- સીટી પોલીસ અહેસાસ ટ્રસ્ટના ઉપક્રમે
- પ્રથમ દિવસે આરડીએસએ-રેલ્વે, માસ્ટર એફસી રાજકોટ, ડીડી એફસી ભરૂચ અને કીક જેક બરોડાનો ભવ્ય વિજય
રાજકોટ સીટી પોલીસ અને એહસાસ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનના સહયોગથી રાજકોટની પ્રતિષ્ઠિત કંપની જ્યોતિ સી.એન.સી.ના અનુદાનથી 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ડે એન્ડ નાઈટ ટુર્નામેન્ટનું તા.06 થી 12 જાન્યુઆરી-2025 દરમિયાન રેસકોર્ષ રીંગ રોડ સ્થિત આર.એમ.સી. ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ફૂટબોલ ટુર્નામેન્ટનું ધમાકેદાર ઉદ્ઘાટન રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા સાહેબ દ્વારા ફૂટબોલને કીક મારી તેમજ બલુન રિલિઝીંગ સેરેમની દ્વારા મહાનુભાવોની ઉપસ્થિતીમાં સોમવારની સાંજે કરવામાં આવ્યું હતું.
આ ભવ્ય ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ઉપરાંત એડી. કમિશ્નર ઓફ પુલીસ મહેન્દ્ર બગરીયા, ક્રાઇમ બ્રાંચના ડીસીપી ડો.પાર્થરાજ ગોહીલ જ્યોતિ સી.એન.સી.ના વિક્રમસિંહ રાણા, રવિ ટેકનોફોર્જના અમુભાઈ ભારદિયા, વિક્રમ વાલ્વસના વિક્રમભાઈ જૈન, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.ના રાજદીપસિંહ જાડેજા અને એ.સી.પી. ટ્રાફીક જે.બી.ગઢવી સહીત અહેસાસ ટ્રસ્ટ અને રાજકોટ ફૂટબોલ એસોસીએશનના હોદ્ેદારો સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. મહેમાનોએ ફૂટબોલને કીક મારી તેમજ બલુન રિલિઝ કરી આ ટુર્નામેન્ટનું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું. મહેમાનોએ મેચના ખેલાડીઓ સાથે હાથ મીલાવી તેમને મુબારકબાદ આપી હતી. તેમજ આ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી આયોજકો અને વિવિધ ટીમના ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે આરડીએસએ-રેલ્વે અને ઝાલાવાડ એફસી-સુરેન્દ્રનગર વચ્ચે યોજાયેલ મેચમાં આરડીએસએ-રેલ્વે 2-1 થી જીત મેળવી હતી. જ્યારે બીજી મેચ માસ્ટર એફસી રાજકોટ અને ભાવનગર એફસી વચ્ચે યોજાઇ હતી. જેમાં માસ્ટર એફસી રાજકોટ 3-1 ની સરસાઇથી જીત મેળવી હતી. તેમજ ત્રીજી મેચમાં એજી ઓફીસ રાજકોટ અને ડીડી એફસી ભરૂચ વચ્ચે 4-4 ગોલની બરાબરીનો ફેંસલો કરવા પેનલ્ટી શાઉટ આઉટને આધારે ડીડી એફસી ભરૂચ 8-7 થી મેચમાં તેમનો વિજય નિશ્ર્ચિત કર્યો હતો. ચોથી મેચ રાજકોટ પોલિસ અને કીક જેક બરોડાની ટીમ વચ્ચે હતો. જેમાં 1-0 થી કીક જેકનો વિજય થયો હતો. આ ટુર્નામેન્ટમાં ફાઇનલ સહિતના કુલ 23 મુકાબલાઓ યોજાશે. જેમાં ગુજરાતની 24 ટીમો ટ્રોફી જીતવા હરિફાઇ કરી રહી છે. આયોજકો દ્વારા ફુટબોલમાં રસ ધરાવતા પ્રેક્ષકો અને રાજકોટના શહેરીજનોને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા અને આ રોમાંચક મુકાબલાઓને માણવા આમંત્રણ પાઠવવામાં આવે છે.
ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ ટીમ મેદાને
અબતક સાથે ની વાતચીત માં નિશ્ચલ સંઘવી એ જણાવ્યું હતુ કે,સતત 13 વર્ષથી આ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજન કરવામાં આવે છે. કમિશનર બ્રજેશ કુમાર જા ના હસ્તે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પોલીસ બેન્ડ તેમજ બલુન રેલીઝીંગ સેરેમની સાથે ફૂટબોલ ટુર્નામેન્ટ નો શુભારંભ કરવામાં આવ્યો હતો,ત્યારે ફૂટબોલ ટુર્નામેન્ટ નો પ્રારંભ થઈ ચૂક્યો છે ગુજરાતની વિવિધ ટીમ ટુર્નામેન્ટમાં જોડાઈ છે ટુર્નામેન્ટ નું આયોજન રાજકોટ સીટી પોલીસ અને જ્યોતિ સીએનસી સંકલન થકી કરવામાં આવી રહ્યું છે તેમજ સાથે અહેસાસ ટ્રસ્ટનો પણ સહકાર મળી રહ્યો છે. દરેક પ્લેયર ને રાજકોટમાં રહેવા જમવા માટેની પણ ખૂબ સારી સુવિધા આપવામાં આવી છે. વિજેતા ખેલાડીને પ્રોત્સાહિત ઇનામ આપી સન્માન કરવામાં આવશે.