દેશહિતમાં કામ કરવા માટે કોંગ્રેસનો ચાહક વર્ગ વિશાળ છે પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈ લોકસભાની ચૂંટણીમાં દર વખતે વિશાળ જંગી જાહેરસભાઓ અને નેતાઓના પ્રભાવી પ્રચાર ઝુંબેશમાં જનમેદની એકઠી કરવામાં કોંગ્રેસ વિરોધીઓને દર વખતે મુંઝવવામાં સફળ બને છે પરંતુ કોંગ્રેસ મતદાનના દિવસે પોતાના કમિટેડ વોટરને ઘરથી લઈ બુથ સુધી લઈ જવામાં ક્યાંકને ક્યાંક પાછળ રહી જાય છે

સમય, કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી નથી પરંતુ દરેક પરિવર્તનના મુળમાં કોઈ ચોક્કસ કારણ રહેલું જ હોય છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના રાજકીય મંચ પર દેશ સેવામાં રત રહેલા અને અત્યાર સુધીના લોકતાંત્રીક ઈતિહાસમાં સૌથી વધુ શાસનનો કાળ જેના નામે લખાયો છે તે કોંગ્રેસ આજે ૧૩૬મો સ્થાપના દિન ઉજવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ માટે આજનો દિવસ ઉજવણીના આનંદ અને ઉલ્લાસના અવસરના બદલે અત્યારની સ્થિતિ ખરા અર્થમાં મનોમંથનનો અવસર બની રહ્યો છે. કોંગ્રેસના દેશ સેવાના ઈતિહાસનો ભવ્ય ભુતકાળ હોવા છતાં કેટલાક ચોક્કસ સંજોગોના કારણે એક જમાનામાં પ્રભાવી અને તેની સામે કોઈની પણ વિસાત ન હતી તેવા કોંગ્રેસ અત્યારે વેર વિખેર હાલતમાં પડી છે ત્યારે કોંગ્રેસની આ સ્થિતિનું કારણ શું અને ભવ્ય વિરાસત ધરાવતા કોંગ્રેસને ફરીથી દેશના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શું કરવું ઘટે તેનું મનોમંથન આવશ્યક બન્યું છે.

કોંગ્રેસમાં અત્યારે નેતાગીરીની નબળાઈએ એક જમાનાનો સર્વ શક્તિશાળી પક્ષને વેર વિખેર કરી દીધું છે. કોંગ્રેસ પાસે સત્તા દેશ સંચાલનનો દિર્ધ અનુભવ છે પરંતુ તેને વિપક્ષની ભૂમિકામાં કેવી રીતે કામ કરવું તેનો અનુભવ નથી. કોંગ્રેસ માટે એવું કહી શકાય કે, પક્ષમાં નેતાઓની ખોટ નથી પણ પાયાના કાર્યકરો ખુટી રહ્યાં છે. કોંગ્રેસમાં બધા નેતા છે કોઈ કાર્યકર બનવા તૈયાર નથી. પ્રતિસ્પર્ધી પક્ષોને કોંગ્રેસને મહાત કરવાની જરૂર જ નથી. પક્ષના આંતરીક કલહ અને યાદવાસ્થળીથી જ કોંગ્રેસ અત્યારે પોતાના ભારે જ ભાંગી રહ્યું હોય તેવી કરૂણ અવસ્થામાં ગાંધી પરિવારના વિકલ્પની શોધમાં કોંગ્રેસ કેવી રીતે કાર્ય કરી શકે તે હજુ નક્કી થયું નથી. સોનિયા ગાંધીની તબિયત અને રાહુલ ગાંધી હજુ કોંગ્રેસના નેતૃત્વ માટે માનસીક રીતે તૈયાર નથી. કોંગ્રેસની નેતાગીરીનો અધ્યાય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરૂ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી થઈને સફળ અર્થ શાસ્ત્રી તરીકે વિશ્ર્વમાં સન્માન ધરાવતા ડો.મનમોહનસિંઘ સુધી લાંબી ત્વારીખ ધરાવે છે. કોંગ્રેસને એક દિગ્ગજ રાષ્ટ્રીય પક્ષની સાથે સાથે દેશના રાજકારણમાં, નેતાઓ અને રાજકીય પક્ષના જનક તરીકે પણ મુલ્વી શકાય. ૧૩૬ વર્ષની આ સફરમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન ભારતને અવિસ્મરણીય ઉપહારો અને વિચક્ષણ રાષ્ટ્રીય પ્રતિભાવોની ભેટ મળી છે. પરંતુ નેતાઓની ભરમાર અને કાર્યકરોની અછતથી ભવ્ય ભૂતકાળ ધરાવતું કોંગ્રેસ અને બિચારી પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે. કોંગ્રેસની ચૂંટણી રણનીતિમાં અમુલ પરિવર્તનની જરૂર છે. ભાજપના ઉદય અને માઈક્રો મેનેજમેન્ટ અને લોકોના ઘર-ઘર સુધી પહોંચવાની રણનીતિ સામે કોંગ્રેસ પોતાના મેક્રો મેનેજમેન્ટથી ક્યાંક પાછળ રહી જતું હોય તેવી સ્થિતિને કોંગ્રેસ સમયસર ઓળખવામાં થાપ ખાઈ ગઈ છે. ચૂંટણી રણનીતિ, રાષ્ટ્રીય મુદ્દા, ચૂંટણી ઢંઢેરા, આદર્શ નીતિવિષયક નીતિનું ભાથુ સાથે રાખી આગળ વધતી કોંગ્રેસ ચૂંટણીમાં બુથ લેવલના મેનેજમેન્ટમાં પાછળ પડતી જાય છે. કોંગ્રેસ પાસે નેતાઓની ખોટ નથી પણ કાર્યકરોની કાયમ અછત રહે છે. રાષ્ટ્રીય મુદ્દા દેશ હિતનો વિશ્ર્વાસ, વિદેશ નીતિમાં કોંગ્રેસ હંમેશા દિગ્વિજય રહેલી છે.

અખંડ ભારતના રચિયતા સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ વિદેશી રણનીતિના માહેર શત્રુઓ પર કાયમી વિજયની કોઠાસુઝ, દેશને અણુ શક્તિ બનાવવાની દિશામાં પગલા ભરવા માટે ઈન્દિરા ગાંધી જેવા વડાપ્રધાન, મનમોહનસિંઘ જેવા આર્થિક નિષ્ણાંતો કોંગ્રેસની મુડી છે. દેશહિતમાં કામ કરવા માટે કોંગ્રેસનો ચાહક વર્ગ વિશાળ છે પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈ લોકસભાની ચૂંટણીમાં દર વખતે વિશાળ જંગી જાહેરસભાઓ અને નેતાઓના પ્રભાવી પ્રચાર ઝુંબેશમાં જનમેદની એકઠી કરવામાં કોંગ્રેસ વિરોધીઓને દર વખતે મુંઝવવામાં સફળ બને છે. પરંતુ કોંગ્રેસ મતદાનના દિવસે પોતાના કમિટેડ વોટરને ઘરથી લઈ બુથ સુધી લઈ જવામાં ક્યાંકને ક્યાંક પાછળ રહી જાય છે. ૧૩૬માં સ્થાપના દિવસની આ ઉજવણી કોંગ્રેસ માટે આનંદનો અવસર નહીં પરંતુ નિરાશામાંથી બહાર નીકળી બુથ લેવલની કામગીરીની રણનીતિ અને નેતાઓના આંતરીક વિખ્વાદને ભૂલીને કોંગ્રેસ શબ્દના અર્થ મુજબ તમામને સાથે થવાનો માહોલ ઉભો કરવાનો અવસર બની રહ્યો છે. કોંગ્રેસનું ભૂતકાળ ભવ્ય હતો, એ વાત અલગ છે કે વર્તમાનની વેરવિખેર કોંગ્રેસને પુન: એક કરવી અઘરી છે પરંતુ એ વાત પણ અશકય નથી કે, જો કોંગ્રેસ તેના હરિફોની જેમ પક્ષના આંતરીક સંકલન અને મતદારોને હોમ ટુ બુથ સુધી પહોંચાડવાની શક્તિ કેળવી લે તો કોંગ્રેસનો ઉદય અશકય નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.