ટુંક સમયમાં ચિત્રીકરણનું કામ શરૂ કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં.૧૪માં જિલ્લા ગાર્ડન ખાતે બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરજીનું સ્મારક અને લાઈબ્રેરી બનાવવામાં આવી રહી છે. આ પ્રોજેકટ હાલ અંતિમ તબકકામાં ચાલી રહ્યો છે ત્યારે આગામી ૧૪મી એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતીના દિવસે આ સ્મારક તથા લાઈબ્રેરીનું લોકાર્પણ કરી દેવામાં આવે તેવી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, જિલ્લા ગાર્ડન ખાતે રૂ.૨.૫૬ કરોડના ખર્ચે બાબા સાહેબ આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીનું કામ ચાલી રહ્યું છે.બાંધકામ અને ગેઈટનું કામ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે. દરમિયાન નાગપુર ખાતે બાબા સાહેબનું એક વિશ્ર્વ વિખ્યાત સ્મારક આવેલું છે. જેના અભ્યાસ માટે તાજેતરમાં ઈન્ચાર્જ આસીસ્ટન્ટ કમિશનર હર્ષદ પટેલને નાગપુર મોકલવામાં આવ્યા હતા. તેઓની સાથે આગામી દિવસોમાં એક બેઠક યોજયા બાદ આ સ્મારકમાં બાબા સાહેબના જીવન-કવનને દર્શાવતું ચિત્રીકરણ, સુત્રો અને શબ્દોનું કામ શરૂ કરવામાં આવશે. આગામી ૧૪મી એપ્રિલના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી આવી રહી છે ત્યારે જિલ્લા ગાર્ડન ખાતે બની રહેલા બાબા સાહેબ આંબેડકર સ્મારક અને લાઈબ્રેરીનું લોકાર્પણ કરી દેવામાં આવે તે દિશામાં તૈયારીઓ ચાલી રહી છે.