ઓલ ગુજરાત લેવલ પર સુરતનો વિદ્યાર્થી મહિત ગઢીવાલા 99.99 પર્સેન્ટાઇલ સાથે ટોપર બન્યો
તેલંગાણા અને આંધ્રપ્રદેશના વિદ્યાર્થીઓએ સંયુક્ત પ્રવેશ પરીક્ષા મુખ્યમાં અસાધારણ રીતે સારો દેખાવ કર્યો છે, જેમાં કુલ 14 ઉમેદવારોમાંથી સાત વિદ્યાર્થીઓએ દેશમાંથી 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ગયા વર્ષે પણ તેલુગુ રાજ્યોમાંથી સાત વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઈલ માર્ક્સ મેળવ્યા હતા.આ વર્ષે સાત ઉમેદવારોમાંથી ચાર – જસ્તી યશવંત વીવીએસ, અનિકેત ચટ્ટોપાધ્યાય, ધીરજ કુરુકુંડા, રૂપેશ બિયાની – તેલંગાણાના છે અને ત્રણ – સુહાસ, પી રવિ કિશોર, પોલિસેટ્ટી કાર્તિકેય – એપીના છે.એનટીએ દ્વારા દેશની અગ્રણી એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની જેઈઈ મેઇન્સ-2022ના પરિણામની સોમવારે જાહેરાત કરાઈ છે, જેમાં ઓલ ગુજરાત લેવલ પર સુરતનો વિદ્યાર્થી મહિત ગઢીવાલા 99.9984528 પર્સેન્ટાઇલ સાથે ટોપર બન્યો છે. જ્યારે શર્વિલ પટેલ 99.9984375 પર્સન્ટાઇલ સાથે અમદાવાદનો ટોપર બન્યો હતો. અમદાવાદમાંથી આશરે 130થી વધુ વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 99 કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે.જેઈઈ-મેઇન્સ એનટીએ તરફથી જૂનના અંતિમ સપ્તાહમાં આયોજિત કરવામાં આવી હતી. આ પરીક્ષા કુલ 13 ભાષામાં યોજવામાં આવી હતી, જેમાં દેશભરમાંથી 8,72,432 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 7.59 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ગુજરાતમાંથી આશરે 45 હજારથી વધુ વિદ્યાર્થીઓએ જ્યારે અમદાવાદમાંથી 7 હજાર વિદ્યાર્થીએ જેઈઈ મેઇન એક્ઝામ આપી હતી.