1,145 સોનાના કળશનું બુકિંગ, 780 ઘુમ્મટ ચઢાવી દેવાયા
સમુદ્રકાંઠે બિરાજમાન સોમનાથ મહાદેવનું મંદિરને સુવર્ણજડિત બનાવી સોમનાથનો 1 હજાર વર્ષ પહેલાંનો સુવર્ણયુગ ફરીથી લાવવાની કામગીરી શરૂ થઇ ચૂકી છે. જેમાં મંદિરમાં ગર્ભગૃહ, પિલર સહિત 130 કિલો સોનું જડી દેવામાં આવ્યું છે. આ કામ પણ હજુ ચાલુ છે.
આ સિવાય મંદિરના ઘુમ્મટ પર સુવર્ણ કળશ ચઢાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ઘણાખરા કળશનું ચઢાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. ઘણાખરા કળશનું બુકીંગ પૂર્ણ થઇ ચૂક્યું છે. અને એ કળશને ઘુમ્મટ પર ફિટ પણ કરી દેવાયા છે.સોમનાથ મંદિરમાં અત્યાર સુધી ગર્ભગૃહ, પિલર, ત્રિશૂલ અને ડમરૂ મળી કુલ 130 કિલો સુવર્ણથી મઢી દેવાયા છે. આ સોનું 24 કેરટનું છે. અને તાંબાના પતરાંના બેઇઝ પર તેને મઢવામાં આવ્યું છે.
તો મંદિર અંદરની સાથે બહારથી પણ સુવર્ણમય દેખાવા લાગે એ માટે તેના ઘુમ્મટ પરના કળશને પણ સુવર્ણજડિત બનાવાઇ રહ્યા છે. આ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સુવર્ણ કળશ યોજના દાતાઓના સહયોગથી અમલમાં મૂકાઈ છે. જેમાં રૂ. 5.51 લાખની કિંમતના 2 કળશ, રૂ. 1.51 લાખના 80 કળશ, રૂ. 1.21 લાખના 1227 કળશ અને રૂ. 1.11 લાખના 138 કળશ.
આમ કુલ 1445 કળશની યોજના છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 780 સુવર્ણ કળશ મંદિરના ઘુમ્મટ ઉપર ચઢાવવામાં આવ્યા છે. જેમાં 5.51 લાખના 2 કળશ, 1.51 લાખના 55 કળશ, 1.21 લાખના 671 કળશ અને 1.11 લાખના 52 કળશનો સમાવેશ થાય છે.આ રીતે કુલ 780 કળશ સોમનાથ મંદિરના ઘુમ્મટ પર ચઢી ગયા છે. બાકી રહેલા 665 કળશ માટેના દાતાઓનું બુકિંગ પણ થઇ ચૂક્યું છે.
એક પછી એક દાતાઓને બોલાવી અને કળશની પૂજા કરવાનું કામ ચાલી રહ્યું છે. કળશ યોજના આગામી એકાદ મહિનામાં પૂર્ણ થતાં જ સોમનાથ મહાદેવ મંદિરનો ઘુમ્મટ સુર્વણથી ઝળહળવા લાગશે. આ સાથે આગામી દિવસોમાં પણ સંપૂર્ણ મંદિર સુવર્ણ જડિત બનાવવાની યોજના પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા અમલમાં મૂકવામાં આવનાર છે.
1 કળશમાં સરેરાશ 5 થી 6 ગ્રામ સોનું ચઢે
સોમનાથ ટ્રસ્ટના જણાવ્યાનુસાર 1 કળશ પર સરેરાશ 5 થી 6 ગ્રામ સોનું ચઢે છે. કળશ તાંબાનો બનેલો હોય છે. તેના પર સોનાનો ઢોળ ચઢાવાય છે. આ રીતે કળશ પર કુલ 5.5 કિલો સોનું ચઢ્યું છે.