શરાબ અને કાર મળી રૂ. 1.62 લાખનો મુદામાલ કબ્જે: એક ઝડપાયો એકની શોધખોળ
શહેરમાં બૂટલેગરો શરાબ ઘુસાડવાની પેરવી કરતા હોય છે પરંતુ પોલીસની બાજ નજરથી બચવુ મુશ્કેલ છે. ત્યારે બામણબોર ચેક પોષ્ટ પરથી કારમાં વિદેશી દારૂની 144 બોટલ સાથે એક શખ્સને એરપોર્ટ પોલીસે ઝડપી રૂ.1.62 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે અન્ય શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ બામણબોર ચેક પોષ્ટ પર એરપોર્ટ પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકીંગ કરી રહ્યો હતો દરમિયાન જી.જે.06 બી.એલ.5409 નંબરની સેન્ટ્રોકાર શંકાસ્પદ હાલતમાં જણાતા તેને રોકી કારની તલાશી લેતા તેમાંથી વિદેશક્ષ દારૂની 144 બોટલ મળી આવી હતી.
પોલીસે વિદેશી દારૂ, કાર અને એક મોબાઈલ મળી કુલ રૂ.1.62 લાખનો મુદામાલ સાથે ભગવતીપરામાં રહેતો મહમદહનીફ ઉર્ફે હનફો હબીબભાઈ શેખ નામના બૂટલેગરને પી.આઈ.વી.આર.રાઠોડ પી.એસ.આઈ. એચ.આર. હેરભા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઈ પાલરીયા, કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચુડાસમા અને યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લઈ તેની દારૂ અંગે પૂછપરછ કરતા તેની સામે સિકંદર ઉર્ફે સીકકો મહેબુબભાઈ મીર સંડોવાયો હોવાની કબુલાત આપતા તેની શોધખોળ હાથ ધરી છે.