દેશના અર્થતંત્ર અને નિકાસમાં આ ફાર્મા એકમો મહત્વનો હિસ્સો આપશે : 14 હજાર જેટલી નવી રોજગારી ઉભી થવાનો પણ અંદાજ
નવા રોકાણો સાથે ભારતના ફાર્મા હબ તરીકે સ્થિતિ મજબૂત કરવાના ગુજરાત સરકારના પ્રયાસો સફળતાની દિશામાં છે. રૂ. 7,000 કરોડના મોટા મૂડીરોકાણ સાથે નાણાકીય વર્ષ 2022-23માં દવાના ઉત્પાદનમાં લગભગ 139 નવા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. જે હવે કાર્યરત થવા માટે સજ્જ થઈ ગયા હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરાયુ છે.
એફડીસીએના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાણાકીય વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં સૌથી વધુ નવા પ્લાન્ટની નોંધણી થઈ છે. મોટાભાગના નવા પ્લાન્ટમાં અતિ આધુનિક સાધનો છે અને તે નિકાસલક્ષી છે, એમ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત એફડીસીએના કમિશનર એચ જી કોશિયાએ જણાવ્યું હતું કે, “અમે 139 નવા પ્લાન્ટને મંજૂરી આપી છે. માર્ચ 2019 થી, રાજ્યમાં 494 નવા પ્લાન્ટ ઉમેરાયા છે. અર્થતંત્ર પર કોવિડ-19ની અસર ક્ષીણ થતાં ફાર્મા સેક્ટરમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા નાણાકીય વર્ષમાં, 597 નવા લાઇસન્સ જારી કરવામાં આવ્યા છે, જે કોવિડ વર્ષ કરતા ઘણા વધારે છે.”
ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં વૃદ્ધિ અંગે, ભારતીય ડ્રગ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિરાંચી શાહે જણાવ્યું હતું કે, “કોવિડ રોગચાળા પછી, ફાર્મા સેક્ટરમાં રસ વધી રહ્યો છે અને ઘણા ઉદ્યોગપતિઓએ આ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે. નવા પ્રોજેક્ટ રોકાણ આકર્ષશે અને લગભગ 14,000 લોકોને રોજગારીનું સર્જન કરશે.
શાહે કહ્યું કે નવા રોકાણમાં વૃદ્ધિને પણ જીએસટી રોલઆઉટને આભારી છે. જીએસટી રોલઆઉટ પહેલાં, ઘણા રાજ્યો ટેક્સ હેવન હતા અને ગુજરાતના ફાર્મા ઉદ્યોગમાંથી રોકાણની તકો છીનવી લેતા હતા. એકસમાન કરવેરાથી અહીંના ક્ષેત્રના વિકાસમાં મદદ મળી છે. અહીંના ઉત્પાદન એકમો યુએસ અને યુરોપ જેવા અત્યંત નિયંત્રિત બજારોમાં દવાઓની નિકાસ કરવા માટે સજ્જ છે. ગુજરાતમાં ફાર્મા સેક્ટર માટે સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે અને અમે માનીએ છીએ કે રાજ્ય નવા રોકાણને આકર્ષવાનું ચાલુ રાખશે.