સતત બીજા વર્ષે નેટ એનપીએ ઝીરો: પંચાવન હજાર નવા ખાતેદારોને જોડી પ્રોત્સાહક પ્રગતિ કરી
વૈશ્વિક મંદીના માહોલમાં, રાજકોટ નાગરિક સહકારી બેંકે નાણાકીય વર્ષ 2022-23ના નિણાર્યક પરિણામો રજુ ર્ક્યા છે. બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકર તથા વાઇસ ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણી જણાવે છે કે, ‘31 માર્ચ 2023ના અંતિત વર્ષ માટે બેંકે નફો રૂા. 145.94 કરોડ નોંધાવેલ છે. જ્યારે થાપણો રૂા. 5,783 કરોડ, ધિરાણ રૂા. 3,359 કરોડ, બિઝનેશ રૂા. 9,142 કરોડ રહ્યો છે. બેંકે સતત બીજા વર્ષે ઝીરો નેટ એનપીએની સિદ્ધી જાળવી રાખી છે. વિશેષમાં આઝાદીના અમૃત મહોત્સવના અવસરે 51 હજાર નવા ખાતેદારોને બેંક સાથે જોડી ફરીથી ‘નાના માણસોની મોટી બેંક’ એવી રાજકોટ નાગરિક સહકારી બેંકે બૃહદ સમાજનો વિશ્ર્વાસ દૃઢ કર્યો છે.’
સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ મલ્ટીસ્ટેટ શેડ્યુલ્ડ બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. મહારાષ્ટ્રમાં 4 શાખા સહિત કુલ 38 શાખાઓ, બે એક્ષટેન્શન કાઉન્ટર, બે ઓફસાઇટ એટીએમનું વિશાળ નેટવર્ક ધરાવે છે. 3 લાખથી વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવતી બેંકે છેલ્લા 10 વર્ષથી સભાસદોને રૂા. 1 લાખના વીમાનું કવચ આપેલું છે. આવી જ રીતે ગ્રાહક સુવિધાની વાત કરીએ તો, બેંકની મોબાઇલ બેકિંગ સુવિધા દ્વારા ઓનલાઇન વ્યવહારો કરી શકાય છે અને કેશબેક/રિવોડર્સ પોઇન્ટનો લાભ પણ મળે છે. બેંકનું પ્લેટીનમ એટીએમ કાર્ડ ખાતેદારોમાં લોકપ્રિય બન્યું છે અને તે થકી દેશભરનાં એટીએમ-પીઓએસમાં અને ઓનલાઇન, ઇકોમ વ્યવહાર કરી શકાય છે. બેંકની મોબાઇલ એપ દ્વારા ઘેર બેઠાં જ એનઇએફટી અને આરટીજીએસ કરી શકાય છે.
બીબીપીએસથી યુટીલીટી બિલ પેમેન્ટ અને યુપીઆઇનો લાભ સંખ્યાબંધ ખાતેદારો લઇ રહ્યા છે. વિવિધ શાખાઓમાં એટીએમ-સીડીએમ (કેશ ડિપોઝીટ કમ એટીએમ) કાર્યરત છે અર્થાત 24 કલાક 365 દિવસ રોકડ જમા કે ઉપાડ કરી શકાય છે. આ ઉપરાંત આઇપીઓ માટે આસ્બા સુવિધાનો મહત્તમ ખાતેદારો સફળતાથી ઉપયોગ કરી રહ્યા છે. ફક્ત વ્યાવસાયિક ધોરણે જ નહિ પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વમાં બેંકની કામગીરી હંમેશા મોખરે રહી છે.
બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ શર્મા શ્રેષ્ઠ પરિણામોનો યશ બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ સમિતિનાં સભ્યો, ડેલીગેટ, વિશાળ ગ્રાહક વર્ગ, સભાસદ પરિવારજનો અને કર્મઠ કર્મચારીગણને આપતાં સમગ્ર નાગરિક પરિવારનો હ્રદયપૂર્વક આભાર માને છે.