હોસ્પિટલમાં ગેરકાયદેસર અંગ પ્રત્યાર્પણ સહિતની રામ રહિમની હિન પ્રવૃત્તિ

બે સાધ્વીઓ સાથે દુષ્કર્મના કેસમાં ૨૦ વર્ષની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમની પાપલીલા ધીમે ધીમે પ્રકાશમાં આવી રહી છે. ગઈકાલે ડેરા સચ્ચા સોદાના ‘ડેરા’માં તંત્રએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં બે ઓરડા ભરી જૂની નોટો, પ્લાસ્ટીક મની, કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક અને એક લકઝરી કાર સહિત અનેક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. બીજી તરફ ડેરામાં થયેલા કથીત ખુની ખેલનું ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. ડેરામાંથી ડેથ સર્ટીફિકેટ વગર ઉત્તરપ્રદેશની મેડિકલ કોલેજને ૧૪ મૃતદેહ દાનમાં અપાયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મૃતદેહ કોના હતા તે ગંભીર પ્રશ્ર્ન છે.

સીરસામાં ડેરાના હેડ કવાર્ટરથી જીસીઆરજી ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ નામની ખાનગી મેડિકલ કોલેજમાં કોઈપણ મંજૂરી કે, ડેથ સર્ટીફિકેટ વિના અપાયેલા ૧૪ મૃતદેહ (કેડેવર) રામ રહીમના અનેક રાજ ઉપરથી પડદો ઉંચકશે. અહીં ઉલ્લેખનીય છે કે, મેડિકલ કોલેજમાં દાન આપેલા મૃતદેહ માટે ડેથ સર્ટીફિકેટ ફરજિયાત હોય છે. ઉપરાંત વાલીની મંજૂરી પણ જરૂરી બને છે. સીરસામાં આચરવામાં આવેલા અનેક કૌભાંડો અંગે કોર્ટે તપાસના આદેશ આપ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે જીસીઆરજી ઈન્સ્ટિટયુટમાં અપાયેલા મૃતદેહો મામલે કમીટી પણ ઘડી છે.

ડેથ સર્ટીફિકેટ વગર મૃતદેહો આપવાની ઘટના ખુબજ ગંભીર છે. આ મૃતદેહ કોના હતા ?, મૃત્યુ કેવી રીતે થયા ?, કોની મંજૂરીથી કોલેજને અપાયા તે અંગે તપાસ કરવી ખૂબજ જરૂરી બની જાય છે. આ મૃતદેહો પાછળ અંગોની તસ્કરીનું ષડયંત્ર પણ હોવાની શંકા છે. સીરસાના હેડ કવાર્ટરમાં ગેરકાયદે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થતું હોવાના આક્ષેપ પણ થયા છે. ડેરાની હોસ્પિટલ ૧.૨૫ લાખ સ્કવેર ફૂટમાં ફેલાઈ છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સહિતની કામગીરી થાય છે. આ કામગીરી ગેરકાયદે થતી હોવાની શંકા છે.

ટ્રાન્સપ્લાન્ટો હ્યુમન ઓર્ગન એકટ હેઠળ તમામ મેડિકલ ઈન્સ્ટિટયુટ અને હોસ્પિટલોએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને આઈ બેંક માટે નેશનલ ઓર્ગન એન્ડ ઈસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન અથવા રિઝનલ ઓર્ગન એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન હેઠળ પરવાનો મેળવવો જરૂરી છે. સીરસાની શાહ સતનામની હોસ્પિટલમાં ૪૦૦ બેડની સુવિધા તો છે પરંતુ ટ્રાન્સપ્લાન્ટ માટે બેમાંથી એકેય સંસ્થાઓનો પરવાનો નથી.

ડેથ સર્ટીફિકેટ વગર અપાયેલા મૃતદેહોમાંથી અંગો કાઢી લેવાયા છે કે કેમ, આ તમામ મૃતદેહોનું મૃત્યુ અંગોની તસ્કરી માટે થયું છે તે જાણવું અને તપાસવું આવશ્યક છે. તંત્ર હાલ આ અંગે પગલા લઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.