રોટરી કલબ-સાઈકલ કલબનું બેનમુન આયોજન; મ્યૂનિસીપલ કમિશનર, ડે. મ્યુ. કમિશનર, મનપાના પદાધિકારીઓએ પણ સાઈકલ ચલાવી

મુખ્ય સ્પોન્સર બાન લેબ્સ દ્વારા પ્રતિ કિ.મી. દીઠ રૂ. 1.50 લેખે કુલ 5,50,627 રૂપિયાની દવા જરૂરતમંદોને અપાશે

રાજકોટ સહિત સમગ્ર દેશમાં વધી રહેલા પ્રદૂષણને કાબૂમાં લેવા અને લોકોને ફેટમાંથી ફિટ બનાવવાના ઉમદા આશય સાથે રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉન અને સાઈકલ ક્લબ-રાજકોટ દ્વારા સતત પાંચમાં વર્ષે આયોજિત કરાયેલી સાઈકલોફનને દેશ જ નહીં બલ્કે વિદેશમાંથી પણ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ વર્ષે વર્ચ્યુઅલી મતલબ કે એક સ્થળે એકઠા થવાની જગ્યાએ સાઈકલવીરોને પોતપોતાના વિસ્તારમાં સાઈકલ ચલાવીને તેનો સ્ક્રીનશોટ અપલોડ કરવા સહિતના કાબિલેદાદ આયોજનમાં 15 દેશ, 29 રાજ્ય, 4 કેન્દ્ર શાસિત પ્રદેશ અને 493 શહેરોના 14723 સાઈકલવીરોએ 3,67,085 કિલોમીટર સાઈકલ ચલાવીને કાર્યક્રમને સુપરડુપર હિટ કરાવ્યો હતો. ખાસ કરીને સાઈકલવીર જેટલા કિલોમીટર સાઈકલ ચલાવે એટલા કિલોમીટરના રૂા.1.50લેખે જરૂરિયાતમંદોને દવા આપવાની નેમ રખાઈ હોય હવે રૂા.5,50,627 જેવી માતબર રકમની દવા વિનામૂલ્યે આપવામાં આવશે.

આ સાઈકલોફનની ખાસિયત એ રહી કે એક પણ જગ્યાએ લોકોને એકઠા થવા દેવાયા નહોતા. નાના-નાના બાળકોએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ પાંચ કિલોમીટર સુધી સાઈકલ ચલાવી હતી.

” વર્ચ્યુઅલ” સાઈકલોફન હોવાને કારણે શહેરની અનેક નાની-મોટી શેરી-ગલીઓમાં સાઈકલવીરોએ સાઇકલ ચલાવી હોય રાજકોટ રીતસરનું “સાઈકલમય” બની ગયેલું દેખાતું હતું.

બીજી બાજુ લાંબા અંતર સુધી સાઈકલ દોડાવવાની કેટેગરીમાં ભાગ લેનારા સાઈકલવીરો માટે જામનગર રોડ ઉપર ડી.જે.ઓન વ્હીલ્સનું આયોજન કરવામાં આવ્યું હોય તેઓ જેવા ત્યાં પોઈન્ટ પણ પહોંચ્યા કે ડી.જે.ના તાલે ઝુમી ઉઠ્યા હતા અને પછી ફરી સાઈકલ રાઈડ શરૂ કરી દીધી હતી.

આ ઈવેન્ટમાં મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે નાદૂરસ્ત તબિયત હોવા છતાં 62 કિલોમીટર સુધી સાઈકલ ચલાવી હતી તો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી સહિતના અધિકારીઓએ 100 કિલોમીટર સાઈકલ રાઈડ કરી હતી. આ પહેલાં પ્રિ-વર્ચ્યુઅલ સાઈકલોફનનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કોરોનાને કારણે વધુ સંખ્યામાં લોકો એકઠા ન થાય તેના ભાગરૂપે મર્યાદિત લોકો એકઠા થયા હતા. પ્રિ-સાઈકલોફનમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર ડો.દર્શિતાબેન શાહ ઉપરાંત અનિમેષભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો કિસાનપરા ચોક ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને રેસકોર્સ ફરતે સાઈકલ ચલાવી સાઈકલોફનમાં ભાગ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આયોજકો દ્વારા વિશ્ર્વની સૌથી મોટી વર્ચ્યુઅલ સાઈકલોફનતરીકેનો દરજ્જો આપવા માટે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં દાવો કરવામાં આવ્યો છે જેનો નિર્ણય સંભવત: એકાદ સપ્તાહમાં આવી જશે.

આ ઈવેન્ટ ને આ મુકામ સુધી પહોંચાડવા માટે રોટરી કલબ ઓફ રાજકોટ મિડટાઉન તેમજ રાજકોટ સાયકલ ક્લબના મેમ્બર્સ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. અને તેમના દ્વારા સર્વે સાયકલિસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.