બાળકોને પોલિયો વિરોધી રસી આપી બાળકોને રક્ષિત કરવાની રસીકરણની 81.51% કામગીરી પૂર્ણ
સમગ્ર ભારતમાં અમલી “પોલિયો રસીકરણ ઝુંબેશ” અન્વયે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તા.28 થી 30 મે સુધી ત્રિ-દિવસીય “ખાસ પોલિયો રસીકરણ” અભિયાન હાથ ધરવામાં આવેલ છે,જેના ભાગરૂપે નજીકનાં વિસ્તારમાં ઉભા કરાયેલા રસીકરણ કેન્દ્રો ઉપર બાળકોને પોલીયો વિરોધી રસીનાં બે ટીપા અવશ્ય પીવડાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડએ જાહેરજનતાને અનુરોધ કર્યો હતો.
રાજકોટ જિલ્લાની વિગતો આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.નિલેશ રાઠોડએ જણાવ્યું હતું કે, પેટા રાષ્ટ્રીય રસીકરણ દિવસ-2023” અન્વયે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં પડધરી તાલુકાનાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા સરપદડ ખાતે બાળકને પોલીયોના બે ટીપા પીવડાવી બુથની શરૂઆત કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 0 થી 5 વર્ષના બાળકોને 928 બુથ ઉપર અને જાહેર સ્થળો ઉપર 1701 ટીમ અને 3375 આરોગ્યકર્મીઓ દ્વારા પોલીયો બુથ ઉપર કુલ 1,76,413 બાળકોને પોલીયોની રસીના બે ટીપા પીવડાવવામાં આવશે.
રાજકોટ રી-પ્રોડક્ટીવ ચાઈલ્ડ હેલ્થ ઓફિસર ડો.એમ.એસ.અલીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં રસીકરણનાં 1,76,413 બાળકોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં કુલ 1,43,793 બાળકોને પોલિયો વિરોધી રસી આપી બાળકોને રક્ષિત કરવાની રસીકરણની 81.51% કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ મુલાકાત લઈને બાકી રહેલા બાળકોને તા.30/05/2023 સુધીમાં પોલીયો રસી આપવાનું આયોજ કરાયું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર, વાડી વિસ્તાર વગેરેમાં રસીકરણ માટે ફીમેલ હેલ્થ વર્કર, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, મેડિકલ ઓફિસર અને આશાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર કાર્યક્રમનું સુપરવિઝન અને મોનીટરીંગ તાલુકા આરોગ્ય અધિકારી, પી.એચ.સી. મેડિકલ, એમ.પી.એચ.એસ., એફ.એચ.એસ. અને જિલ્લાની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.