જી.જી.હોસ્પિટલમાં ખાસ કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોના પોઝીટીવ ૩૨ પૈકી ૩ દર્દીને રજા આપવામાં આવી હતી. જયારે મોડીસાંજે પટેલકોલોની શેરી નં.૧૦ માં રહેતા અને અમદાવાદથી આવેલા પરંતુ શહેરમાં ન પ્રવેશેલા અને સમરસ હોસ્ટેલમાં ક્વોરેન્ટાઇન થયેલા વૃધ્ધના પુત્ર કે જેઓ પણ ત્યાં ક્વોરેન્ટાઇન હતાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. બીજી બાજુ બુધવારના પેન્ડીંગ જામનગર, દ્વારકાના ૬૨ રિપોર્ટ નેગેટીવ આવ્યા હતાં તો ગુરૂવારના શહેરના ૬૫ ના રિપોર્ટ બાકી છે.
જામનગર જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડી શહેરની વધુ ૧૬ હોટલને ક્વોરેન્ટાઇન સેન્ટર જાહેર કરી છે. જેમાં હોટલ પુનિત, રીજન્સી, ન્યુ ચેતના, આરામ, કલાતીત, ફોલીએજ, વિશાલ ઇન્ટરનેશનલ, ફોરચ્યુન પેલેસ, રૂદ્વાક્ષ, રોયલ સ્ટે, કેશવારાસ, જશ પેલેસ, અનયા બિકન, સ્વસ્તિ ૩બી, સ્વાતિ ઇન, વ્રજ ઇનનો સમાવેશ થાય છે.
જામનગરમાં ઠેબા ચોકડી પાસે સમરસ હોસ્ટેલના બે બિલ્ડિંગમાં ક્વોરેન્ટાઈન સેન્ટર ઉભા કરાયા છે જેમાં બુધવારે ત્રણ આરોગ્ય કર્મીઓ કોરોના સંક્રમિત બનતા મનપા દ્વારા સમરસ હોસ્ટેલમાં સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. સૌપ્રથમ લેડીઝ હોસ્ટેલને અને ત્યારબાદ બોયસ હોસ્ટેલને સેનેટાઈઝ કરાયા હતા.