જાહેર ક્ષેત્રની ૨૧ બેન્કોમાં આશરે ૧,૪૬૩ જેટલી કંપનીઓની રૂ.૧૦૦ કરોડ કે તેથી વધુની બેડ લોન હોવાનું નાણામંત્રાલયના આંકડામાં દર્શાવાયું છે.

એકલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં જ રૂ.૧૦૦ કરોડ કે તેથી વધુની બેડ લોન ધરાવતાં ૨૬૫ એકાઉન્ટ છે, જેની કુલ રકમ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના અંતે રૂ.૭૭,૫૩૮ કરોડ જેટલી નોંધાઈ હતી.

સરકારી બેન્કો પૈકીની પંજાબ નેશનલ બેન્કમાં રૂ.૧૦૦ કરોડથી વધુના ૧૪૩ નોન પર્ફોર્મિંગ એકાઉન્ટ્સ નોંધાયાં હતાં, જેની કુલ રકમ રૂ.૪૫,૯૭૩ કરોડ જેટલી થાય છે.

ત્યાર પછીના ક્રમે રૂ.૧૦૦ કરોડ કે તેથી વધુનાં એનપીએ એકાઉન્ટ્સ ધરાવતી સરકારી બેન્કોની યાદીમાં કેનેરા બેન્કનો સમાવેશ થાય છે.

નાની સરકારી બેન્કોમાં યુનિયન બેન્કમાં આવાં ૭૯ એનપીએ એકાઉન્ટ્સ, ઓરિએન્ટલ બેન્કમાં ૬૮ તથા યુકો બેન્કમાં ૬૨ એનપીએ એકાઉન્ટ્સ હોવાનું નાણામંત્રાલયના આંકડામાં દર્શાવાયું છે.ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના અંતે સરકારી માલિકીની બેન્કોની કુલ નોન પર્ફોર્મિંગ એસેટ રૂ.૭.૩૪ લાખ કરોડ રહેવા પામી હતી.

રિઝર્વ બેન્કે બેન્કિંગ સિસ્ટમની કુલ એનપીએમાં આશરે ૨૫ ટકાથી વધુ હિસ્સો ધરાવતા અથવા રૂ.૨.૫ લાખ કરોડની એનપીએ ધરાવતાં ૧૨ મોટાં નિષ્ક્રિય એકાઉન્ટના ઉકેલ માટે એનસીએલટીને સોંપવા બેન્કોને જણાવ્યું હતું. આ પૈકીના ૧૧ એકાઉન્ટ હાલમાં એનસીએલટીમાં સોંપાઈ ગયાં છે.

ત્યાર બાદ ઓગસ્ટમાં મધ્યસ્થ બેન્કે બેન્કોને વધુ ૨૮ મોટાં એકાઉન્ટ્સની યાદી સોંપી તેમને તેનો ૧૩ ડિસેમ્બર સુધીમાં ઉકેલ લાવવા જણાવ્યું હતું. આમ કરવામાં નિષ્ફળ જવાના કેસમાં બેન્કોએ આ એકાઉન્ટ્સને ૩૧ ડિસેમ્બર સુધીમાં એનસીએલટીને સોંપવાનાં હતાં. આ એકાઉન્ટ્સ બેન્કિંગ સિસ્ટમની કુલ બેડ લોનમાં ૧૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. આ પૈકીના ૨૫ એકાઉન્ટ્સને એનસીએલટીને સોંપી દેવાયાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.