હાઉસીંગ બોર્ડની સૌથી વધુ 1013 મિલકત: ખાનગી માલિકીના 151 મકાનો પણ જોખમી
જૂનાગઢમાં ગઇકાલે એક જર્જરીત બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણે ચાર નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ ઘટના બાદ હવે તંત્રની આંખ ખૂલ્લે તો સારૂં અન્યથા ભવિષ્યમાં પણ હૃદ્યને હચમચાવી દેતી આવી ઘટનાઓ ચાલુ જ રહેશે. રાજકોટ શહેરમાં પણ 1489 જર્જરીત મિલકતો જીવતા બોમ્બ સમાન છે. દર વર્ષે કોર્પોરેશન દ્વારા આવી બિલ્ડીંગોને નોટિસ ફટકારવામાં આવે છે. પરંતુ ત્યારબાદ કોઇ સચોટ કામગીરી કરવામાં આવતી નથી. જો હવે તંત્ર દ્વારા કોઇ સચોટ કામગીરી નહિં કરાય તો જૂનાગઢ જેવી ઘટના રાજકોટમાં પણ બનશે.
આજે આ અંગે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન જણાવ્યું હતું કે ચોમાસાની સિઝન પહેલા કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સર્વે કરીને જર્જરીત અને જોખમી બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવે છે. ચાલુ સાલ 1489 બિલ્ડીંગોને નોટિસ આપવામાં આવી છે. જે પૈકી સૌથી વધુ બિલ્ડીગ ગુજરાત હાઉસીંગ બોર્ડના છે. જ્યારે ખાનગી માલિકીની પણ 151 મિલકતો હાલ જર્જરીત અવસ્થામાં છે.
કોર્પોરેશનની માલિકીની જે મિલકતો જર્જરીત હતી. તેનું રિનોવેશન કરી સલામત સ્ટેજે લઇ જવામાં આવી છે. ગુજરાત હાઉસીંગ બોર્ડના અધિકારીઓ સાથે તાજેતરમાં બેઠક યોજવામાં આવી હતી અને તેઓને ત્યાં સુધી તૈયારી દેખાડવામાં આવી છે કે જો હાઉસીંગ બોર્ડ હસ્તકની જર્જરીત મિલકતો જો હટાવવા માટે કામગીરી કરવી હશે તો કોર્પોરેશન તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે. પોલીસ બંદોબસ્તની જરૂર પડશે તો પણ તેની વ્યવસ્થા તંત્ર દ્વારા કરી આપવામાં આવશે. આગામી દિવસોમાં જો જર્જરીત બિલ્ડીંગો દૂર કરવા માટે હાઉસીંગ બોર્ડ કે ખાનગી માલિકો કોઇ કામગીરી નહિં કરે તો કોર્પોરેશન દ્વારા આવી બિલ્ડીંગોને તોડી પાડવામાં આવશે. કારણ કે દર વખતે નોટિસ આપવાથી કશું થતું નથી હવે કોઇ સચોટ કામગીરી કરવાની જરૂરીયાત છે.