પ્રસંગ દરમિયાન આગ લાગતા અરેરાટી: 10થી વધુ લોકોને સારવાર માટે ખસેડાયા
ઝારખંડના ધનબાદમાં જોડા ફાટક સ્થિત આશીર્વાદ ટાવર એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગવાના કારણે અહીં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ધનબાદના ડેપ્યુટી કમિશનર સંદીપ સિંહે જણાવ્યું કે, હોસ્પિટલના તંત્ર દ્વારા કહેવાયુ છે કે અત્યાર સુધીમાં કુલ 14 લોકોનાં કરુણ મોત નીપજ્યા છે. જેમાં 10 મહિલાઓ અને ત્રણ બાળકો તથા એક પુરુષનો સમાવેશ થાય છે. જો કે, એસએસપીના નેતૃત્વમાં પોલીસ દ્વારા એપાર્ટમેન્ટમાં ચેકિંગ કરવામાં આલી રહ્યું છે.
જેથી કરીને કોઈ અંદર ફસાયેલું હોય તો તેને બહાર કાઢી શકાય. તેઓએ જણાવ્યું કે, ઘટના સંબંધિત અલગ અલગ વાતો સામે આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીં કોઈના ઘરમાં લગ્ન પ્રસંગ હતો અને એના કારણે મહિલાઓની સંખ્યા ખૂબ જ હતી. જો એપાર્ટમેન્ટમાં બિલ્ડર દ્વારા સુરક્ષાના માપદંડને લઈને કોઈ જોગવાઈ કરી નહીં તો પોલીસ એની વિરુદ્ધમાં કાર્યવાહી કરશે. લોકોને મદદ કરવા માટે દરેક પ્રકારની સંભવ મદદ કરવામાં આવી રહી છે.
ધનબાદના એસએસપી સંજીવ કુમારે જણાવ્યું કે, આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી અને એ મામલે હાલ તપાસ ચાલી રહી છે. રાહત અને બચાવ કાર્ય પણ કરવામાં આવ્યું હતું. ગંભીર રીતે ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાંક લોકોને સામાન્ય ઈજાઓ પણ પહોંચી છે. તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી. એસએસપીએ જણાવ્યું કે, એપાર્ટમેન્ટના બે ફ્લોરના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા. કેટલાંક લોકો અફરા તફરીના કારણે ઈજાગ્રસ્ત થયા હતા.ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાઆ આગની ઘટના ધનબાદ શહેરના શક્તિ મંદિર પાસે આવેલી બહુમાળી બિલ્ડિંગમાં બની હતી.
મંગળવારની સાંજે આશીર્વાદ ટાવરમાં ભીષણ આગ લાગી હતી. લાંબા સમય સુધી ઉપરના માળે ફસાયેલી મહિલાઓ, બાળકો અને વડીલો બૂમાબૂમ કરતા હોવાનો અવાજ સંભળાતો રહ્યો હતો. બાદમાં તંત્ર અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની અનેક ગાડીઓ સિવાય એપાર્ટમેન્ટ પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી હતી. એ પછી ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.ધનબાદમાં તાજેતરમાં જ હાજરા ક્લિનિકમાં આગ લાગવાથી ડોક્ટર દંપતી સહિત પાંચ લોકોનાં મોત થયા હતા. આ લોકોના મોત શ્વાસ રુંધાવાના કારણે થયા હતા. ત્યારે ફરી વાર ધનબાદ વિસ્તારમાં આગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે.